આઝાદીના અમૃતકાળમાં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજે ચીંધેલો અને સિંચેલો માર્ગ વિકસિત ભારતની આધારશિલા બનશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
**
બુદ્ધિવાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં અમદાવાદના મેયરશ્રી, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ તથા જૈન અગ્રણીઓની ઉપસ્થિતિ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કર્યું હતું.
આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉપસ્થિત જૈનાચાર્યો અને ગુરુભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી સમગ્ર આયોજન બદલ બુદ્ધિવાણી ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આઝાદીના અમૃતકાળમાં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજે ચીંધેલો અને સિંચેલો માર્ગ વિકસિત ભારતની આધારશિલા બનશે.
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજને મુખ્યમંત્રીશ્રીએ કર્મયોગી, ધ્યાનયોગી અને જ્ઞાનયોગી ગણાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે બુદ્ધિસાગર સૂરિશ્વરજીએ સમાજ સુધારણા, સામાજિક જાગૃતિનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમની તપસ્યા અને ભગવાન શ્રી ઘંટાકર્ણ મહાવીરના પ્રતાપે મહુડી તીર્થ માત્ર જૈન જ નહીં, પરંતુ તમામ ધર્મના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજને સ્વપ્નદૃષ્ટા સંત ગણાવી તેમના સાહિત્યસર્જન અને સમાજ ઉપયોગી કાર્યોને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૫ને રાષ્ટ્ર ગૌરવ વર્ષ ગણાવતાં કહ્યું કે આ સમગ્ર વર્ષ આપણે સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી અને સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતીની ઉજવણી તથા બંધારણના અમૃત ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ.
એટલુંજ નહીં આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજની ૧૫૦મી જન્મજયંતી પણ આ વર્ષે ઉજવાઈ રહી છે તે એક સુભગ સુયોગ છે તેનો આનંદ તેમણે પ્રગટ કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત આચાર્ય ભગવંત શ્રીમદ્ મનોહર કિર્તીસાગર સુરીશ્વરીજી મહારાજ તેમજ આચાર્ય ભગવંત શ્રીમદ્ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સહિત જેનાચાર્ય મહારાજાના આશીર્વચન મેળવ્યા હતા.
અમદાવાદમાં આયોજિત સ્મારક સિક્કાના વિમોચન પ્રસંગે જૈનાચાર્યો, અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ધારાસભ્ય શ્રી અમિતભાઇ શાહ, શ્રી કૌશિકભાઈ જૈન તેમજ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તથા ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં જૈન ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.