
આશિષ નમ્બીસન : ગયા અંકમાં જણાવ્યુ હતું કે, “હવે આપણે લગભગ 22000ના સ્તરની નજીક છીએ તેથી ટેકનિકલ દ્રષ્ટિએ કહી શકાય કે ટ્રેડર્સ માટે આ શોર્ટ કરવાનું સ્તર નથી. અહીં શોર્ટ્સ કરવાનું ટાળો. તેના બદલે ઉછાળે વેચવા માટે રાહ જોવાની સ્ટ્રેટેજી અપનાવવી ઠીક રહે, હવે, 22400 અવરોધ તરીકે કામ કરે અને 22550 થી ઉપરના સ્ટોપ સાથે 22350/22400 પર અથવા તેની નજીક શોર્ટ પોઝિસન બનાવી શકાય. આ અઠવાડિયે જો સુધારો આવતો જોવા ન મળે તો 21900/21800 ના લેવલની રાહ જોવી ઠીક રહે, કેમ કે, બજારની એ પ્રકૃતિ છે કે જ્યારે સપાટાબંધ ચાલ આવતી હોય, ત્યારે તે થોડોક અતિરેક કરે અને જે તે લેવલ તોડે કે કૂદાવે અને પછી સાચી ચાલ પકડે. જો કોઇ એગ્રેસિવ ટ્રેડર હોય (ટ્રેન્ડ વિરુદ્ધનો વેપાર કરવાની હિંમત ધરાવતા હોય) અથવા જે બજારમાં શોર્ટ કરવા ઇચ્છુક નથી, તેવાં ટ્રેડર્સ 21800 ના ચુસ્ત સ્ટોપલોસ સાથે 22000 ની નજીક ખરીદી કરવાનો પ્રયાસ કરી શકે છે. યાદ રાખો કે આ કોન્ટ્રા ટ્રેડ ફોલિંગ નાઇફ (છરી) પકડવા જેવી હશે, કેમ કે અગાઉના લેખમાં મેં કહ્યું હતું કે આપણે 21280 સુધીના ઘટાડાને અવગણી શકીએ નહિ. 21800 ની નીચેનો કોઈપણ ઘટાડો અથવા ક્રોસઓવર 21280 તરફ દોરી જાય અને બજારો તમામ સ્તરોને તોડવા માટે ખૂબ જ સંવેદનશીલ બની શકે છે તેથી ખૂબ સાવધ રહો. બોટમ-ફિશિંગ હંમેશા જોખમી હોય છે. હાલ, રોકડ હાથ પર રાખો અને કૂદકો મારતા પહેલા રિવર્સલની રાહ જુઓ. તેની ખાસ નોંધ લેવી કે, બજારો અઠવાડિયાઓ સુધી વધુ ઓવરસોલ્ડ ઝોનમાં રહી શકે છે. એક મજબૂત ડાઉનટ્રેન્ડ લાંબા સમય માટે બજારને ઓવરસોલ્ડ ઝોનમાં રાખી શકે છે. “
જ્યારે અર્નિંગ ગ્રોથ બજારની અપેક્ષા કરતાં નબળો રહી શકે તેમ છે ત્યારે નિફ્ટી તેના લાંબાગાળાના વેલ્યૂએશનની સરેરાશની નજીક ટ્રેડ કરી રહી હોઈ, ગયા અઠવાડિયે નિફ્ટીના વ્યૂમાં થોડોક બદલાવ કર્યો છે. સાથે જ વાચકોએ તે પણ નોંધવું રહ્યું કે, ઓક્ટોબર 2024 ની શરૂઆતથી જ આ કૉલમમાં જણાવવામાં આવ્યું હતું કે “મુખ્ય ઇન્ડેક્સિસે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવી છે અને તે મોટાં કરેકશનની તૈયારી કરી રહ્યા છે“. તે મંદી તરફી દ્રષ્ટિકોણને સાચો ઠેરવતું હોય તેમ ત્યારપછી બજાર સતત ઘટતું રહ્યું છે, આપણે કરેક્શન જોયું છે. ગયા અઠવાડિયે જે તેજી તરફી દ્રષ્ટિકોણ જણાવ્યો છે, તેનો અર્થ એવો નથી કે, સમગ્રપણે દ્રષ્ટિકોણ તેજી તરફી થયો છે. તેમાં કહેવાનો અર્થ એટલો જ છે કે, 22000 આસપાસથી નિફ્ટી50 ને ટેકો મળતો જોવા મળ્યો છે. ગયા અઠવાડીયા સુધી જોવા મળેલ એકધારા ઘટાડાએ રોકાણકારોના રૂપિયા 94 લાખ કરોડનું ધોવાણ કર્યું છે. સપ્ટેમ્બર 2024 ના તેમનાં લાઈફ-હાઇથી નિફ્ટી અને સેન્સેકસ બંનેમાં સોળ ટકા જેટલો ઘટાડો થયો છે. આ વર્ષે, શરૂઆતના બે મહિનામાં જ, 7% ના ઘટાડા સાથે રોકાણકારોના રૂપિયા 62 લાખ કરોડ ધોવાયા છે. રૂ. 40 લાખ કરોડના ધોવાણ સાથે, કદાચ ગત ફેબ્રુઆરી કોવિડ પછીનો સહુથી ખરાબ મહિનો રહ્યો છે, જે પરાવર્તમાન બેરીશ સેન્ટિમેંટ દર્શાવે છે. મધ્યમ વર્ગના લાખો-કરોડો રોકાણકારો, જેમાના મોટાંભાગના કોવિડ પછી બજારમાં આવ્યા હતા, હાલ તેમનાં રોકાણોમાં મોટી નુકશાનીઓ જોઈ રહ્યા છે. વધતી મોંઘવારી, વેતન-ભથ્થાંમાં સાવ મંદ ઇજાફો અને વધતું જતું નાણાંકીય દબાણ તેમની ધીરજના પારખાં કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય રોકાણકારોનો ચીનમાં વધતો જતો રસ અને વૈશ્વિક રાજકીય પરિસ્થિતિઓએ બજારની વોલેટિલિટીના ભડકામાં ઘી હોમ્યું છે. કોવિડ પહેલાં 14 માંથી 1 ઘર શેરબજારમાં રોકાણ કરતું હતું, તેની સામે આજે પાંચમાંથી એક ઘર શેરબજારમાં રોકાણ કરે છે. તમામ જનસમુદાયને નાણાંકીય સેવાઓ હેઠળ આવરી લેવાની સરકારી નીતિઓ, ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ થકી માર્કેટની સુગમ્યતા અને બજારમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરતું સોશિઅલ મીડિયા આ બદલાવો માટે કારણભૂત કહી શકાય. SIP રોકાણકારોની પસંદગીનો વિકલ્પ બની ગયો છે અને પાંચ વર્ષ પહેલાં રોકાણકારોની જે સંખ્યા હતી તે હવે વધીને 10 કરોડના આંકને આંબી ગઈ છે. પરંતુ, હાલ તેમાના ઘણાં રોકાણકારો પોતાનાં રોકાણોનું ધોવાણ જોઈ રહ્યા છે અને જેમણે બચત ખાતાંઓ કે ફિક્સ ડિપોઝિટમાંથી રોકાણો ઇક્વિટીમાં ઠાલવ્યા તેમનાં માટે આ કપરો સમય છે. આમ, બજારમાં આવેલ કરેક્શને, ખાસકરીને બિનઅનુભવી રોકાણકારોને શેરબજાર પ્રત્યે અતિવિશ્વાસ રાખવામાં રહેલ જોખમ સામે ખુલ્લાં પાડી દીધાં છે. તેમાનાં ઘણાં હવે પોતાના રોકાણોને અન્ય સલામત વિકલ્પોમાં પાછાં લઈ જવાનું વિચારી રહ્યા છે, પરંતુ તેમ કરવામાં તેમણે નુકશાન ભોગવવું પડે અને તે માટે તૈયાર થવા તેમણે એ આકરો નિર્ણય લેવો પડે. હાલના ઘટાડાએ રોકાણકારોને તે યાદ કરાવ્યુ છે કે શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં તેમાં સમાયેલ જોખમનું વ્યવસ્થિત આંકલન કરવું પડે અને માત્ર સટ્ટાકીય વધઘટનો લાભ લેવાં કૂદી પડવા કરતાં લાંબાગાળાનું આયોજન કરવું પડે. મૂળ મુદ્દા પર આવીએ, તો પ્રશ્ન એ છે કે હવે બજાર પાસેથી શી અપેક્ષા રાખી શકાય? સહુ પહેલાં આપણે હાલની સ્થિતિનો ચિતાર લઈએ. ગયા અઠવાડિયે આ કૉલમમાં જણાવ્યુ હતું કે હાલ બજારો આકર્ષક વેલ્યુએશન પર છે. બીજું એક પાસું એ છે કે વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલી ફેબ્રુઆરીથી ધીમી પડી છે, જે દર્શાવે છે કે કદાચ અતિકઠિન કાળ પસાર થઈ ગયો છે. ઘણાંબધા શેર્સના વેલ્યુએશન તેમની દસ વર્ષની સરેરાશની નીચે પહોંચી ગયા છે, જેનાં પગલે સંસ્થાગત રોકાણકારોની તેમાં લેવાલી જોવાઈ શકે છે. ગત બજેટમાં સરકારે જાહેર કરેલ આવકવેરાની છૂટછાટોને પગલે કન્ઝ્યૂમર સ્પેંડિંગ વધી શકે અને તેને પગલે આગામી મહિનાઓમાં કોર્પોરેટ અર્નિંગમાં પણ સુધારો જોવાય. બીજું કે વ્યાજદરોમાં સ્થિરતા બજારમાં પણ સ્થિરતા લાવી શકે. જો કે, વૈશ્વિક પરિબળો અને યુ.એસ.ની વ્યાપાર નીતિઓ બજારના ભયસ્થાનો તરીકે હજુપણ યથાવત છે. આપણે પહેલાં હાલના ઘટાડાના કારણભૂત પરિબળો પર એક નજર કરીએ અને પછી બજારની સ્થિતિ ટેકનિકલ પેરમીટર્સ પર મૂલવીએ.
કરન્સી પર અસર:
યુ.એસ.ની સામા-ટેરિફની નીતિને પગલે યુ.એસ. બોન્ડ યીલ્ડમાં ઉછાળો જોવાયો અને તેને પગલે ડોલર આધારિત અસ્કામતોની માંગ વધી. તેને પગલે ભારતીય ઇક્વિટી માર્કેટ અને રૂપિયા જેવી અસ્કામતોમાં વેચવાલી જોવાઈ અને રોકાણકારોનું તેમાંથી પલાયન જોવા મળ્યું. ફેબ્રુઆરી 10 ના રોજ રૂપિયો ડોલર સામે 87.997 ના નિમ્નત્તમ સ્તરે પહોંચ્યો હતો, જે સળંગ પાંચ મહિના ઘટ્યો હતો. જે માટે વૈશ્વિક બજારમાં ડોલરનું મજબૂત થવું અને સ્થાનિક ઇક્વિટીમાં ઘટાડા તરફી ચાલ કારણભૂત હોવાનું કહી શકાય.
FII નું પલાયન:
ટ્રમ્પની ટેરિફ અંગેની ધમકીઓ, અર્થતંત્રનો ધીમો વૃદ્ધિદર અને નબળાં અર્નિંગ્સના કારણે સ્થાનિક બજારોને અસર થઈ રહી છે, જ્યાં વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલ સતત વેચવાલીએ ભારતીય ઇક્વિટીમાં એક ચક્રીય અસર પેદા કરી છે. ઊંચા વેલ્યુએશન અને મંદ આર્થિક વૃદ્ધિની ચિંતાઓને પગલે ગત ઓક્ટોબરમાં વેચવાલી શરૂ થઈ હતી, જે યુ.એસ.ની સરકાર દ્વારા કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદવાની જાહેરાતોને પગલે ગ્લોબલ ટ્રેડ-વોરનું જોખમ ઊભું થયું છે અને તેને પગલે આવી વેચવાલી 2025 માં પણ જળવાઈ રહી શકે તેમ છે.
ચીનનું પાસું:
ચીનના શેરબજારને પાછું ચેતનવંતુ કરવાની જિંગપિંગ સરકારની વિવિધ પહેલોને પગલે ત્યાંના બજારમાં સુધારાની સંભાવના પ્રબળ બની છે, જેને FII તરફથી હકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે. તેનો અર્થ એ થયો કે, ભારતીય બજારો માટે વધુ એક માઠાં સમાચાર છે, કેમ કે વધુને વધુ નાણાં હવે હેંગસેંગ બજાર મારફત ચીનમાં ઠલવાશે. અહી સૌથી નોંધપાત્ર મુદ્દો એ છે કે, હેંગસેંગ (હોંગકોંગ) ઇન્ડેક્સનો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો માત્ર 12 છે. તેની સામે ભારતનો ફોરવર્ડ PE 18.5 છે. આ બધાની વચ્ચે એક સકારાત્મક પાસું એ છે કે, ભારતીય બજારમાં લાર્જકેપ શેર્સ હાલ વાજબી વેલ્યૂએશન પર આવી ગયા છે, જે રોકાણની એક સારી તક પૂરી પાડી રહ્યા છે.
સલામત વિકલ્પની માંગ:
ઇક્વિટી જેવી ‘જોખમી’ અસ્કામતોના ભાવોમાં ઘટાડા જોવા મળી રહ્યા છે, જ્યારે સરકારી બોન્ડ, ઉચ્ચ ગુણવત્તાના કોર્પોરેટ બોન્ડ, ફિક્સ ડિપોઝિટ અને સોનું જેવી ‘સલામત’ કે ઓછી જોખમી અસ્કામતોની માંગ વધી રહી છે. તાજેતરમાં આપણે જોયું કે યુ.એસ. ટેરિફને પગલે સંભવિત મોંઘવારીમાં વધારો થવાની ભીતિને કારણે સોનામાં સતત લેવાલી જોવાતી રહી અને કોમેક્સમાં તે ત્રણ હજાર ડોલર પાસે પહોંચ્યું. વૈશ્વિક આર્થિક વૃદ્ધિદર બાબતે અનિશ્ચિત્તાઓ, ડામાડોળ વૈશ્વિક રાજકીય માહોલ અને વિવિધ મધ્યસ્થ બેન્કો દ્વારા પોતાના અનામત ભંડોળમાં ‘અન્ય અસ્કામતો’ સામેલ કરવાનું વલણ રોકાણકારોને બુલિયન તરફ આકર્ષી રહ્યા છે.
ટેકનિકલ ચાર્ટની નજરે:
વિતેલા અઠવાડિયે પણ FIIની વેચવાલી જળવાયેલ રહી અને તેમણે કેશ સેગમેન્ટમાં રૂ.15502 કરોડની વેચવાલી કરી. તેની સામે DIIએ રૂ.20,951 કરોડની નેટ ખરીદી કરી. સળંગ ત્રણ સાપ્તાહિક ઘટાડા પછી પહેલીવાર નિફ્ટી વિકલી બાર ચાર્ટ પર સુધારો જોવાયો, જ્યાં ‘હારામી બ્લેક’ પેટર્ન (પહેલી પોઝિટિવ કેંડલ તરીકે ઓળખાતી બુલિશ પેટર્ન) રચાઇ છે. વધુમાં, તેણે 22550 નો અવરોધ ક્લોસિંગ બેસિસ પર પાર કર્યો છે, પરંતુ 22552 ના બંધની દ્રષ્ટિએ તેણે તે અવરોધને માન આપ્યાનું પણ અવગણી શકાય તેમ નથી. 22550 ના અવરોધની ઉપરના બંધ અને ‘હારામી બ્લેક પેટર્ન’ રચાઇ હોવા છતાં, માર્કેટમાં રિવર્સલ થયું હોવા બાબતે હારામી બ્લેક પેટર્નનો સક્સેસ રેશિયો 60-70% હોઇ, હજુસુધી એક નિશ્ચિત રિવર્સલ માનવું મુશ્કેલ છે. તેથી, સીધા જ નિષ્કર્ષ પર પહોંચવા કરતાં અન્ય ટેકનિકલ પેરમીટર્સ નજર સમક્ષ રાખવાં વધુ યોગ્ય રહે. આથી, ‘હારામી કેંડલ’ની ટોચ 22634 ની ઉપરની ચાલ જોવાતાં સુધારો આગળ વધતો જોવા મળે. અહી ખાસ નોંધવાનું રહે છે કે, ‘હારામી બ્લેક’ એક અનેક કેંડલ-સ્ટિક પેટર્ન્સમાંની એક છે અને તેની નિશ્ચિતતા બજાર અને અન્ય ટેકનિકલ પરિબળો પર આધાર રાખે છે.
નિષ્કર્ષ: 22000 થી નિફ્ટી આંકમાં એક સારું રિવર્સલ જોવા મળ્યું અને નિફ્ટી આંક 22550ની ઉપર બંધ રહેવા સાથે ટેકનિકલ દ્રષ્ટિએ તેજીનો સંકેત આપતી ‘હારામી બ્લેક કેંડલ પેટર્ન’ રચાઇ છે, જે વધુ સુધારાની સંભાવના દર્શાવે છે. જો કે, આપણે તે ભૂલવું જોઈએ નહીં કે બજાર હજુપણ ઘટાડા તરફી ટ્રેન્ડમાં છે અને 22670 ના નિર્ણાયક સ્તરની ઉપરનો બંધ જોવાયો નથી. અહી એક અન્ય નોંધનીય હકીકત એ છે કે, 22670 એ ફિબોનેકી 61.8% વાળો ગોલ્ડન રેશિયો છે. આમ, હવે 22400/22200 સારાં ટેકા બન્યા છે. તેથી આ ટેકાની નજીક 21960 ના સ્ટોપલોસથી લેણ કરવું શ્રેષ્ઠ રહે. કહેવાની જરૂર નથી કે બજારે ગયા અઠવાડિયે આપણાં 21800 ના ટેકાને તોડ્યો નથી અને તેથી એ ટેકો હવે વધુ મજબૂત બની ગયો છે. આમ, જ્યાં સુધી 21800 નો ટેકો અકબંધ છે, બજારમાં ‘સબ-સલામત’ છે. તે ટેકો તૂટે તો 21500/21280 સુધીના ઘાટા જોવા મળે. જો સોમવારે 22700 ની ઉપર ટકી રહેવામાં નિફ્ટી આંક સફળ રહે તો સમગ્ર ચાલ વધુ તેજી તરફી બને અને ટૂંક સમયમાં નિફ્ટી 23000 સ્પર્શી શકે. આથી, હવે શ્રેષ્ઠ વ્યુહરચના એ રહે કે, 22400/22200 ના ટેકાની નજીક લેણ કરવું અથવા તો 22700 પાર થયા પછી, જેમાં 22900/23000 નું ટાર્ગેટ રાખી શકાય.