નવી દિલ્હી
ટ્રાઈની સૂચના પર ટેલિકોમ કંપનીઓએ વોઈસ કોલ અને એસએમએસ માટે અલગથી રિચાર્જ પ્લાન આપવાનું શરૂ કર્યું છે, પરંતુ તેનાથી રાહત મળવાને બદલે ગ્રાહકોને નુકસાન થઈ રહ્યું છે.
બુધવારે એરટેલે ઇન્ટરનેટ ડેટા વગરનાં બે પ્લાન રજૂ કર્યા. 365 દિવસની કુલ માન્યતા સાથે 1999 રૂપિયાનાં રિચાર્જ પર વોઇસ કોલ અને એસએમએસ સુવિધા આપવામાં આવે છે. જ્યારે અગાઉ કંપની આ પ્લાન સાથે 24 જીબી ડેટા પણ આપતી હતી.
બીજી તરફ મોંઘા પ્લાન આપવાનો મામલો ગંભીર બન્યાં બાદ કંપનીએ મોડી સાંજે બંને પ્લાન હટાવી દીધાં હતાં. એરટેલના પહેલાં પ્લાનમાં 509 રૂપિયામાં 84 દિવસ અને 900 એસએમએસ હતાં.
જ્યારે બીજા પ્લાનમાં 1999 રૂપિયામાં 365 દિવસ અને 3600 એસએમએસ હતાં. જો આપણે ડેટાને અલગથી જોઈએ તો, આ પ્રમાણમાં સસ્તા પ્લાન પહેલાં કરતાં લગભગ 19-12 ટકા મોંઘા છે.
મોંઘા પ્લાનનો મામલો ગંભીર બન્યાં બાદ કંપનીએ ટેકનિકલ ભૂલને કારણે તેને હટાવી દીધાં હતાં. કંપનીએ કહ્યું કે, આ એક ટેકનિકલ સમસ્યા છે અને પ્લાનને વેબસાઈટ પર અપડેટ કરવામાં આવશે. પરંતુ બુધવારે આપવામાં આવેલાં પ્લાન પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે, ગ્રાહકોને રાહત મળવાની શક્યતા ઘણી ઓછી છે.
સસ્તાં પ્લાનનો ટ્રાઈનો ઈરાદો નિષ્ફળ ગયો
જે ગ્રાહકો ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં નથી તેઓને પોસાય તેવાં દરે વોઈસ અને એસએમએસ પ્લાન મળવા જોઈએ. આ ટ્રાઈનો ઈરાદો છે. દેશમાં મોટી સંખ્યામાં એવાં વૃદ્ધો છે જેઓ પોતાનો ફોન ફક્ત ફોન કરવા માટે જ રાખે છે પરંતુ તેમને ડેટા સાથે મોંઘાં પ્લાન ખરીદવા પડે છે.
આથી ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને સસ્તાં વોઈસ અને એસએમએસ પ્લાન લાવવાનો નિર્દેશ આપ્યો હતો. એરટેલના પ્લાનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, કંપનીઓ કિંમતમાં ઘટાડો કર્યા વગર મોંઘાં પ્લાન ઓફર કરી રહી છે.