નવા રોકાણકારોમા અમદાવાદ-સુરત સહિત ગુજરાતના ચાર જીલ્લા દેશમાં ટોપ પર
ગુજરાતીમાં સાહસિક છે અને તેથીજ શેરબજારમાં તેઓ પાયોનીયર- રોકાણકાર પણ ગણવામાં આવે છે. જો કે હાલનો સમય રોકાણની દ્રષ્ટિએ નેગેટીવ રહ્યો. ખાસ કરીને આઈપીઓમાં હુંડાઈથી સ્વીગીના આઈપીઓએ લીસ્ટીંગ ગેઈનથી કમાણી કરનારને માટે ધબડકા જેવા બની રહ્યા છતા પણ સપ્ટેમ્બર માસમાં નવા રોકાણકારોની નોંધણીની દ્રષ્ટીએ ગુજરાત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે અને દેશમાં એક માત્ર રાજય એવું બન્યું છે જેના એક-બે નહી પુરા ચાર જીલ્લા નવા રોકાણકારની નોંધણીની દ્રષ્ટીએ ટોપ પર રહ્યા છે. રાજયમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને પ્રથમ વખત ભાવનગર એ નવા રોકાણકારની દ્રષ્ટીએ પુના અને બેંગ્લોર જેવા મેગા સીટીને પણ પાછળ રાખી દીધો છે. ભાવનગર હવે આ રીતે ગુજરાતમાં શેરબજાર રોકાણમાં આગળ વધી રહ્યું છે. ઓગષ્ટની સરખામણીએ સપ્ટેમ્બર માસમાં ભાવનગરમાં 283% વધારા સાથે 30000 નવા રોકાણકાર નોંધાયા હતા અને તેણે પુના-બેંગ્લોરને પણ પાછળ રાખી દીધા છે. અમદાવાદમાં 52000 નવા રોકાણકારોએ શેરબજારમાં એન્ટ્રી કરી છે અને સુરતમાં પણ 130%ના વધારા સાથે 51000 નવા રોકાણકાર નોંધાયા છે. રાજકોટમાં 26000 નવા રોકાણકાર નોંધાયા, જે 193%નો માસીક વધારો છે. દેશમાં કોઈ એક રાજયમાં ચાર-ચાર જીલ્લામાં નવા રોકાણકારોની સંખ્યા આ હદે વધી હોય તેમાં ગુજરાત એક માત્ર છે. રાષ્ટ્રીય દ્રષ્ટિએ દિલ્હીમાં 1.30 લાખ નવા રોકાણકાર નોંધાયા છે. બીજા ક્રમે મુંબઈ 87000 ફ્રેશ ઈન્વેસ્ટર શેરબજારમાં દાખલ થયા છે. આમ શેરબજાર રોકાણમાં ગુજરાતમાં જે ઈન્વેસ્ટર કલ્ચર છે તે સતત વધી રહ્યું છે. શેરબજારમાં ફયુચર-ઓપ્શન ટ્રેડીંગમાં પણ ગુજરાતીઓનો ફાળો મોટો છે. એક સમયે રીયલ એસ્ટેટ અને સોનામાં રોકાણ કરી સલામતી શોધતા હતા પણ હવે લોકો પાસે આવક વધી છે તો તેઓ પક્ષની મૂડીને શેરબજારમાં આપી રહ્યા છે.