વૈશ્વિક રિયલ એસ્ટેટ પરામર્શ કંપની નાઈટ ફ્રેન્કના ‘ધી વેલ્થ રિપોર્ટ – 2025’માં ખુલાસો
એકબાજુ આમજન બે છેડા ભેગા કરવાની પળોજણમાં પડયો છે ત્યારે અમીર વધુ અમીર બની રહ્યો છે.ભારતમાં અમીરોની સંખ્યામાં વધારો થયો છે.અમેરીકા અને ચીન બાદ સૌથી વધુ અબજોપતિઓ ભારતમાં હોવાનો ખુલાસો થયો છે.
દેશમાં હવે એક કરોડ ડોલર (લગભગ 87 કરોડ રૂપિયા)થી વધુ સંપતિ ધરાવતા ભારતીયોની સંખ્યા ગત વર્ષ 6 ટકા વધીને 85698 થઈ ગઈ છે. ભારતમાં હવે 191 અબજોપતિ છે.
આ જાણકારી વૈશ્વિક રિયલ એસ્ટેટ પરામર્શ કંપની નાઈટ ફ્રેન્કની બુધવારે જાહેર ધી વેલ્થ રિપોર્ટ-2025 માં બહાર આવી છે. રિપોર્ટ અનુસાર ભારતમાં ઉચ્ચ નેટવર્થવાળા (એચએનડબલ્યુઆઈ)ની સંખ્યા વધીને 2024 માં 85698 થવાનું અનુમાન છે.જયારે 2023 માં તે સંખ્યા 80,686 હતી.
કંપનીએ જણાવ્યું હતું કે, 2028 સુધી આ સંખ્યા વધીને 93753 ઉપર પહોંચવાની આશા છે.આથી જાણવા મળે છે કે ભારતમાં અમીરોની સંખ્યા વધી છે.
વધુ સંપતિ મજબૂત આર્થિક વૃધ્ધિને દર્શાવે છે
ઉચ્ચ નેટવર્થવાળા લોકોની વધતી સંખ્યા દેશની મજબુત દીર્ધકાલીન આર્થિક વૃધ્ધિ વધતી રોકાણની તકો અને વિકસીત થઈ રહેલા લકઝરી બજારને દર્શાવે છે.
જે ભારતને વૈશ્વિક ધન સર્જનમાં એક મુખ્ય દેશ તરીકે સ્થાપિત કરે છે. રિપોર્ટ મુજબ આગામી કેટલાંક વર્ષોમાં આ આંકડો વધવાની આશા છે.
રિયલ એસ્ટેટ ઈકવિટીમાં લોકો રોકાણ કરી રહ્યા છે
શિશિર બૈજલે કહ્યું હતું કે, ભારતનો ઉચ્ચ નેટવર્થવાળો વર્ગ પોતાના રોકાણ પ્રાથમીકતાઓને રિયલ એસ્ટેટથી લઈને વૈશ્વિક ઈકવીટી સુધી મહત્વ આપી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આવનારા દાયકામાં વૈશ્વિક સંપતિ સર્જનમાં ભારતની અસર વધુ મજબૂત બનશે.