મુંબઈ : ડેરિવેટીવ્ઝ-ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)ની લત્તે ચડીને અનેક રિટેલ ટ્રેડરો ખુવાર થઈ રહ્યાના અને નુકશાની કરીને પાયમાલ થતાં હોવાને લઈ મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ વર્ષ ૨૦૨૪માં આ જુગારથી રિટેલ ટ્રેડરોને દૂર કરવા અંકુશના લીધેલા પગલાંમાં સેબીને સફળતા મળી છે. ડેરિવેટીવ્ઝમાં ૨૦ ટકા ઓપ્શન્સ ટ્રેડરોને આ જુગારની લત્ત છુટી હોવાનું જાણવા મળે છે.
અત્યંત જોખમી અને ભારતીય રિટેલ રોકાણકારોને માટે ખુવારી નોતરતા આ એફ એન્ડ ઓ સેગ્મેન્ટથી રિટેલ ટ્રેડરો દૂર થવા લાગ્યા છે. જે રિટેલ પ્રીમિયમ ટર્નઓવરમાં અને ટ્રેડરોમાં ૨૦ ટકા ઘટાડો નોંધાયાનું જોવાયું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સેબીએ છ પગલાંમાં એફ એન્ડ ઓમાં રિટેલ ટ્રેડરો-રોકાણકારોની એન્ટ્રી અટકાવવા પ્રયાસો કર્યા હતા. જેમાં દરેક એક્સચેન્જ દીઠ વિકલી એક્સપાયરી એક સુધી મર્યાદિત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓપ્શન્સની કોન્ટ્રેક્ટ સાઈઝમાં વધારો કરાયો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં શેર બજારોમાં એફ એન્ડ ઓમાં મોટાપાયે રિટેલ ટ્રેડરોએ ઝંપલાવીને આ જુગારમાં રૂ.૧.૮ લાખ કરોડ જેટલું નુકશાન કર્યું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. ત્યાર બાદ લેવાયેલા અંકુશના પગલાં ગત વર્ષે નવેમ્બરમાં અમલી કરાયા હતા. જેના પરિણામે એપ્રિલથી ઓકટોબરની તુલનાએ જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં રિટેલ પ્રીમિયમમાં ૨૦ ટકા ઘટાડો થયો છે. ઈન્સ્ટીટયુશન્સ માટે પ્રીમિયમમાં ૨૫ ટકા જેટલો ઘટાડો થયો છે.
નવા એફ એન્ડ ઓ નિયમોના કારણે પણ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટસમાં ઘટાડો થયો છે, જે બન્ને રિટેલ અને નોન-રિટેલમં ૮૦ ટકા રહ્યો છે. સંસ્થાકીય-ઈન્સ્ટીટયુશન્સ નવેમ્બર બાદથી શોર્ટ પોઝિશન પર એક્સપાયરી દિવસના માર્જિન ઊંચું રહેતાં વોલ્યુમમાં ઘટાડો પહેલા જ થતો જોવાયો છે. સેબીની ઈન્ડેક્સ પોઝ્શન લિમિટ પરની નવી દરખાસ્તોથી સંસ્થાકીય વોલ્યુમમાં વધુ ઘટાડો થવાની શકયતા મૂકાઈ રહી છે.