નવી દિલ્હી: દૂરસંચાર ક્ષેત્રમાં વર્ષોથી કાર્યરત કંપની હિમાચલ ફ્યુચરીસ્ટિકે તામિલનાડુંના હોસુરમાં ડિફેન્સ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા ઉપકરણોના ઉત્પાદન માટેનું એકમ શરૂ કર્યું છે. મંગલવારે કંપનીએ સ્ટોક એક્સચેન્જને આ જાણકારી આપી છે.
આ એકમમાં કંપની સંપૂર્ણપણે પોતાની ટેકનોલોજીનો ઉપયોગ કરી તૈયાર કરેલ થર્મલ વેપન સાઇટ્સ, ઈલેક્ટ્રોનિક ફ્યુઝિસ અને હાઇ-ક્વોલિટી રેડિયો રિલે સિસ્ટમ અને સર્વેલન્સ રડારનું ઉત્પાદન કરશે.
HFCLના મેનેજિંગ ડાયરેક્ટર મહેન્દ્ર નાહટાએ જણાવ્યુ છે કે, “કંપનીને હોસુરમાં આ અદ્યતન સંરક્ષણ સાધનો ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કરતાં ગર્વ છે, જે નવીનતા, શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય પ્રગતિ માટેના અમારા અતૂટ સમર્પણનું પ્રતીક છે. આ સુવિધા અમને સશસ્ત્ર દળોને વિશ્વ-સ્તરની સંરક્ષણ તકનીકો પૂરી પાડવામાં સહાયભૂત થશે, જેનાથી તેઓ મહત્વપૂર્ણ મિશનમાં વધુ કાર્યક્ષમતા અને આત્મવિશ્વાસ સાથે કામ કરી શકશે.”
આ એકમ 5000 થર્મલ વેપન સાઇટ્સ, 2,50,000 ઈલેક્ટ્રોનિક ફ્યુઝિસ અને હાઇ-ક્વોલિટી રેડિયો રિલે સિસ્ટમ અને સર્વેલન્સ રડાર ના એક-એક હજાર યુનિટનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
HFCLના થર્મલ વેપન સાઇટ્સ નાનાં શસ્ત્રો જેવા કે રાઈફ્લ્સ, લાઇટ મશીન ગન્સ (LMG), રોકેટ લોંચર્સ પર ઇન્સ્ટોલ કરી શકાય તેવા છે અને તે હાઇ-રિઝોલ્યુશન ઈમેજિંગ જેવાં ફીચર્સથી સજ્જ છે.