નવી દીલ્હી : (PTI ) 9 ડિસેમ્બર : ‘નૅવિગેટિંગ ટુમોરો : માસ્ટરિંગ સ્કિલ્સ ઈન એ ડાયનામિક ગ્લોબલ લેબર માર્કેટ’ના શીર્ષક હેઠળ પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય કામદારો આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી અપનાવવામાં અગ્રેસર રહી રહ્યા છે.
ટેક્નોલાજી હાલ કેવી રીતે ઝડપભેર બદલાઈ રહી છે અને તેનાથી જોબ-માર્કેટ પર કેવી અસરો થઇ રહી છે, તે વિષે ગ્લોબલ કોન્ફરન્સમાં ચિંતન કરવામાં આવ્યું હતું, જેમાં જણાયું હતું કે ગ્લોબલ સાઉથમાં ટેક્નોલોજી અપનાવવામાં ભારતીય કામદારો અગ્રેસર રહી રહ્યા છે.
ભારતનું જોબ માર્કેટ એવું ગતિશીલ છે કે તેણે આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ઓટોમેશનને પોતાના અંતરંગ ભાગ બનાવી લીધા છે અને અગ્રીમપણે તે વિકાસને બળ આપી રહ્યું છે. સોમવારે કોન્ફરન્સ દ્વારા ઈશ્યુ કરાયેલ સ્ટેટમેન્ટમાં આમ જણાવવામાં આવ્યું છે.
અહેવાલ મુજબ ભારતીય કામદારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવવામાં ‘ફ્રન્ટ રનર’ રહ્યા છે, તેઓ ઝડપભેર ટેક્નોલોજીની સમજ કેળવી, ટેક્નોલોજી અપનાવી રહ્યા છે અને તેનાં પગલે હાલ ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવવામાં ચાવીરૂપ ભૂમિકામાં આવી ગયું છે.
ગ્લોબલ લેબર માર્કેટ કોન્ફરન્સ વૈશ્વિક કામદાર બળના વિકાસ અને તેની અંતર્ગત બાબતો પર મંથન કરતી મહત્વપૂર્ણ સંસ્થા છે.
આ સંસ્થા દ્વારા પ્રકાશિત અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભારતીય કામદારો ટેક્નોલોજી શીખી પડકારોનો સામનો કરી રહ્યા છે. એક તરફ સમગ્ર વિશ્વમાં સરકારો માનવશ્રમને ટેક્નોલોજી અપનાવવામાં મદદરૂપ થઇ શકે કે કેમ તે બાબતે વીસ ટકા લોકો જ આશાવાદ વ્યક્ત કરે છે. તો બીજી તરફ ભારતમાં પાંત્રીસ ટકા કામદારો આ બાબતે હકારાત્મક વલણ ધરાવે છે અને તેમની પોતાની સરકારમાં આ મામલે આશા વધુ પ્રબળ છે. હાલના અહેવાલમાં એક નિવેદનમાં આમ જણાવવામાં આવ્યું છે.
ભારતીય કામદારોએ ભારતીય ઉદ્યોગજગતની પણ આ મામલે કટીબદ્દતામાં ભરોસો વ્યક્ત કર્યો છે અને લગભગ 49 ટકા લોકોએ હકારાત્મક પ્રતિભાવ આપ્યા છે. આમ, ભારતીય કામદારોના કૌશલ્યવર્ધનમાં ખાનગી ક્ષેત્ર પણ ચાવીરૂપ ભૂમિકા નિભાવી રહ્યું હોવાનું ઉક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. સાથે જ, આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 55 ટકા ભારતીય કામદારોનું માનવું છે કે તેમનું કૌશલ્ય પાંચ વર્ષમાં આઉટડેટેડ બની જશે અને તેથી તેમના રોજગારમાં અંશતઃ કે સંપૂર્ણ બદલાવો આવશે. જયારે ચીનમાં 60 ટકા અને બ્રાઝીલમાં 61 ટકા કામદારોનું આવું માનવું છે. જયારે યુ.કે. અને ઓસ્ટ્રેલિયામાં અનુક્રમે 44 ટકા અને 43 ટકા કામદારોનું આવું માનવું છે.
ગ્લોબલ લેબર માર્કેટ કોન્ફરન્સ 2025 આવતા મહિને રિયાધમાં કિંગ અબ્દુલ અઝીઝ ઇન્ટરનેશનલ કન્વેનશન સેન્ટર ખાતે 29-30 તારીખે યોજાશે.