Stock Today

Uncategorized

Uncategorized

સ્ટાર્ટઅપ ઈન્ડિયાને મેગા-પુશ: ભાસ્કર રજીસ્ટ્રીની શરૂઆત, એમેઝોન સાથે ભાગીદારી

ભારતના વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલે સ્ટાર્ટઅપ્સ, તેના રોકાણકારો, સેવાઓ પૂરી પાડનારાઓ અને સરકારી સંસ્થાઓને સહિયારુ મંચ ઉપલબ્ધ કરાવવાના આશયથી ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજીસ્ટ્રી (BHASKAR) લોન્ચ કરી છે. આ સમયે શ્રી ગોયલે જણાવ્યુ છે કે, “આપણે સહુ સાથે મળી એક એવી ઇકો સિસ્ટમ બનાવીએ જેમાં માહિતીની આપ-લે સરળ અને સુગમ્ય હોય અને જે સમગ્ર ઇકોસિસ્ટમ માટે વન-સ્ટોપ-શોપ બની રહે.” શ્રી ગોયલે માહિતી આપી હતી કે આ રજીસ્ટ્રી સ્ટાર્ટઅપને ધિરાણ તેમજ મેટરિંગની શોધ માટે સિંગલ પોઈન્ટ કોંટેક્ટ બની રહેશે. આ રજીસ્ટ્રીને વિશ્વભરમાં સ્ટાર્ટઅપ માટેનું સહુથી મોટું પ્લેટફોર્મ બનાવવું તે આ પહેલનું પ્રાથમિક લક્ષ્ય છે. આ પહેલમાં દરેક સ્ટેકહોલ્ડરને એક યુનિક આઈડી આપવામાં આવશે, જેથી તેઓ એકબીજા સાથે સીધો સંપર્ક સાધી શકે, માહિતી અને વિચારોની આપ-લે કરી શકે. આ રજીસ્ટ્રીમાં નેટવર્કિંગ એન્ડ કોલાબોરેટિંગ, સેંટ્રલાઈઝ એક્સેસ ટુ રિસોર્સિસ જેવી લાક્ષણિકતાઓ હશે, જેનાથી વ્યક્તિગત ઓળખ અને શોધની સરળતા રહેશે અને તેનાથી બ્રાન્ડ ઈન્ડિયાને વધુ મજબૂત બનાવી શકાશે. આ રજીસ્ટ્રીમાં નોંધ કરાવી પોતાનો યુઝર આઈડી મેળવનાર યુઝર પોતાની જરૂરિયાત મુજબના સ્ત્રોતો, સહયોગીઓ અને તકો વિષે જાણકારી મેળવી શકશે અને સરકારી સંસ્થાઓ, ધિરાણ સંસ્થાઓ વિગેરેની પણ જાણકારી મેળવી શકશે. આ ઉપરાંત વિવિધ સ્ત્રોતોથી મળતા નવા આઇડિયા પણ જાણી શકશે. જેથી ઉધ્યમિને ‘ખયાલ થી વાસ્તવિકતા’ ની મજલ કાપવામાં સહયોગ મળી રહેશે. ડિપાર્ટમેંટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈંટર્નલ ટ્રેડના સંયુક્ત સચિવ શ્રી સંજીવે જણાવ્યુ છે કે, આ પહેલ ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે લાભદાયી બની રહેશે. તેમણે 100 થી વધુ કોર્પોરેટસ અને યુનિકોર્નને ઉત્પાદન ક્ષેત્ર માટેના ઇંકયુબેશન સેંટર્સ ઊભા કરવાની પણ અપીલ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે આવતી જાન્યુઆરી 16 સુધીમાં દરેક જીલ્લામાં ઓછામાં ઓછું એક સ્ટાર્ટઅપ હશે. જ્યારે વિભાગના સચિવ શ્રી અમરદીપ ભાટિયાએ જણાવ્યુ છે કે સરકારનું લક્ષ્ય આવનાર વર્ષોમાં સ્ટાર્ટઅપની સંખ્યા 50 લાખને પાર પહોચડવાનું છે. બીજી તરફ લોકસભામાં આપવામાં આવેલ લેખિત જવાબમાં રાજ્યકક્ષાના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી જીતન પ્રસાદે જણાવ્યુ છે કે, 31 ઓક્ટોબર 2024 સુધીમાં 1,52,139 એકમોએ ડિપાર્ટમેંટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈંટર્નલ ટ્રેડ પાસે સ્ટાર્ટઅપ તરીકે નોંધણી કરાવી છે. 2016માં શરૂ થયેલ સ્ટાર્ટઅપ ઈન્ડિયા યોજના અંતર્ગત સ્ટાર્ટઅપને સહયોગ આપવા સરકારે ફંડ ઓફ ફંડ ફોર સ્ટાર્ટઅપ (FFS), સ્ટાર્ટઅપ ઈન્ડિયા સિડ ફંડ સ્કીમ (SISFS) અને ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS) નામે ત્રણ મોટી યોજનાઓ શરૂ કરી છે. નોંધનીય છે કે ગયા ઓકટોબરમાં એમેઝોને ડિપાર્ટમેંટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈંટર્નલ ટ્રેડ સાથે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અન્વયે ભાગીદારી કરી છે, જેમાં ભારતીય સ્ટાર્ટઅપ્સને એમેઝોન પોતાનું મંચ પૂરું પાડવા ઉપરાંત એમેઝોન પે, એમેઝોન ઇન્સેંટિવ્સ, એમેઝોન બિઝનેસ, એમેઝોન લોજિસ્ટિક જેવી પોતાની સવલતો પણ ઉપલબ્ધ બનાવે છે. એમેઝોને મહિલા ઉદ્યમીઓ માટે ‘સહેલી’ પહેલની પણ શરૂઆત કરી છે.

Uncategorized

નવેમ્બરમાં વ્હાઇટ કોલર નોકરીઓ બે ટકા વધી

‘નોકરી જોબસ્પીક ઇન્ડેક્સ’ મુજબ નવેમ્બર માહિનામાં ઓઇલ એન્ડ ગેસ, આર્ટિફિસીયલ ઇંટેલિજન્સ અને મશીન લર્નિંગ, એફ.એમ.સી.જી. જેવા ક્ષેત્રોમાં વ્હાઇટ કોલર હાયરિંગ આગલા વર્ષના નવેમ્બરની સરખામણીએ વધતાં નવેમ્બર માસમાં આ સેગમેન્ટની નોકરીઓ બે ટકા વધી છે. વ્હાઇટ કોલર હાયરિંગ દર્શાવતો સૂચકાંક ‘નોકરી જોબસ્પીક ઇન્ડેક્સ’ નવેમ્બર માસમાં 2430 પોઈન્ટ રહ્યો જે આગલા વર્ષની સરખામણીએ 2 ટકાનો સુધારો દર્શાવે છે. બીનઆઈ.ટી. ક્ષેત્રો જેવાં કે ઓઇલ એન્ડ ગેસમાં 16 ટકા, ફાર્મા અને બાયોટેક 7 ટકા, એફ.એમ.સી.જી. 7 ટકા, રિયલ એસ્ટેટ 10 ટકા જેટલો સુધારો દર્શાવે છે અને તેના પગલે ઉપલા સ્તરની નોકરીઓ વધી હોવાનું આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જ્યારે આગલા વર્ષની સરખામણીએ આઈટી સેક્ટરની નોકરીઓ ફ્લેટ રહી હતી. નોધનીય છે કે છેલ્લા બે વર્ષમાં યુ.એસ.ની આઈ.ટી. કંપનીઓના શેર્સનો સૂચકાંક નેસ્ડેક બમણો થયો છે. ગતવર્ષે આઈ.ટી.ની નોકરીઓમાં સુધારો જોવા મળ્યો હતો. જો કે, આ અહેવાલ મુજબ મશીન લર્નિંગ ક્ષેત્રમાં વ્હાઇટ કોલર હાયરિંગ ગયા નવેમ્બરની સરખામણીએ વીસ ટકા વધ્યું છે. અન્ય ક્ષેત્રોમાં તહેવારની સિઝન દરમ્યાન ખાસ સુધારો જોવા મળ્યો નથી. ‘નોકરી જોબસ્પીક ઇન્ડેક્સ’ naukri.com પર મૂકાયેલ નવી નોકરીઓ અને નોકરીદાતાઓ દ્વારા કરાયેલ ઉમેદવારોની શોધના ડેટાના આધારે ભારતમાં જે તે મહિના દરમ્યાન નોકરીઓની સ્થિતિ કેવી રહી તેની માહિતી પૂરી પાડે છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો આ અહેવાલ મુજબ રાજસ્થાને અન્ય રાજ્યોની સરખામણીએ સારું પ્રદર્શન કર્યું છે. વ્હાઇટ કોલર નોકરીઓ જયપુરમાં 14 ટકા, ઉદયપુરમાં 24 ટકા અને કોટમાં 15 ટકા વધી છે. બહુરાષ્ટ્રીય કંપનીઓની નોકરીઓમાં જયપુર સહુથી આગળ રહ્યું છે. પૂર્વી કાંઠે ભુવનેશ્વરનું પ્રદર્શન સારું રહ્યું અને ત્યાં નોકરીઓ આગલા વર્ષની સરખામણીએ 21 ટકા વધી છે. Naukri.com ના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી પવન ગોયલે જણાવ્યુ છે કે, “તહેવારોની સિઝનને કારણે મોટેભાગે નવેમ્બર માસમાં નોકરીએ રાખવાની કામગીરી ધીમી રહેતી હોય છે અને 2 ટકાનો વધારો તેનો પૂરાવો છે. જો કે, ઓક્ટોબર અને નવેમ્બર માસનો ડેટા સાથે ધ્યાને લઈએ તો તે સંતોષજનક દેખાવ કહેવાય. બહુધા આઈ.ટી. સિવાયના ક્ષેત્રોમાં નવોદિતોની નિયુક્તિઓ યુવા-કૌશલ માટે એક સારું પાસું કહી શકાય.”

Business, Uncategorized

રોકાણકારો માટે મોબાઈલ અને ઈમેલ એલર્ટની માર્ગદર્શિકામાં સેબીએ કર્યો સુધારો

સ્ટોક બ્રોકર્સના કામકાજમાં સરળતા લાવવા સેબીએ મંગળવારે બ્રોકર્સ દ્વારા ગ્રાહકને મોકલવામાં આવતાં એલર્ટ માટે આપવાના થતાં મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ માટેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. તાત્કાલિક અસરથી અમલમાં આવતાં નિયમો કામકાજમાં સરળતા અને નિયમનકારી આપૂર્તિ વચ્ચે સમતોલન સાધશે. અમુક શરતોને આધીન, હવે બ્રોકર એકથી વધુ ખાતાઓમાં એક જ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી આપી શકશે. પતિ કે પત્ની, નિર્ભર સંતાનો, માતપિતા જેવા કુટુંબના સભ્યો અથવા હિન્દુ અવિભક્ત કુટુંબ, કોર્પોરેટસ, ટ્રસ્ટ, પાર્ટનરશીપ વિગેરે માટે આ આપવાદો લાગુ પડશે. બીનવ્યક્તિઓના કિસ્સામાં એકથી વધુ ખાતાંઓ માટે એક જ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી ત્યારે જ અપલોડ કરી શકાશે જ્યારે ગ્રાહક ઓથોરાઇઝ પર્સન હોય. ઉદાહરણ તરીકે, હિન્દુ અવિભક્ત કુટુંબના કર્તા, ભાગીદારી પેઢીના ભાગીદાર, ટ્રસ્ટ કે લાભાર્થીના કિસ્સામાં ટ્રસ્ટી અને કોર્પોરેટના કિસ્સામાં કોર્પોરેટ દ્વારા નિમાયેલ અધિકૃત વ્યક્તિ. બ્રોકર્સ ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડસ ફોરમ સહિત ઘણાં હિતધારકોની રજૂઆત બાદ આ સુધારો કરવામાં આવ્યો છે, જેનાથી વર્ષ 2011 અને છેલ્લે ઓગસ્ટ 2024 માં સેબીએ બહાર પાડેલ પરિપત્ર હેઠળની માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો છે. હાલના પરિપત્રમાં તે સ્પષ્ટતા કરવામાં આવી છે કે એકથી વધુ ખાતાંમાં એક જ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી આપવું હોય તો જરૂરી મંજૂરીઓ, સહમતીઓ કે ઠરાવોના પૂરાવા આપવાના રહેશે. નિયામક સંસ્થાએ સ્ટોક એક્સચેંજીસને આ સુધારાઓ મુજબ પોતાના નિયમો, પેટા-નિયમોમાં સુધારા કરી, પોતાના સભ્યોને તેની જાણ કરવા જણાવ્યુ છે.

Uncategorized

અનિયમિતતાઓને કારણે RBIએ ઝેવરોન ફાયનાન્સની નોંધણી રદ કરી, સ્થાનિક ભાષામાં ધિરાણ-કરાર ન હોવો પણ કારણભૂત

ધિરાણમાં ગેરરીતિઓ બદલ રિઝર્વ બેંકે નાગપુર સ્થિત ઝેવરોન ફાયનાન્સની નોંધણી રદ કરી છે. પોતાના નિવેદનમાં રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, ઝેવરોન ફાયનાન્સે નાણાં-સંસ્થાએ કરવાના થતાં કાર્યો જેવાં કે કે.વાય.સી. વેરીફીકેશન, વ્યાજદર નક્કી કરવા, ધિરાણપાત્રતા ચકાસવી, ધિરાણની ચૂકવણી જેવાં મોટાભાગના કાર્યો આઉટસોર્સ કર્યા હતા અને કંપની ડિજીટલ ધિરાણમાં કાર્યરત હતી. વધુમાં, નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ધિરાણ સેવા આપનારે રાખવાની થતી તકેદારીઓ જેવી કે કોમ્પલાયન્સ, આંતરિક અંકુશ, પોતાની ક્ષમતાની મુલવણી, અસલી લાભાર્થીની ઓળખ તેમની રાષ્ટ્રીયતા જેવી મૂળભૂત બાબતો પ્રત્યે પગલાં લેવામાં કંપની નિષ્ફળ રહી છે. રિઝર્વ બેંકે જણાવ્યું છે કે કંપનીએ પોતાના ગ્રાહકોને તેમની ભાષામાં ધિરાણ-કરાર પૂરો નહિ પાડી ફેર પ્રેક્ટિસીસ કોડનો ભંગ કર્યો છે. બીનેનાન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મિક્રોકાર્ડ ઇન્ડિયા ટેકનોલોજી કન્સલ્ટિંગ સર્વિસ, ટ્રુથીઘ ફીનટેક, જેસી ફ્લેશ ટેકનોલોજી (ફ્લેશ કેશ), કેશબુલ ફાયનાન્શયલ ટેકનોલોજી, ઓનિયન ક્રેડિટ (કેશ મામા), ક્રેઝી રુપી અને ઝીનકેશ આ કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી કે સંચાલિત અન્ય સેવાઓ/ મોબાઇલ એપ છે. નોંધણી રદ થયા બાદ ઝેવરોન ફાયનાન્સ બીનબેંકિંગ નાણાં સંસ્થા (NBFC) તરીકે વ્યવહાર નહિ કરી શકે.

Uncategorized

સિગરેટ સહિત તમાકુ-ઉત્પાદનો અને પીણાં પર હવે ૩૫% GST, કંપેન્શેશન સેસ પર લેવાશે નિર્ણય છ મહિના પછી

સીન ગુડસ કહેવાતાં બેવરેજીસ, સિગારેટ અને તમાકુ-ઉત્પાદનો પર વસ્તુ સેવા કર હાલના ૨૮ ટકાથી વધીને ૩૫ ટકા થવા જઇ રહ્યો છે. બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતાવાળા મંત્રીજૂથે વસ્તુ-સેવા કરને વધુ તાર્કિક બનાવવા સોમવારે આ નિર્ણય લીધો છે. સાથે જ રૂ.૧૫૦૦ સુધીના રેડીમેડ ગાર્મેન્ટ પર ૫ ટકા, રૂ.૧૫૦૦ થી રૂ.૧૦,૦૦૦ સુધીના ગાર્મેન્ટ પર ૧૮ ટકા અને રૂ.૧૦,૦૦૦ થી વધુના રેડીમેડ ગાર્મેન્ટ પર ૨૮ ટકાના દરે કર લાદવાનો નિર્ણય લેવાયો છે. સરવાળે, કુલ ૧૪૮ આઇટમ્સ પર જી.એસ.ટી. કાઉન્સિલે કરદરમાં બદલાવના નિર્ણય લીધા છે અને તેને પગલે સરકારની કર-આવકમાં વૃદ્ધિ થશે. ૨૧ ડિસેમ્બરે કેન્દ્રિય નાણાંમંત્રી સુશ્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં જી.એસ.ટી. કાઉન્સિલની બેઠક યોજાશે, જેમાં આ અંગે આખરી નિર્ણય લેવાશે. અધિકારીઓ જણાવ્યું છે કે, હાલનો વસ્તુ-સેવા કરનો ચાર અલગ-અલગ દરનો કર, એટલે કે ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકા, યથાવત રહેશે અને સીનગુડ્સ (હાનિકારક પદાર્થો) પર નવો ૩૫ ટકાનો દર લાગૂ પડશે. હાલમાં કાર, વોશિંગમશીન જેવી લક્ઝરી આઇટમ્સ અને ઠંડાપીણાં, તમાકુ ઉત્પાદનો જેવાં હાનિકારક પદાર્થો પર ૨૮ ટકા જી.એસ.ટી. ઉપરાંત ઉપકર પણ લાગે છે. આ ઉપરાંત મંત્રીજૂથે રૂ.૨૫,૦૦૦ થી વધુને કાંડા ઘડિયાળો પર અને રૂ.૧૫,૦૦૦ થી વધુના પગરખાં પર કરદર ૧૮ ટકાથી વધારી ૨૮ ટકા કરવાની ભલામણ કરી છે. તેની સામે રૂ.૧૦,૦૦૦ થી ઓછી કિંમતની સાયકલ પર અને નોટબુક્સ પર કરદર ૧૨ ટકાથી ઘટાડી ૫ ટકા કરવાની ભલામણ કરી છે. રાજ્યકક્ષાના નાણાંમંત્રી પંકજ ચૌધરીની અધ્યક્ષતાવાળા મંત્રીજૂથે જી.એસ.ટી. કંપેન્શેશન સેસ (વળતર ઉપકર) પર નિર્ણય લેવા માટે છ મહિનાનું એક્સટેન્શન માંગ્યું છે. લક્ઝરી આઇટમો અને સીનગુડ્સ પર ૨૮ ટકા ઉપરાંત લાગતો સેસ જ્યારે વેચાણવેરા અને મૂલ્યવર્ધિત કર નાબૂદ કરીને વસ્તુ-સેવા કર લાગૂ કરવામાં આવ્યો હતો ત્યારે શરૂ કરવામાં આવ્યો હતો. આ ઉપકરનો ઉપયોગ જી.એસ.ટી. લાગૂ થતાં રાજ્યોને થતી નુકશાની બદલ વળતર આપવામાં કરવાનો હતો. જી.એસ.ટી. લાગૂ થયો ત્યારે પાંચ વર્ષ માટે આ ઉપકર લાદવામાં આવ્યો હતો, પરંતુ જી.એસ.ટી. કાઉન્સિલે ૨૦૨૨ માં તેને વધુ ચાર વર્ષ એટલે કે માર્ચ ૨૦૨૬ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. મંત્રીજૂથે જણાવ્યું છે કે તેમને વળતર ઉપકર મામલે તેમાં સમાયેલ વિવિધ કાનૂની પાસાંઓનો અભ્યાસ કરવાનો છે, જેથી સમય લાગે તેમ છે. ૨૦૨૨ માં જ્યારે આ ઉપકરને વધુ ચાર વર્ષ માટે લંબાવવામાં આવ્યો ત્યારે રાજ્યોને તેમને થયેલ નુકશાનીની ભરપાઇ માટે લોનરૂપે રૂ.૨.૬૯ લાખ કરોડનું ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. ઓગસ્ટ મહિનામાં થયેલ જી.એસ.ટી. કાઉન્સિલની બેઠકમાં રાજ્યોએ ડિસેમ્બર ૨૦૧૬ ની જી.એસ.ટી. કાઉન્સિલમાં લેવાયેલ નિર્ણયનો હવાલો આપ્યો હતો, જેમાં તત્કાલીન નાણાંમંત્રી શ્રી અરૂણ જેટલીએ પાંચ વર્ષ પછી ઉપકરને મુખ્ય કરમાં જોડી દેવાનું વચન આપ્યું હતું. શ્રી જેટલીએ ગ્રાહકો પર વધુ બોજ ન પડે તે હેતુથી પાંચ વર્ષ પછી ઉપકરને મુખ્યકર સાથે મિલાવી દેવાનું જણાવ્યું હતું.

Uncategorized

મોબાઇલ માલવેર હુમલામાં ભારત સૌથી વધુ પ્રભાવિત

મોબાઇલ માલવેર હુમલામાં ભારત યુ.એસ. અને કેનેડાથી પણ વધુ પ્રભાવિત થયાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ગયા વર્ષે ભારત આ બંને દેશો બાદ ત્રીજા ક્રમે હતું. ‘ધી સ્કેલર થ્રેટલેબ ૨૦૨૪ મોબાઇલ, આઇ.ઓ.ટી. એન્ડ ઓ.ટી. થ્રેટ રિપોર્ટ’ ના શીર્ષક હેઠળ પ્રકાશિત અહેવાલમાં જૂન ૨૦૨૩ થી મે ૨૦૨૪ દરમ્યાન થયેલ ૨૦ કરોડથી વધુ શંકાસ્પદ મોબાઇલ ટ્રાન્ઝેક્શન્સ અને સાયબર થ્રેટ સાથે સંકળાયેલ વ્યવહારોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વિશ્વભરના તમામ માલવેર હુમલાઓમાંથી ૨૮ ટકા ભારતને ટાર્ગેટ કરનાર રહ્યા છે. જ્યારે ૨૭.૩ ટકા યુ.એસ. અને ૧૫.૯ ટકા કેનેડાને ટાર્ગેટ કરનાર રહ્યા. જ્યારે ભારત ‘ડિજીટલ ટ્રાન્સફોર્મેશન’ હેઠળ છે, ત્યારે આ હુમલાઓનું ચિંતાજનક પ્રમાણ ઉદ્યોગ જગતને વધુ સાવચેતીની જરૂર હોવાનું દર્શાવે છે. અડધા જેટલાં માલવેર હુમલામાં મોબાઇલ ફોન પર છેતરપીંડિવાળા સોફ્ટવેર ડાઉનલોડ કરાવાયા હોવાનું જોવા મળ્યું છે, જે નાણાંક્ષેત્ર સાથે સંકળાયેલ સંસ્થાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નબળાઇઓ છતી કરે છે. અહેવાલ મુજબ બેંકિંગ માલવેરમાં ૨૯ ટકાનો, જ્યારે સ્પાયવેરમાં ૧૧૧ ટકાનો વધારો થયો છે. મોટાભાગના માલવેર મલ્ટીફેક્ટર ઓથેન્ટીકેશન (MFA)ને પાર કરી શકવા સક્ષમ જણાયા હતા. નાણાં સંસ્થાઓના બનાવટી લોગિન પેજ, બનાવટી સોશયલ મિડીયા પેજ અને ક્રિપ્ટો વોલેટ થકી સૌથી વધુ છેતરપીંડિઓ આચરવામાં આવી હોવાનું જણાયું છે. થ્રેટ લેબ્સના અભ્યાસમાં જણાયું છે કે એચ.ડી.એફ.સી., આઇ.સી.આઇ.સી.આઇ., એક્સિસ બેંક જેવી બેંકના ભારતીય મોબાઇલ બેંકિંગ ગ્રાહકોને બનાવટી લોગીન પેજ, બનાવટી ફોન બેંકિંગ સર્વિસીસ થી તેમની વિગતો જાણી લઇ, છેતરવામાં આવ્યા હતા. અગાઉ એન્ડ્રોઇડમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડની એપ્લીકેશન અપડેટ કરવાના માલવેર થકી સૌથી વધુ છેતરપીંડિઓ આચરવામાં આવતી હતી, જેમાં ગુમ થયેલ પાર્સલ કે અધુરાં સરનામાંના નામે ગ્રાહક પાસે ઉતાવળ કરાવડાવી તેનાં ક્રેડિટ-ડેબિટ કાર્ડની વિગતો મેળવવામાં આવતી હતી. એ નોંધનીય છે કે, તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે જનજાગૃતિનું નવું અભિયાન શરૂ કર્યું છે, જેમાં લોકોને આવી છેતરપીંડિઓથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય ડાક સેવા પણ આ હુમલાઓનો શિકાર બની હતી. મોબાઇલ યુઝર્સને બનાવટી વેબસાઇટ પર લાવી, તેમની પાસે થી તેમનાં પોસ્ટ-ઓફીસ ખાતાંની વિગતો તેમજ ઓ.ટી.પી. મેળવી લેવામાં આવતા. સ્કેલર ઇન્ડિયાના સી.આઇ.એસ.ઓ. સુવાબ્રતા સિન્હાના જણાવ્યા મુજબ ભારતીય ઉદ્યોગોએ ઝીરો-ટ્રસ્ટ સિક્યુરીટી ફ્રેમવર્ક અપનાવવાની જરૂર છે, જેથી વાણિજ્યિક સાતત્ય જળવાઇ રહે. આ અહેવાલમાં જણાયું છે કે ગૂગલ પ્લે સ્ટોર પર પણ ૨૦૦ થી વધુ સંદિગ્ધ એપ્લીકેશન્સ હતી અને વૈશ્વિક સ્તરે માલવેરથી આચરવામાં આવતી છેતરપીંડિઓમાં વાર્ષિક ૪૫ ટકા વૃદ્ધિ થઇ રહી છે. આ અહેવાલમાં એક સારી બાબત એ જણાઇ છે કે, ભારતમાંથી ઉદભવતાં સાયબર માલવેરમાં ઘટાડો જોવા મળ્યો છે અને આ મામલે ભારત પાંચમા ક્રમેથી નીચે ઉતરી સાતમે ક્રમે આવ્યું છે.

Uncategorized

ખનીજતેલ અને ઇંધણ નિકાસો પર સરકારે નાબૂદ કર્યો આકસ્મિક નફા વેરો

નવી દીલ્હી, ડિસેમ્બર ૨ (PTI): આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોમાં ઘટાડાને પગલે ભારત સરકારે ઘરઆંગણે ઉત્પાદિત ખનીજતેલ અને એવિએશન ટર્બાઇન ફ્યુલ (જેટ ફ્યુલ), પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર ત્રીસ મહિના પહેલાં લાદેલ આકસ્મિક નફા વેરો (વિન્ડફોલ ટેક્સ) નાબૂદ કર્યો છે. રાજ્ય નાણાંમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જાહેર સાહસ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓ.એન.જી.સી.) અને ખાનગી કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવાં સાહસો દ્વારા ઉત્પાદિત ખનીજતેલ પર ત્રીસ મહિના પહેલાં લાદવામાં આવેલ વેરો નાબૂદ કરતી અધિસૂચના રજૂ કરી છે. આજના સ્ટોક ટુડેના અંકમાં પાના નં. ૧૪ પર ક્રૂડ ઓઇલના ઘટતાં ભાવો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સતત નીચા મથાળાં બનાવી રહ્યું હોવાનું જણાવ્યું છે. તેવામાં આજે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવો ઘટવાને કારણે આ કોમોડિટીમાં થતાં આકસ્મિક નફા પર લાદેલ વિન્ડફોલ ટેક્સ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુલ પર વિશેષ અતિરિક્ત ઉત્પાદન શૂલ્ક લાદતી જૂન ૩૦, ૨૦૨૨ ના રોજની અધિસૂચનાને આજની અધિસૂચનાથી પરત લઇ લેવામાં આવી છે. જ્યારે ઉક્ત અધિસૂચના પહેલીવાર અમલી બની હતી ત્યારે પેટ્રોલ અને એવિએશન ટર્બાઇન ફ્યુલ પર રૂ.૬ પ્રતિ લીટર (પ્રતિ બેરલ ૧૨ ડોલર) અને ડીઝલ પર રૂ.૧૩ પ્રતિ લીટર (પ્રતિબેરલ ૨૬ ડોલર)નું આયાત શુલ્ક લાદવામાં આવ્યું હતું. તેની ઉપરાંત ઘરઆંગણે ઉત્પાદિત ખનીજતેલ પર ટન દીઠ રૂ.૨૩,૨૫૦ (૪૦ ડોલર પ્રતિ બેરલ)નો આકસ્મિક નફા વેરો લાદવામાં આવ્યો હતો. કરવેરાના દરની પાછલાં બે પખવાડિયાની સરેરાશ ધ્યાને રાખી સમીક્ષા કરવામાં આવતી હતી, જેમાં સહુ પ્રથમ થયેલ સમીક્ષામાં જ, જુલાઇ ૨૦૨૨ માં, પેટ્રોલ પરનો આકસ્મિક વેરો ઘટાડીને શૂન્ય કર્યો હતો. જ્યારે ડીઝલ અને જેટ ફ્યુલ પર આ વેરો એપ્રિલ ૨૦૨૩ માં ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યા બાદ ઓગસ્ટ ૨૦૨૩ માં ફરી લાદવામાં આવ્યો હતો. ચાલૂ વર્ષે માર્ચ મહિના પછી જેટ ફ્યુલ અને ડીઝલ પર આ વેરો લાદવામાં આવ્યો નથી. ખનીજતેલના ભાવોની વધઘટ મુજબ આ વેરો લાદવામાં આવે છે. ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ પેટ્રોલ પર રૂ.૧૮૫૦ પ્રતિ ટન વેરો હતો, જે ત્યારબાદની પખવાડિક સમીક્ષામાં ઘટાડીને શૂન્ય કરવામાં આવેલ. ગુજરાત સ્થિત માત્ર-નિકાસલક્ષી ખનીજતેલ પેદાશોનું ઉત્પાદન કરતી રિલાયન્સ અને રોસનેફ્ટની નાયરા એનર્જીને આ નિર્ણયનો સહુથી વધુ લાભ થવાનું નિષ્ણાંતોનું માનવું છે. પરંતુ, સરકારે ઘરઆંગણે ઉત્પાદિત ખનીજતેલ પર વેરો નાબૂદ કર્યો હોઇ, ઓ.એન.જી.સી. અને ઓઇલ ઇન્ડિયાને તેનો વધુ લાભ થવાની શક્યતા છે. ખનીજતેલ પેદાશો પર ૭૫ ડોલર પ્રતિ બેરલની ઉપર જે કાંઇ ઉપજ થતી તેનાં પર આકસ્મિક નફા વેરો વસૂલવામાં આવતો હતો. ભારત જે ક્રૂડ બાસ્કેટની આયાત કરે છે તેની કિંમતો નવેમ્બરમાં ૭૫.૧૨ ડોલરથી ઘટીને ૭૩.૬૯ ડોલર પ્રતિ બેરલ થઇ છે. એપ્રિલ મહિનામાં આ કિંમત ૯૦ ડોલર પ્રતિ બેરલ હતી.

Uncategorized

U.K. Natural Gas વાયદામાં વિકલી ચાર્ટ પર બન્યા બે સળંગ રાઉંડિંગ બોટમ

અચ્છા અચ્છા ટ્રેડર્સ નેચરલ ગેસમાં થાપ ખાઈ ચૂક્યા છે. જેમને કોમોડિટીમાં દસેક વર્ષનો અનુભવ છે, તે ટ્રેડર્સને ખબર છે કે નેચરલ ગેસ મોટેભાગે નવેમ્બર માહિનામાં તેજીની ચાલ પકડે છે. અને તેણે એવું કર્યું પણ છે. નેચરલ ગેસ નવેમ્બર વાયદામાં રૂ.215થી રૂ.292 સુધીની મોટી ચાલ જોવાઈ હતી. ત્યારે ડિસેમ્બર વાયદો વીસ રૂપિયાના પ્રીમિયમ પર ચાલતો હતો. હાલ 26 ડિસેમ્બર એક્સપાયરીવાળો વાયદો 283.20 બંધ રહ્યો છે. નવા ટ્રેડર્સે હાલ મીની વાયદો કે જેનું સિમ્બોલ NATGASMINIઅને લોટ-સાઇઝ 250 છે, તેને ધ્યાને લેવો યોગ્ય રહે. તેની એક્સપાયરી પણ 26 ડિસેમ્બર છે અને ભાવ 283.20 જ બંધ રહ્યો છે. નેચરલ ગેસ યુ.કે. ના વિકલી ચાર્ટ પર સળંગ બે રાઉંડિંગ બોટમ જોવા મળ્યા છે. ગયા અઠવાડિયે તે ભારે ઓવર-બોટ પોઝિશનમાં હતો અને તેનાં પગલે જ વિતેલા અઠવાડીયા દરમ્યાન ભાવો ઘટ્યા છે. નવા ટ્રેડર્સે ખાસ ધ્યાન રાખવું કે આ વાયદામાં શિયાળા દરમ્યાન પાંચ સાત ટકાની વધઘટ બિલકુલ સામાન્ય છે. યુ.કે. નેચરલ ગેસ હાલ 3.3619 બંધ છે. એકદમ ફૂંફડાબંધ તેજી માટે તૈયાર થઈને બેઠું છે. હા, પણ ગમે તેવી તેજી દેખાતી હોય તો પણ સ્ટોપલોસ વિના કોમોડિટીમાં વેપાર ના કરાય. યુ.કે. નેચરલ ગેસમાં ગયા અઠવાડિયાનો લો 3.1190 ડોલર સ્ટોપલોસ તરીકે ધ્યાને લેવાનો થાય. આ સ્ટોપલોસ ચાલુ ભાવથી સાડા સાત ટકા નીચે છે. એનો અર્થ એ થયો કે, એમ.સી.એક્સ વાયદામાં વીસ રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો થાય. આમ, એક મિનિ વાયદામાં રૂ.5000 ના જોખમથી વેપાર ગોઠવવાનો બને. સામે, ટાર્ગેટ જોઈએ તો યુ.કે. વાયદામાં બે માહિનામાં સાત ડોલર સુધીની ફૂંફડાબંધ તેજી જણાય છે. એટલે એમ.સી.એક્સ વાયદામાં રૂ. 500 – 520 સુધીના ભાવોની આશા રાખી શકાય. બીજું કે હાલ જાન્યુઆરી વાયદો ડિસેમ્બર કરતાં ડિસ્કાઊંટમાં ચાલી રહ્યો છે. એટલે મહિના દરમ્યાન જ્યાં પણ લિક્વિડિટી સારી જણાય અને ડિસ્કાઊંટ પણ મળી રહ્યું હોય ત્યાં રોલઓવર કરી લેવાય. આ તમામ વેપાર ગોઠવવા માટે ટ્રેડરે સ્ટોપલોસ જરૂર જરૂર ધ્યાને લેવો. આ ઇક્વિટી નથી કે જ્યાં પોઝિશન ફસાય તો રોલઓવર કરીને નીકળી જવાનો મોકો મળે. એન.જી. વાયદામાં રોલઓવર કોસ્ટ મોટેભાગે પંદર-વીસ રૂપિયા રહેતી હોય છે. એક વર્ષ રોલઓવર કરો એટલે આખા ભાવ જેટલી તો કિમત ચૂકવી બેઠાં હોવ!

Uncategorized

શેરબજારમાં તેજી : અદાણી ગ્રુપમાં જોરદાર ઉછાળો

મુંબઇ શેરબજારમાં આજે તેજીનો ચકારો હતો. અદાણી ગ્રુપના શેરોમાં મોટા પાયે વેચાણ કાપણી વચ્ચે પથી ર0 ટકા સુધીનો ઉછાળો નોંધાતા સમગ્ર માર્કેટનું સેન્ટીમેન્ટ પોઝીટીવ બની ગયું હતું. આજે લીસ્ટેડ થયેલ એનટીપીસી ગ્રીનમાં પણ તેજીની સર્કિટ હતી. શેરબજારમાં આજે શરૂઆત ફલેટ હતી. બેતરફી વધઘટ હતી. અને થોડા વખતમાં તેજીનો વળાંક આવી ગયો હતો. અમેરિકામાં છેતરપીંડી-લાંચ કેસમાં નામ ઉછળ્યા બાદ અદાણી ગ્રીન દ્વારા એવી ચોખવટ કરવામાં આવી હતી કે લાંચનો કોઇ કેસ નથી આ સ્પષ્ટતા બાદ અદાણી ગ્રુપના શેરોમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. નવી લેવાલીની સામે વેચાણ કાપણીથી ગ્રુપના તમામ 10 કંપનીના શેરો ઉછળવા લાગ્યા હતા. અદાણી ટોટલ ગેસમાં 20 ટકાની સર્કિટ હતી. આ સિવાય ઈઝરાયેલ-હિઝબુલ્લા વચ્ચે યુધ્ધ વિરામ જાહેર થતા બે દિવસથી વિદેશી નાણા સંસ્થાઓની લેવાલી કારણોની અસર હતી. શેરબજારમાં આજે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, અદાણી પાવર, અદાણી ગ્રીન, અદાણી એનર્જી સહિત તમામ શેર ઉંચકાયા હતા.ભારત ઇલેકટ્રોનિકસ, એચડીએફસી બેંક, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, મહિન્દ્ર, મારૂતી, એનટીપીસી, બજાજ ફાઇનાન્સમાં ઉછાળો હતો. એનટીપીસી ગ્રીનનું લીસ્ટીંગ હતું. 108ના ઓફર ભાવ સામે 111.50 ખુલ્યા બાદ 122.65માં સર્કિટ લાગી હતી. મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્ષ 260 પોઇન્ટ ઉંચકાઇને 80255 હતો તે ઉંચામાં 80511 તથા નીચામાં 79844 હતો. નેશમનલ સ્ટોક એકસચેંજનો નિફટી 84 પોઇન્ટ વધીને 24278 હતો. તે ઉંચામાં 24354 તથા નીચામાં 24145 હતો.

Uncategorized

USA બોર્ડર પર એક જ વર્ષમાં 90 હજાર ભારતીયો ઝડપાયા, 50% ગુજરાતી

ડિંગુચા ગામના જગદિશ પટેલ અને તેમના પરિવારના થીજી ગયેલા મૃતદેહને આજે બે વર્ષ બાદ કેનેડિયન અને અમેરિકન સરકારે બંને તરફથી બે શખ્સો પર આ ગેરકાયદેસર ઘૂસણખોરી માટે કેસ ચલાવ્યો છે જે નવેમ્બરની 18મી તારીખથી થશે. જાન્યુઆરી 2022ના ગાળામાં જગદીશ પટેલના પરિવાર સહિત કુલ 11 જણાએ કેનેડાની બોર્ડર ક્રોસ કરીને ઘૂસવનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જગદિશ પટેલનો પરિવાર છૂટો પડી ગયો હતો અને પૂરતા ગરમ કપડાના અભાવે તીવ્ર માઈનસ 30 ડિગ્રીમાં થીજાઈ ગયો હતો. અમેરિકન ખૂફીયા એજન્સી દ્વારા ઘૂસણખોરી કરાવનારી અનેક કડીઓને શોધવામાં સફળતા મેળવી છે. આ સમગ્ર ગેરકાયદેસર પ્રક્રિયામાં સાથ આપનાર કેનેડા તરફના હર્ષ પટેલ અને અમેરિકા તરફથી ઘૂસાડનારા  સ્ટિવ શેન્ડ પર કાર્યવાહી શરુ કરવામાં આવી છે. અમેરિકન અને કેનેડિયન સરકારે આ બંને શખ્સોને સોફિસ્ટિકેટેડ હ્યુમન સ્મગલિંગ અંતર્ગત કેસ ચાલી રહ્યો છે. આ કામ કરવાના ઉપરોક્ત આરોપીઓએ 90,000  અમેરિકન ડોલર લેવાનું નક્કી કર્યું હતું.    આ કેસ સાથે કેનેડા અને અમેરિકાની સરકારે સંયુક્ત રીતે 2024માં 90,415 ભારતીયોને કેનેડા અને મેક્સિકોની સરહદથી પકડવામાં સફળતા મેળવી છે જ્યારે એકલા કેનેડાની બોર્ડર પરથી 43764 બોર્ડર ક્રોસ કરતા ભારતીયોને પકડયા છે જેમાંના અડધાથી વધારે ગુજરાતી છે.  જો કે 2023 કરતાં 2024માં કેનેડાથી અમેરિકા ઘૂસણખોરીનો આંક થોડો ઘટયો છે. અમદાવાદમાં મહેસાણા જિલ્લાના કેટલાંક ગામોમાં ‘બે નંબર’ કહેવાતા ગેરકાયદેસર ઘૂસણખોરીના કિસ્સામાં સૌથી વધુ 23 હજારથી વધુ ગુજરાતીઓ કેનેડાની બોર્ડરથી પકડાયા છે. અમેરિકામાં ટ્રમ્પ સરકાર આવવાની સાથે ઇમિગ્રેન્ટસના નિયમો વધુ કડક થવાની આગાહી છે સાથે સાથે કેનેડાની સરકારે પણ છેલ્લા બે મહિનામાં વિઝા નીતિ વધુને વધુ કડક બનાવતા હવે ભારતીયો માટે કેનેડા અને મેક્સિકો બોર્ડરથી ગેરકાયદેસર રીતે પ્રવેશવું દુષ્કર થઈ ગયું છે. બીજી બાજુ સામાજિક સ્તરે પણ ડિંગુચા અને તેની આસપાસના ગામોમાં આ પ્રકારની ગેરકાયદેસર ઘૂસણખોરી ના કરવાની વાતો પણ ચર્ચાએ છે. છતાં પણ વર્ષોથી અમેરિકા સ્થિત થયેલા સગા વ્હાલાઓની સાથે સેટ થવાના મોહના કારણે હજુ પણ કેટલાંક પરિવારો આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભોગ બની રહ્યા છે.

Scroll to Top