સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશનનો દરજ્જો મળતા રાજ્યના પોલીસ વડા આઈપીએસ વિકાસ સહાયના હસ્તે આજે નવા સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવેલ હતું. ગાંધીનગર પોલીસ ભવન ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલની કચેરીમાં આ પોલીસ મથક કાર્યરત થયું છે. અહીં આસુ અગ્રવાલની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે.
એસએમસીના સૂત્રોએ જણાવ્યું કે, ડીજીપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલ ડીઆઇજી નિર્લિપ્ત રાયના સુપરવિઝન હેઠળ ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લાઓમાં સંગઠીત ગુના આચરતી ટોળકીના સાગરીતો (1) આશીષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ (2) વિનોદ ઉર્ફે વિજય મુરલીધર સીંધી ઉદવાણી તથા ટોળકીના અન્ય 8 સભ્યો મળી 10 સભ્યોએ એકબીજા સાથે સંગઠીત થઈ ગુના આચરતી ટોળકી બનાવેલ છે.
આ ગેંગના સભ્યોએ સાથે મળી કાવતરુ ઘળી, પોતાના આર્થિક લાભ માટે, ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત વિદેશી દારૂનો ગેરકાયદેસર રીતે આયાત કરી-કરાવી, વિદેશી દારૂનુ પરિવહન કરી, વહેંચણી અને વેચાણ કરાવેલ. દારૂનું પરિવહન કરવા ખોટી વ્હિકલ નંબર પ્લેટ, ખોટા એન્જીન-ચેચીસ નંબર અને ખોટા ટ્રાન્સપોર્ટ ડોક્યુમેન્ટ બનાવીને ગુનાઓ આચરેલ. જે ત્રણ વર્ષથી વધુ સજાપાત્ર ગંભીર ગુનાઓ છે.
જેથી ધી ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) એકટ 2015 ની કલમ 2 ની પેટા કલમ 1 ની કલોઝ (સી)(એફ) માં વર્ણીત વ્યાખ્યા મુજબ આ ટોળકી વિરૂધ્ધ છેલ્લા દસ વર્ષમાં સોળ ગુનાઓમાં કોર્ટે ન્યાયીક નોંધ લઈ તહોમતનામું ફરમાવવામાં આવેલ છે. આ ટોળકીના તમામ સભ્યોના ગુનાહિત ઈતિહાસ જોતાં, તમામ સભ્યો વિરૂધ્ધ કુલ-500 થી વધુ ગુનાઓ દાખલ થયેલ છે.
જેથી આ ટોળકીના 10 સભ્યો અને તે સિવાય તપાસમાં નિકળે તે તમામ સભ્યો વિરૂધ્ધ ધી ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015ની કલમ 3(1)ની પેટા (2) તથા કલમ 3(2), કલમ 3(4) તથા કલમ 3(5) મુજબની સ્ટેટ મોનીટરીંગ સેલના એડમન પીએસઆઈની સરકાર તરફેની ફરીયાદ આધારે આજે એસએમસીના પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે. આગળની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપીને સોંપવામાં આવેલ છે.