22000 નજીક સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સવાળા શેર્સ લેવાં પર ફોકસ કરવું

આશિષ નમ્બીસન : ગયા અઠવાડિયે આ કૉલમમાં જણાવ્યુ હતું કે, “22000 થી નિફ્ટી આંકમાં એક સારું રિવર્સલ જોવા મળ્યું અને નિફ્ટી આંક 22550ની ઉપર બંધ રહેવા સાથે ટેકનિકલ દ્રષ્ટિએ તેજીનો સંકેત આપતી ‘હારામી બ્લેક કેંડલ પેટર્ન’ રચાઇ છે, જે વધુ સુધારાની સંભાવના દર્શાવે છે. જો કે, આપણે તે ભૂલવું જોઈએ નહીં કે બજાર હજુપણ ઘટાડા તરફી ટ્રેન્ડમાં છે અને 22670 ના નિર્ણાયક સ્તરની ઉપરનો બંધ જોવાયો નથી. અહી એક અન્ય નોંધનીય હકીકત એ છે કે, 22670 એ ફિબોનેકી 61.8% વાળો ગોલ્ડન રેશિયો છે. આમ, હવે 22400/22200 સારાં ટેકા બન્યા છે. તેથી આ ટેકાની નજીક 21960 ના સ્ટોપલોસથી લેણ કરવું શ્રેષ્ઠ રહે. કહેવાની જરૂર નથી કે બજારે ગયા અઠવાડિયે આપણાં 21800 ના ટેકાને તોડ્યો નથી અને તેથી એ ટેકો હવે વધુ મજબૂત બની ગયો છે. આમ, જ્યાં સુધી 21800 નો ટેકો અકબંધ છે, બજારમાં ‘સબ-સલામત’ છે. તે ટેકો તૂટે તો 21500/21280 સુધીના ઘાટા જોવા મળે. જો સોમવારે 22700 ની ઉપર ટકી રહેવામાં નિફ્ટી આંક સફળ રહે તો સમગ્ર ચાલ વધુ તેજી તરફી બને અને ટૂંક સમયમાં નિફ્ટી 23000 સ્પર્શી શકે. આથી, હવે શ્રેષ્ઠ વ્યુહરચના એ રહે કે, 22400/22200 ના ટેકાની નજીક લેણ કરવું અથવા તો 22700 પાર થયા પછી, જેમાં 22900/23000 નું ટાર્ગેટ રાખી શકાય.”
સહુપ્રથમ, એ વાચકમિત્રનો આભાર કે જેમણે ઉપરોક્ત ફકરામાં ફિબોનેકી રેશિયો ટાંકવામાં જે ભૂલ થઈ હતી તેના તરફ ધ્યાન દોર્યું. ઉપરોક્ત ફકરામાં ફિબોનેકી ગોલ્ડન રેશિયો 61.8% જણાવ્યો છે, જ્યારે હકીકતમાં તે 38.2% લખવાનું હતું. આથી, ઉપરોક્ત ફકરમાં ફિબોનેકી લેવલવાળું વાક્ય એ રીતે વાંચવું કે, “22670 એ ફિબોનેકી 38.2% વાળો ગોલ્ડન રેશિયો છે.”
વીતેલાં અઠવાડિયે બજારમાં શું થયું? સોમવાર 10 માર્ચે નિફ્ટી આંક 22522 પર ખૂલ્યો અને તે બરોબર તે 38.2% વાળો ફિબ રેશિયો કે જે 22670 હતો તેને સ્પર્શયો અને 22676 નો હાઇ બનાવ્યો. ગત અંકમાં વધુમાં એમ પણ જણાવ્યુ હતું કે, લેણ કરવાનો શ્રેષ્ઠ પોઈન્ટ 22400/22200 ના સપોર્ટ એરિયાની નજીક રહે. નિફ્ટી આંકે 22320 બે વાર સ્પર્શ કર્યું અને 22577 સુધી પાછી ઉછળી, જે દર્શાવે છે કે આ ઇન્ડેક્સ ટેકનિકલ લેવલ્સને સંપૂર્ણપણે માન આપતો રહ્યો. હવે, સૌથી મહત્વનો પ્રશ્ન એ રહે છે કે, જ્યારે નિફ્ટી આંક 22200 ના ટેકાથી ઉપર ચાલી રહ્યો છે, પરંતુ 22700 વાળા અવરોધને પાર નથી કરી રહ્યો, ત્યારે તેની પાસે થી આપણે કેવી ચાલની અપેક્ષા રાખી શકીએ? તે માટે ચાલો આપણે સમગ્ર સ્થિતિનો ચિતાર જોઈએ.
ગ્લોબલ પરિપેક્ષ્ય:
- ગુરુવારે ટ્રમ્પે યુરોપમાંથી આયાત થતાં વાઇન, કોગ્નેક (ફ્રેંચ બ્રાંડી) અને અન્ય આલ્કોહોલ પર 200% ટેરિફ લાદવાની ધમકી ઉચ્ચારી, જેનાથી ગ્લોબલ ટ્રેડ વોરનો એક નવો મોરચો ખૂલ્યો, જેણે પગલે વૈશ્વિક બજારો ધમરોળાયા અને વિશ્વવ્યાપી ‘મંદી’ની ચિંતા ગહેરી બની.
- જાન્યુઆરીમાં બ્રિટનનું અર્થતંત્ર અનાપેક્ષિતપણે સંકોચન પામ્યું. ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીના ઔદ્યોગિક ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો જોવાતાં તેનું કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) 0.1% ઘટ્યું.
- 2021 પછી પહેલીવાર ફ્રાંસમાં ઇંફ્લેશન 1% નીચે રહ્યું.
- જર્મનીની અર્થતાંત્રિક સંસ્થા DIW એ જાહેર કર્યું કે જર્મનીનું ફિસકલ એક્સપાનસન (રાજકોષીય ખર્ચ) 2026 થી તેનાં GDP સુધારને બળ આપશે. 500 બિલિયન યુરોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ આગામી 10 વર્ષમાં ઇકોનોમિક આઉટપુટમાં પ્રતિવર્ષ 2% ના દરે વધારો લાવી શકે છે. પરંતુ, રાજકીય અસ્થિરતા (ડિસેમ્બરમાં સરકારે વિશ્વાસ મત ગુમાવ્યા બાદ નવી સરકાર રચાઇ છે) અને ગ્લોબલ ટ્રેડ ટેન્શનના પગલે જર્મનીએ ચાલુ અને આગામી વર્ષ માટેના અનુમાનોમાં ઘટાડો કર્યો છે.
- ભારતમાં મોંઘવારી દર ઘટ્યો અને ઔદ્યોગિક વૃદ્ધિમાં ગતિ આવી.
ઇન્ડેક્સિસનો સંક્ષિપ્ત ચિતાર:
ગત અઠવાડિયે કેશ સેગમેન્ટમાં FII રૂ.5730 કરોડથી નેટ સેલર અને DII રૂ.5499 કરોડથી નેટ બાયર રહી. મંગળવારે બજારે સુધારા સાથે શરૂઆત કરી હોવા છતાં, આઈ.ટી. અને ઓટો સેક્ટર્સના શેરમાં ઘટાડાએ બજારનો માહોલ ખરડ્યો અને આખરે ઇન્ડેક્સિસ ઘટાડે બંધ રહ્યા. મોંઘવારીના મોરચે પણ રાહત મળતી જોવા મળી, મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો, ઔદ્યોગિક ઉત્પાદનમાં સુધારો નોંધાયો, મેન્યૂફેક્ચરિંગ આઉટપુટના આંકડા સારાં આવ્યા, છતાં વૈશ્વિક અનિશ્ચિત્તાઓ ને પગલે રોકાણકારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નહીં.
મોંઘવારી દરમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, ગુરુવારે બજાર ફરી વોલેટાઇલ રહ્યું અને નિફ્ટી 22400 ની નીચે બંધ રહી, જે રોકાણકારોના વિશ્વાસમાં ઓટ આવ્યાનું દર્શાવે છે. વૈશ્વિક પરિબળો બજારોનો માહોલ ખરડી રહ્યા હતાં ત્યારે સ્થાનિક પરિબળો બજાર માટે સકારત્મ્ક માહોલ બનાવી રહ્યા હતાં અને પરિણામે બજાર આખું અઠવાડિયું સાંકડી રેન્જમાં રહ્યું. IIPમાં સુધારો અને મોંઘવારી દરમાં ઘટાડો અર્થતાંત્રિક ફંડામેંટલ્સમાં સુધારાના સકારત્મક સંકેતો આપી રહ્યા છે. ભારતમાં રિટેલ ઇન્ફલેશન પણ ઘટીને આવ્યું જેનાથી વ્યાજદરોમાં ઘટાડાની આશા બળવત્તર બની છે. જાન્યુઆરીનું ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ અપેક્ષા કરતાં સુધરીને આવ્યું, જે બજારના સેન્ટિમેન્ટને સુધારવામાં અને આગળના ઘટાડા અટકાવવામાં સહાયભૂત થશે. જો કે, યુ.એસ.માં મંદી સ્થાનિક બજારોની ચાલને પ્રભાવિત કરી શકે છે. પરંતુ, આપણે તેની અવગણના ન કરવી જોઈએ કે હાલના કરેક્શનમાં વેલ્યૂએશન આકર્ષક બન્યા છે, સાથે જ ક્રૂડઓઇલના ભાવો ઘટી રહ્યા છે, ડોલર ઇન્ડેક્સ નરમ પડી રહ્યો છે, આગામી ત્રિમાસિક પરિણામોમાં અર્નિંગમાં સુધારો જોવવાની અપેક્ષા છે અને આ બધાં પરિબળો વોલેટિલિટીને અંકુશીત રાખી શકે છે અને ગ્લોબલ ટ્રેડ અનિશ્ચિતતાઓ વચ્ચે બજારમાં સ્થિરતા લાવવામાં સહાયભૂત થઈ શકે છે. આ અઠવાડિયે ચીન અને યુ.એસ.ના રિટેલ સેલ્સના ડેટા આવવાના છે, જેનું બજાર બારીકાઈથી નિરીક્ષણ કરશે અને ત્યારે ગ્લોબલ ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.
ટેકનિકલ ચાર્ટની દ્રષ્ટિએ:
વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને બજારમાં ગભરાટના પગલે મુખ્ય સૂચકાંકો સાંકડી રેન્જમાં રહ્યા. 22670 વાળો ઝોન બજાર માટે ગયા અઠવાડિયે નિર્ણાયક રહ્યો અને ઉપર તેનાં મહત્વ અંગે આપણે ચર્ચા કરી. હવે જ્યારે આપણે ગયા આખા અઠવાડીયા દરમ્યાન તેને પાર નથી કરી શક્યા, ત્યારે તે 22670 – 22700 વાળો ઝોન વધુ મહત્વપૂર્ણ બની જાય છે. તેની ઉપરની નિર્ણાયક ચાલ 23000 / 23150 સુધીની તેજી લાવી શકે છે.
નિષ્કર્ષ: ભારતના મેક્રો ડેટાને અવગણી શકાય નહિ. IIPમાં વધારો, મેન્યૂફેક્ચરિંગ આઉટપૂટમાં મજબૂત રીબાઉન્ડ , મોંઘવારી દરમાં ઘટાડો – આ એવાં કેટલાક સકારત્મ્ક પરિબળો છે કે જે રોકાણકારોના સેન્ટિમેન્ટને સુધારી શકે. બીજી તરફ હાલના માર્કેટ ટ્રેન્ડ માટે ગ્લોબલ પરિબળો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે. આથી રોકાણકારે સાવચેતીપૂર્વકનો અભિગમ અપનાવવાનો રહે, મોટું જોખમ લેવાનું ટાળવાનું રહે, સાથે જ જેનાં ફંડામેન્ટલ્સ મજબૂત હોય તેવી કંપનીઓના શેર્સ ધીમેધીમે લેવાના શરૂ કરી શકાય, કેમકે હાલ વેલ્યૂએસન પણ આકર્ષક બની રહ્યા છે. આપણે નિફ્ટી આંક 22000 આવ્યો ત્યારથી શોર્ટ કરવાનું ટાળી રહ્યા છે અને ઘટાડે લેણ કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. હજુપણ આપણે તે તરફ ફોકસ કરવાનું રહે છે, કેમ કે તે વખતે આપણી પાસે એક સકારત્મ્ક પાસું એ હતું કે નિફ્ટી50 નો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો (PE) તેનાં લાંબાગાળાની સરેરાશની નીચે આવ્યો હતો. હવે, બીજું પાસું એ છે કે સ્થાનિક મેક્રો ડેટા અને તેને પગલે બહુઆયામી પરિબળો પણ સકારત્મક બની રહ્યા છે, જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે બજારને ટકાવી રાખવામાં સહાયભૂત નીવડે. નિફ્ટી50 એ ગયા અઠવાડિયે 22000/ 22400 નો ટેકો અકબંધ રાખ્યો છે અને તેથી, જ્યાં સુધી નિફ્ટી 22000 ની ઉપર ટકેલી છે ત્યાં સુધી લેણ કરવા તરફ ધ્યાન આપવાનું રહે છે. 21900 તૂટ્યા પછી જ તે દ્રષ્ટિકોણ બદલવાનો રહે. 22260/ 22120/ 22040 વચગાળાના ટેકા છે, જ્યારે 22670 મોટો અવરોધ છે, જે પાર થતાં 23000/ 23150 સુધીનો ઉછાળો જોવાઈ શકે. આ અઠવાડિયે બુલ્સ 21900 જાળવી રાખવા અને બેયર્સ 22670 અકબંધ રાખવા ખેંચતાણ કરતાં જોવા મળે. આ ટેકા કે અવરોધ તૂટતાં તે તરફ આગળની ચાલ ઝડપી બને. આથી, નવી પોઝિશન બનાવવા માટે કોઈપણ એક તરફના બ્રેકઆઉટની રાહ જોવી. અથવા ટેકાની નજીક લેણ અને અવરોધની નજીક વેચાણની પોઝિશન યોગ્ય સ્ટોપલોસ સાથે બનાવી નાના માર્જિનથી વેપાર ગોઠવી શકાય.