શહેરીજનોને પરિવહનની સેવા પૂરી પાડતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ( AMTS ) રોજના એક કરોડથી વધારે ખોટ કરી રહી હોવાનું સામે આવ્યું છે. AMTSના વર્ષ 2023-24ના સરવૈયાને ધ્યાને લેતા માર્ચ 2024ની સ્થિતિએ રૂ. 399 કરોડની ખોટ કરી છે. અત્યાર સુધીમાં AMTSની ખોટ રૂ. 4025 કરોડ કરતાં વધી ગઇ છે. 2023-24ના નાણાંકીય વર્ષમાં AMTSને રૂ. 541.66 કરોડનો ખર્ચ થયો હતો જેની સામે રૂ. 141.80 કરોડની આવક નોંધાઇ હતી.
આજે મળેલી AMTS કમિટીમાં એપ્રિલ 2023થી માર્ચ 2024ના વર્ષના હિસાબનું સરવૈયું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 35 કરોડની વધારે ખોટ ગઇ હોવાનું સામે આવ્યું છે. ચાલુ વર્ષે AMTSનો કુલ ખર્ચ રૂ. 541.66 કરોડ જેટલો થયો હતો. જેની સામે આવક રૂ. 141.80 કરોડ જેટલી નોંધાઇ હતી. જેને કારણે રૂ. 399.86 કરોડની ખોટ ગઇ છે. નોંધનીય છે કે, ગત 2022-23ના નાણાંકીય વર્ષમાં કુલ ખર્ચ રૂ. 487.79 કરોડનો ખર્ચ થયો હતો. જેની સામે 122.98 કરોડની આવક થઇ હતી. જેને કારણે તે વર્ષે એએમટીએસને 364.80 કરોડની ખોટ ગઇ હતી. જોકે ચાલુ નાણાંકીય વર્ષે એએમટીએસની આવકમાં રૂ. 21 કરોડ જેટલો વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ ખોટ જોઇએ તો AMTSને રૂ, 35 કરોડનો વધારે ખોટ ગઇ હોવાનું જોવા મળે છે.
ગત વર્ષ 2024-25 માટે AMTS બજેટ રૂ. 673 કરોડ મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે નાણાંકીય વર્ષના સરવૈયાને ધ્યાને લેતાં ખાસ કરીને પગાર ભથ્થામાં સાતમાં પગાર પંચને કારણે રૂ. 20.94 કરોડનો ખર્ચ ગયા વર્ષ કરતાં વધી ગયો છે. જ્યારે પેન્શનમાં પણ ગત નાણાંકીય વર્ષ કરતાં રૂ. 14.13 કરોડનો ખર્ચ વધી ગયો છે. બીજી તરફ બસોના ફ્યુઅલ ખર્ચ તથા બસોના મરમ્મત અને નિભાવના ખર્ચમાં ઘટાડો થયેલો જોવા મળી છે. કન્ટીજન્સી ખર્ચમાં 53 લાખનો વધારો થયો હોવાનું જોવા મળે છે. તો એએમટીએસના મકાનોની મરંમત અને ભાડા પેટે પણ 1.80 કરોડનો ખર્ચ થયો છે જે ગત વર્ષ કરતાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.