ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તેમજ ભારત સરકાર હેઠળના કોમન સર્વિસ સેન્ટર (CSC) વચ્ચે MoU સંપન્ન
ગાંધીનગર ખાતે રૂ. ૩૧૬.૮૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર “પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર”નું આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ ભૂમિપૂજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું.
મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે આયોજિત આ સમારોહ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં નાગરિકલક્ષી ડિજિટલ સેવા કેન્દ્રોની વ્યાપકતા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તેમજ ભારત સરકાર હેઠળના કોમન સર્વિસ સેન્ટર (CSC) વચ્ચે સમજૂતી કરાર (MoU) સંપન્ન થયા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ સમારોહમાં પધારેલા ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, દિવ્યાંગ ખેલાડીઓ માટે અદ્યતન સુવિધાઓ ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું “પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર” ગુજરાતમાં કાર્યરત થશે. ગુજરાતના પેરા એથ્લિટ્સને વિશ્વ કક્ષાની તાલીમ મળે, રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ ઉત્તમ માળખાકીય સુવિધાઓ અને દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને મંચ આપવા માટે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પહેલાના સમયમાં દિવ્યાંગજનો માટે લોકો તિરસ્કૃત શબ્દો વપરાતા હતા, જેનાથી તેમનામાં લઘુતાગ્રંથિનું નિર્માણ થતું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને “દિવ્યાંગ” જેવો સન્માનજનક શબ્દ આપીને દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ ભરી દીધો છે. એ જ આત્મવિશ્વાસ થકી આજે દરેક ક્ષેત્રે દિવ્યાંગજનોનું પરફોર્મન્સ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ભારતમાં નોંધાય છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભગવાને જ્યારે કોઇ માણસને કોઈ ઉણપ આપી હોય, ત્યારે તેની સામે ઈશ્વરે તેને વધુ એક દિવ્ય શક્તિ પણ આપી હોય છે. એટલા માટે જ, વડાપ્રધાનશ્રીએ તેમને “દિવ્યાંગ” જેવો સન્માનજનક શબ્દ આપ્યો છે. આ દિવ્યાંગ ખેલાડીઓની પ્રેક્ટીસ-ટ્રેઈનીંગને વધુ કાર્યક્ષમ બનાવવામાં આ પરફોર્મન્સ સેન્ટર ખૂબ જ ઉપયોગી નીવડશે, તેમ કહી કેન્દ્રીય મંત્રીશ્રીએ આ સેન્ટરમાં ઉપલબ્ધ થનારી સુવિધાઓની પણ વિસ્તૃત માહિતી આપી હતી.