નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે રમાનારી આઈપીએલની ફાઇનલ મેચની ટિકિટ માટેની બુકિંગ સાઇટ પર 34 હજાર જેટલી ટિકિટનું વેઇટિંગ બતાવે છે. કુલ 80 હજાર ટિકિટનું ઓનલાઇન વેચાણ કરાશે, જે તબક્કાવાર હશે. દરેક સ્લોટમાં 5 હજાર ટિકિટનું વેચાણ થશે. જ્યારે 25 હજાર ટિકિટો કોમ્પ્લિમેન્ટ્રી તરીકે અપાઈ રહી છે, જે ક્રિકેટ બોર્ડ સહિતની સંસ્થાઓ દ્વારા અપાશે. વેચાણ માટે એક પણ ટિકિટ ઓફલાઇન મળશે નહીં.બીજી તરફ સૈન્ય જવાનો માટે પણ કેટલીક સીટો રિઝર્વ રાખવામાં આવી છે. આ દિવસે સ્ટેડિયમમાં સિંદૂરિયા રંગની લાઇટિંગ પણ કરવામાં આવી શકે છે.
ફાઇનલને કારણે અમદાવાદમાં મોટી સંખ્યામાં અન્ય શહેરોના લોકો આવશે, જેથી અમદાવાદની હોટેલોના ભાડામાં વધારો થયો છે. 3 જૂનનાં હોટેલોનાં ભાડામાં ત્રણથી ચાર ગણો વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં જે હોટેલનું એક દિવસનું ભાડું 9 હજાર આસપાસ હોય છે, તેે 3 જૂને 18 હજાર જેટલું થઈ ગયું છે. ઉપરાંત ઘણા હોટેલોમાં ચેકઇન સમય કરતા વહેલા રૂમ લેવા માટે બે દિવસનું ભાડું માગવામાં આવી રહ્યું છે.મંગળવારે ફાઈનલને પગલે સોમવારે મોડી સાંજે દિલ્હી, બેંગલુરુ, મુંબઈ અને ચંડીગઢથી આવનારી ફ્લાઇટનાં ભાડાં 25 હજાર સુધી પહોંચ્યાં છે. સામાન્ય દિવસોમાં 2500થી 4500 સુધીનું એરફેર હોય છે. ઉપરાંત ફાઇનલ મેચ બાદના દિવસે પણ વહેલી સવારની મુંબઈ, દિલ્હી અને બેંગલુરુની ફ્લાઇટનાં ભાડાં 30 હજાર સુધી પહોંચ્યાં છે. બેંગલુરુની બપોરના 12 વાગ્યા પહેલાં કુલ પાંચ ફ્લાઇટ છે, જેમાંથી માત્ર બે ફ્લાઇટમાં ગણતરીની સીટો બાકી રહેતા એરફેર રૂ. 30 હજાર સુધી પહોંચ્યું છે