મંગળવાર તા. ૧૭ ડિસેમ્બરના રોજ સેબીએ પરિપત્ર બહાર પાડી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા ઓફશોર ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટસ (ODI) મારફત થતાં રોકાણો બાબતના નિયમનોમાં ફેરફાર કર્યો છે. ત્યારથી બજારમાં શરૂ થયેલ વેચવાલીમાં ત્રણ દિવસમાં સેન્સેક્સ ત્રણ હજાર પોઇન્ટ ઘટ્યો છે અને વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફ.આઇ.આઇ.)એ સતત કેશ તેમજ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સતત વેચવાલી કરી છે.
શું છે પરિપત્ર?
ઉક્ત પરિપત્રથી સેબીએ તા. ૩૦ મે ૨૦૨૪ રોજના માસ્ટર સર્કયુલરમાં સુધારા કર્યા છે. “એફ.પી.આઇ.ના સેગ્રીગેટેડ પોર્ટફોલિયો અને ઓ.ડી.આઇ. અંગેના નિયમનોનો દુરુપયોગ સબબના પગલાં” ના વિષય સાથે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
ઉક્ત પરિપત્રથી થયેલ સુધારા મુજબ, એવાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર (ફો.પો.ઇ.) કે જેમનું પ્રોપરાયટરી ઇન્વેસ્ટમેન્ટ હોય તેઓ ઓ.ડી.આઇ. ઇશ્યુ કરી શકે નહિ. જે ફો.પો.ઇ.ને ઓ.ડી.આઇ. ઇશ્યુ કરવું હોય તેણે ફો.પો.ઇ. તરીકેની નોંધણી સાથે જ ઇશ્યુ કરી શકાશે. ઇન્ટ્રુમેન્ટ (ખત) ઇશ્યુ કરતી વખતે આવાં ઓ.ડી.આઇ. સબબ ફો.પો.ઇ.ના નોંધણીકૃત નામની પાછળ ‘ઓ.ડી.આઇ.’ લખવામાં આવશે અને તેમાં PAN નંબર એ જ રહેશે. આવાં ખત ઇશ્યુ કરવાની વિનંતી સબબ ડેઝિગ્નેટેડ ડિપોઝટરી પાર્ટીસિપેન્ટ (ડી.પી.પી.)એ ફો.પો.ઇ.ને નવું એફ.પી.આઇ. નોંધણી પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનું રહેશે. જો કે, આવી નવી નોંધણી એવાં ડેરિવેટિવ ખત કે જેમાં અંડરલાઇંગ તરીકે ગવર્નમેન્ટ સિક્યુરીટી હોય તેમાં લાગૂ પડશે નહિ.
સેબીના આ નિયમનને પગલે વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર સ્ટોક માર્કેટના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટસ માટે અલાયદી નોંધણી સિવાય ઓ.ડી.આઇ. ઇશ્યુ કરાવી શકશે નહિ. તેમજ જેમાં ડેરિવેટિવ્સ અન્ડરલાયિંગ હોય તેવાં ઓ.ડી.આઇ. ઇશ્યુુ જ નહિ કરાવી શકે. આગળ, આ પરિપત્રથી ખુલાસો કરવામાં આવ્યો છે કે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો તેમનાં ઓ.ડી.આઇ. થકીના રોકાણો સામે ભારતના શેરબજારમાં વાયદાઓમાં હેજીંગ કરી શકશે નહિ. સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ઓ.ડી.આઇ. માટે અન્ડરલાયિંગ તરીકે સિક્યુરીટીઝ જ રહેશે, વાયદો નહિ. આવી સિક્યુરીટીને તેજ સિક્યુરીટીના વાયદા સામે ‘એકની સામે એક’ ધોરણે હેજ કરી શકાશે.
વિદેશી સંસ્થાગત રોકાણકારો જાણે કે આ નિયમનને તેમનાં હેજીંગ પોઝીશન લેવા સામેના અવરોધ તરીકે જોતાં હોય તેમ, વેચવાલી જોવા મળી છે. સેબીએ બુધવારે ખુલાસો પણ કર્યો છે. આ પરિપત્રથી સેબીએ સટ્ટાકીય વાયદા પોઝીશનો પર અંકુશ લગાવ્યો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. બીજું કે, વિદેશી રોકાણકારોને વાયદા બજારમાં પોઝિશન લેતાં અટકાવવામાં નથી આવ્યા, પરંતુ તેઓ પોતાની ઓળખ ગુપ્ત રાખીને વાયદામાં પોઝીશન લે તેવી સ્થિતિઓ અટકાવવા આ પગલું લેવામાં આવ્યું હોવાનો નિષ્ણાંતોનો મત છે.
ઉક્ત પરિપત્રના ફકરા ૨.૨ થી મુખ્ય પરિપત્રના ભાગ-ડીના ફકરા નં.૩ માં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા મુજબ ઓ.ડે.ઇ. ઇશ્યુ કરાવનાર ફો.પો.ઇ.એ જે વ્યક્તિ ઓ.ડે.ઇ. તેમની પાસેથી લઇ રહ્યા હોય તેની માલિકી, તેનું આર્થિક હિત અને સંચાલકીય અંકુશ જેવી વિગતો પણ આપવાની રહેશે. જેમાં ઓ.ડી.આઇ. ઇશ્યુ કરાવનાર ફો.પો.ઇ. પાસેથી ઓ.ડી.આઇ. લેનારની જે તે અંડરલાયિંગ સીક્યુરીટીઝની પણ મર્યાદાઓ નિયત કરવામાં આવી છે, રૂપિયા ૨૫૦૦૦ કરોડથી વધુની વાયદા પોઝીશન ઓ.ડી.આઇ. થી લીધી હોય તેવાં ફો.પો.ઇ. પર પણ ડિઝક્લોઝરનો નિયમ લાદવામાં આવ્યો છે. આ બાબતના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ વિવિધ ડિપોઝટરી પાર્ટીસીપેન્ટસના સેબી સાથેના પરામર્શ બાદ નિર્ધારિત કરવામાં આવ્યા છે.
જો કે આવાં ડિસ્ક્લોઝર્સની અનિવાર્યતાથી વિદેશી સરકારો કે તેમનાં ફંડ્સને, ભારતીય બજારમાં ૫૦ ટકાથી ઓછું એક્સપોઝર હોય તેવાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડસ, પબ્લિક રીટેલ ફંડ્સ, જે તે સરકાર પાસે નોંધણીકૃત ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ્સ તેમજ યુનિવર્સિટીના ફંડ્સ વિગેરેને મુક્તિ આપવામાં આવી છે.
સેબીના આ પગલાંથી એવાં વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ કે જે વિદેશી સરકારો, પબ્લિક રિટેલ ફંડ્સ, યુનિવર્સિટીસ વિગેરે દ્વારા સંચાલિત હોય તેમની પોઝીશન લઇ શકવાની ક્ષમતામાં કોઇ જ ફરક પડશે નહિ. પરંતુ, ઓળખ છૂપી રાખી, વાયદા બજારની પોઝીશન સામે પી-નોટ ઇશ્યુ કરવાનું હવે શક્ય રહેશે નહિ. નિષ્ણાંતોના મતે સેબીનું આ પગલું બજારમાં સટ્ટાકીય ઉતારચઢાવને અંકુશિત રાખવાની એક સારી પહેલ છે. નવાં નિયમનને પગલે હાલ બજારમાં થોડોક ગભરાટ જોવાયો છે અને આવી સટ્ટાકીય પોઝિશનો સરખી થઇ રહી હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.