
મુંબઈ: અહીંની એન્ટિ કરપ્શન કોર્ટે તેના તારીખ એક માર્ચના હુકમથી, (1) હાલમાં 28 ફેબ્રુઆરીના રોજ જેમનો સેબીના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો થયો તે, માધબી પૂરી બૂચ, (2) સેબીના પૂર્ણકાલીન સભ્ય અશ્વનિ ભાટિયા, (3) સેબીના પૂર્ણકાલીન સભ્ય અનંથ નારાયણ જી, (4) સેબીના પૂર્ણકાલીન સભ્ય કમલેશ ચંદ્ર વાર્ષ્ણેય, (5) બોમ્બે સ્ટોક એક્સચેન્જના ચેરમેન અને પબ્લિક રિલેશન ડાયરેક્ટર પ્રમોદ અગ્રવાલ અને (6) બોમ્બે સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદરરામન રામામૂર્થિ સામે FIR નોંધવાનો હુકમ કર્યો છે.
ભ્રષ્ટાચાર નિષેધ અધિનિયમ, 1988 અન્વયેના નામદાર વિશેષ ન્યાયાધીશ શશિકાંત એકનાથરાવ બંગરની અદાલતે મુંબઈના એક પત્રકાર સપન શ્રીવાસ્તવ દ્વારા, ફોજદારી કાર્યરીતિ સંહિતા, 1973 ની કલમ 156(3) હેઠળ, દાખલ કરવામાં આવેલ એ.સી.બી. મિસ્સેલેનિયસ એપ્લીકેશન નં. 603/2024 માં સુનાવણી કર્યા બાદ 1 માર્ચના રોજ ઉપરોક્ત આદેશ ફરમાવ્યો છે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 156(3) આ સંહિતાની કલમ 190 અન્વયે સત્તાધિકાર પ્રાપ્ત મેજિસ્ટ્રેટને કલમ 156(1) અને (2) હેઠળ આવતાં મામલાઓમાં તપાસના હુકમ કરી શકે છે. હાલના હુકમના ફકરા નં. 7 માં જણાવ્યા મુજબ, જો કરાયેલ આક્ષેપ સંજ્ઞેય ગુન્હો આચરાયો હોવાનું જાહેર કરતો હોય તો વિશેષ ન્યાયાધીશ કલમ 156(3) હેઠળ તપાસનો હુકમ કરી શકે છે. આગળ, આ હુકમમાં જણાવ્યા મુજબ, જો આપવામાં આવેલ માહિતી સંજ્ઞેય ગુન્હો આચરાયો હોવાનું જાહેર કરતી હોય તો, કલમ 154 હેઠળ FIR નોંધવી ફરજિયાત છે.
શું છે સમગ્ર મામલો ?
એક કંપનીના લિસ્ટિંગમાં સેબી અધિનિયમ, 1992 અને તેના અન્વયે ઘડાયેલ નિયમોનું અનુપાલન કર્યા સિવાય અને સ્વયં નિયામકના મેલાપીપણાંથી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો અરજીકર્તાએ આક્ષેપ લગાવ્યો હતો. સપન શ્રીવાસ્તવ નામના પત્રકારે આરોપ લગાવ્યો હતો કે સેબીના અધિકારીઓએ તેમની કાનૂની ફરજોનું પાલન કર્યું નહીં, માર્કેટ મેનીપ્યુલેશનને સગવડ કરી આપી અને ધારાધોરણોની આપૂર્તિ કરતી ન હોય તેવી કંપનીનું લિસ્ટિંગ થવા દઈ કોર્પોરેટ ફ્રોડને થવા દીધો. અરજીકર્તા જ્યારે પોલીસ અને નિયમનકારી સંસ્થા પાસે ગયા ત્યારે તેમની રજૂઆત પર કોઈ પગલાં લેવામાં આવ્યા નહિ અને તેથી તેઓએ ન્યાયાલય સમક્ષ અરજી કરી હતી.
આક્ષેપિત કંપનીમાં રાઉન્ડ ટ્રિપિંગ મારફત બોગસ બિલિંગ અને બોગસ હિસાબો રજૂ કરાયા હોવાનો, શેર્સના ભાવમાં ઇનસાઇડર ટ્રેડિંગ અને મેનીપ્યુલેશન આચરવામાં આવ્યું હોવાનો અને લિસ્ટિંગ પછી પ્રમોટર્સ દ્વારા પબ્લિક ફંડની ઉચાપત આચરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપ બાબત અરજીકર્તા પત્રકારે શેરોના ભાવોમાં કૃત્રિમ વધઘટ આચરવામાં આવી હોવા બાબતેના નિયમનકારી ફાઇલિંગ્સ અને સ્ટોક માર્કેટ રિપોર્ટ્સ, સેબીની અંદરના વ્હિસલ બ્લોઅર સાથે થયેલ તેમની માહિતીની આપ-લે, મોટાપાયે ગેરરીતિ આચરાઈ હોવાનું દર્શાવતાં નાણાકીય પત્રકો, ઓડિટ દસ્તાવેજો ઈત્યાદી આધાર-પૂરાવા રજૂ કર્યા હોવા છતાં પોલીસ કે નિયમનકારે કોઈ પગલાં લીધા નહોતા. આક્ષેપિત કંપની સેબી અધિનિયમ અને તેના અન્વયે ઘડવામાં આવેલ નિયમો અને ધારાધોરણોમાં ખરી નહિ ઊતરતી હોવા છતાં તેને આઈ.પી.ઓ. થકી રોકાણકારો પાસેથી નાણાં એકઠાં કરવા દેવાની સવલત કરી આપી, સેબીના અધિકારીઓએ મેળાપીપણું આચરી, મોટાપાયે ગેરરીતિ આચરી ગુનાહિત કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 406, 409, 420, 467, 471, 120B, ભ્રષ્ટાચાર નિષેધ અધિનિયમ 1988ની કલમ 7, 13(1)(d), 19 અને સેબી એક્ટની કલમ 12A, 15HA, 24 હેઠળ ગુન્હો બનતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અદાલતને પ્રથમ દર્શનીય કેસ બનતો હોવાનું જણાતા અદાલતે સેબી તેમજ બોમ્બે સ્ટોક એક્સચેન્જના ટોચના અધિકારીઓ સામે FIR નોંધવાનો હુકમ કર્યો છે.
માધવી બુચ વિરુદ્ધ FIR નોંધવાના આદેશને પડકારીશું’ કોર્ટના નિર્ણય પર SEBIનું નિવેદન
બીજી તરફ રવિવારે નિયમનકાર સંસ્થા સેબીએ એક નિવેદન જાહેર કરી તેમાં જણાવ્યુ છે કે, તેઓ આ મામલે જરૂરી કાનૂની પગલાં લેશે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઉક્ત ફરિયાદકર્તા ‘પાયાવિહોણાં આક્ષેપો કરવાની ટેવવાળો’ છે અને સેબી એ.સી.બી. કોર્ટના હુકમને પડકારશે. આ મામલાના ફરિયાદીની અગાઉની કેટલીક ફરિયાદો માટેની અરજીઓ ન્યાયાલયે ફગાવી દીધી હતી અને કેટલાક કિસ્સામાં તેનો ખર્ચ પણ ફરિયાદી પાસેથી વસૂલવાનો હુકમ કર્યો છે.
નોંધવું રહ્યું કે, માધબી પૂરી બૂચ, અશ્વની ભાટિયા જેવા અધિકારીઓને સરકારે નવી લાગુ કરેલ ‘લેટરલ એન્ટ્રી’ હેઠળ સીધા સરકારી સત્તામંડળોમાં ઉચ્ચ હોદ્દાઓ પર નિયુક્તિ આપવામાં આવી હતી. અગાઉ સેબીના અધ્યક્ષ કે પૂર્ણકાલીન સભ્ય તરીકે નાણાં વિભાગ કે અર્થશાસ્ત્ર સંબંધિત સંસ્થાઓમાં ઉચ્ચ સેવાઓ આપનાર કે સચિવ કક્ષાના જાહેર સેવકોની નિયુક્તિ કરવામાં આવતી હતી. જ્યારે લેટરલ એન્ટ્રી હેઠળ ખાનગી કંપનીઓ કે સંસ્થાઓમાં વહીવટી અનુભવ ધરાવતાં લોકોની સીધી નિયુક્તિ કરવામાં આવે છે. શ્રીમતી બૂચ સામે અગાઉ હીંડનબર્ગ નામની રિસર્ચ સંસ્થાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. શ્રીમતી બૂચ સેબીના હોદ્દા પર રહ્યા દરમ્યાન આઈ.સી.આઈ.સી.આઈ. પાસેથી વેતન મેળવતાં હોવાનો અને સિંગાપોર સ્થિત ગુપ્ત રોકાણકાર સંસ્થામાં નાણાં રોકાણ કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે, આઈ.સી.આઈ.સી.આઈ.એ સ્પષ્ટતા કરી હતી કે શ્રીમતી બૂચને ચૂકવાયેલ રકમ તેમનાં નિવૃત્તિ લાભો પેટે છે. જ્યારે સેબીએ સ્પષ્ટતા કરી હતી કે તથાકથિત છદ્મ રોકાણ બાબત બૂચે સેબીને અગાઉ જાણ કરેલ હતી. હીંડનબર્ગે આ ખુલાસાઓ બાબતે પણ એક જાહેર પત્ર મૂક્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હીંડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલ એકપણ આરોપનો ઇનકાર કરવામાં નથી આવ્યો અને શ્રીમતી બૂચ આવાં ઉચ્ચ અને સંવેદનશીલ હોદ્દા પર હોવાં છતાં છદ્મ ફંડ્સમાં રોકાણ કરતાં હતા અને જેમની પાસેથી વેતન ઈત્યાદી મેળવતાં હોય તેમનાં સંબંધિત મામલાઓની કાર્યવાહીમાં ભાગ પણ લેતાં હતા. શ્રીમતી બૂચ અને સેબીના સંચાલન બાબત પ્રતિપક્ષ નેતા શ્રી રાહુલ ગાંધી પણ સતત આરોપ લગાવતાં રહ્યા છે. શ્રી ગાંધીએ ગત ઓક્ટોબર-નવેમ્બરથી શ્રીમતી બૂચ વિષે શોર્ટ-વિડીયોસ તેમજ ત્રણ-ચાર એપિસોડરૂપે કેંટેન્ટ મૂકી જાહેરમાં નિવેદનો કર્યા છે કે સેબીના કેટલાક પગલાંઓને લીધે ભારતીય રોકણકારોના કરોડો રૂપિયા ડૂબે તેમ છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે યુ.એસ.ની એક અદાલત અદાણી જૂથની પાવર કંપની સામે લાંચ અપાઈ હોવાના મામલાઓની સુનાવણી કરી રહી હતી, ત્યારે ‘ભાવ સંબંધિત જાહેર ન થયેલ સંવેદનશીલ માહિતી’ (Undisclosed Price Sensitive Information) તરીકે આવાં મુકદમાની જાણ સ્ટોક એક્સચેન્જ અને તેમનાં મારફત જાહેર જનતાને કરવી અનિવાર્ય હોવાં છતાં, અદાણી જૂથે તેની કોઈપણ કંપનીના નિયમનકારી ફાઇલિંગમાં આવી જાણકારી આપી નહોતી. યુ.એસ.ની અદાલત દ્વારા જ્યારે ‘સબપીના’ ઇશ્યૂ કરવામાં આવી ત્યારે આ બાબત ચર્ચામાં આવી હતી.