નવી દિલ્હી – ASK પ્રોપર્ટી ફંડ અને ઇન્ડિયા સોથબીઝ ઇન્ટરનેશનલ રિયલ્ટીએ મંગળવારે વૈભવી રહેણાંક પરિયોજનાઓમાં રોકાણ કરવા માટે રૂ.1000 કરોડનું ઇક્વિટી ફંડ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
એક સંયુક્ત નિવેદનમાં, એ.એસ.કે. પ્રોપર્ટી ફંડ અને ઇન્ડિયા સોથબીસ ઇન્ટરનેશનલ રિયલ્ટીએ જણાવ્યું હતું કે તેઓએ “ભારતના પ્રથમ વૈભવી રિયલ એસ્ટેટ રોકાણ પ્લેટફોર્મ ASK ક્યુરેટેડ લક્ઝરી એસેટ્સ ફંડ” શરૂ કરવા માટે વ્યૂહાત્મક સહયોગ કર્યો છે.
એ.એસ.કે. પ્રોપર્ટી ફંડ એ બ્લેકસ્ટોન સમર્થિત એ.એસ.કે. એસેટ એન્ડ વેલ્થ મેનેજમેન્ટ ગ્રૂપની રિયલ એસ્ટેટ પ્રાયવેટ ઇક્વિટી બ્રાંચ છે.
એ.એસ.કે. ક્યુરેટેડ લક્ઝરી એસેટ્સ ફંડ ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (સેબી)માં સેબી (અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ) નિયમો, 2012 (એ.આઈ.એફ. નિયમો) હેઠળ શ્રેણી-૨ અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે નોંધાયેલું છે.
આ ફંડનો હેતુ ભારતમાં લક્ઝરી સેગમેન્ટમાં રહેણાંક પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાનો છે.
આ ભંડોળનો ઉદ્દેશ ધાર્મિક સ્થળો સહિત ટોચના શહેરો, હોલિડે હોમ્સ, લોકપ્રિય સેકન્ડ-હોમ, માઇક્રો-બજારોમાં ઉચ્ચ-સ્તરના રહેણાંક પ્રોજેક્ટ્સમાં રોકાણ કરીને રોકાણકારો માટે ઓછા જોખમે બહેતર વળતર પેદા કરવાનો છે. આ ભંડોળ સેબીના ફ્રેમવર્ક અનુસાર સંસ્થાકીય અને વ્યક્તિગત રોકાણકારો પાસેથી મૂડી એકત્ર કરશે.
આમાં પારિવારિક કારોબારો, ઉચ્ચ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ, વીમા કંપનીઓ, પેન્શન ફંડ્સ, બેંકો, નાણાકીય સંસ્થાઓ, રાષ્ટ્રોના સાર્વભૌમ ફંડ્સ, બહુપક્ષીય સંસ્થાઓ અને અન્ય સંસ્થાગત રોકાણકારોનો સમાવેશ થાય છે.
“અમને વિશ્વાસ છે કે ભારતની સબળ આર્થિક પાયારૂપ બાબતો અને સમૃદ્ધ લોકોની વધતી સંખ્યા દેશના વૈભવી રહેણાંક રિયલ એસ્ટેટ બજારમાં વૃદ્ધિને આગળ વધારશે. અમે ભારતની પ્રથમ વૈભવી રહેણાંક તકને લક્ષ્ય કરતું કેન્દ્રિત ભંડોળ શરૂ કરવા માટે વૈભવી રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં તેની મજબૂત બ્રાન્ડ હાજરી અને ઊંડી કુશળતાનો લાભ ઉઠાવીને ઇન્ડિયા સોથબીઝ ઇન્ટરનેશનલ રિયલ્ટી સાથે સહયોગ કરવા માટે ઉત્સુક છીએ”, તેમ ASK પ્રોપર્ટી ફંડના સહ-સ્થાપક, સી.ઇ.ઓ. અને મેનેજિંગ ડિરેક્ટર અમિત ભગતે જણાવ્યું હતું.
ઇન્ડિયા સોથબીઝ ઇન્ટરનેશનલ રિયલ્ટીના મેનેજિંગ ડિરેક્ટર અમિત ગોયલે જણાવ્યું હતું કે, “એ.એસ.કે. પ્રોપર્ટી ફંડ એક ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ અને દેશના કેટલાક ટોચનું પ્રદર્શન કરતા રિયલ એસ્ટેટ ફંડ્સના સંચાલનમાંથી મેળવેલ અનુભવો અને ગહન રોકાણની આંતરદૃષ્ટિ સાથે આવે છે. અમે આ વ્યૂહાત્મક સહયોગના અનન્ય મૂલ્ય પ્રસ્તાવ વિશે વિશ્વાસ ધરાવીએ છીએ. એ.એસ.કે. પ્રોપર્ટી ફંડ અને ઇન્ડિયા સોથબીઝ ઇન્ટરનેશનલ રિયલ્ટી, સહ-પ્રાયોજકો તરીકે, વૈભવી રિયલ એસ્ટેટ ફંડ માટે અડધું-અડધું ભંડોળ લાવશે.
એ.એસ.કે. પ્રોપર્ટી ફંડે 2009થી અત્યાર સુધીમાં આશરે રૂ.7,200 કરોડ એકત્ર કર્યા છે અને તેના રોકાણકારોમાં પારિવારિક કારોબારો, અલ્ટ્રા હાઇ નેટવર્થ વ્યક્તિઓ (યુ.એચ.એન.આઈ.), ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ (એચ.એન.આઈ.) અને સંસ્થાઓનો સમાવેશ થાય છે.