
નવી દિલ્હી : કૃષિ અને ગ્રામીણ કામદારો માટેનો છૂટક ફુગાવો જાન્યુઆરીમાં સહેજ ઘટીને 4.61 ટકા અને 4.73 ટકા થયો હતો, જે ડિસેમ્બર 2024માં અનુક્રમે 5.01 ટકા અને 5.05 ટકા હતો, એમ સોમવારે જાહેર થયેલા સરકારી આંકડા દર્શાવે છે.
કૃષિ મજૂરો માટેનો અખિલ ભારતીય ગ્રાહક ભાવાંક (સી.પી.આઈ.-એ.એલ.) અને ગ્રામીણ મજૂરો માટેનો (સી.પી. આઈ.-આર.એલ.) જાન્યુઆરી 2025માં અનુક્રમે 4 પોઇન્ટ અને 3 પોઇન્ટ ઘટ્યો હતો, જે 1,316 અને 1,328 પોઇન્ટ સુધી પહોંચ્યો હતો, એમ શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
નિવેદન અનુસાર, સીપીઆઈ-એએલ અને સીપીઆઈ-આરએલ ડિસેમ્બર 2024માં અનુક્રમે 1,320 પોઇન્ટ અને 1,331 પોઇન્ટ પર રહ્યા હતા.
“જાન્યુઆરી, 2025માં સીપીઆઈ-એએલ અને સીપીઆઈ-આરએલ પર આધારિત વાર્ષિક ફુગાવાનો દર અનુક્રમે 4.61 ટકા અને 4.73 ટકા નોંધાયો હતો, જે જાન્યુઆરી, 2024માં 7.52 ટકા અને 7.37 ટકા હતો. ડિસેમ્બર, 2024ના અનુરૂપ આંકડા સી.પી.આઈ.-એ.એલ. માટે 5.01 ટકા અને સી.પી.આઈ.-આર.એલ. માટે 5.05 ટકા હતા.
સી.પી.આઈ.-એ.એલ.નો ખાદ્ય સૂચકાંક ડિસેમ્બરમાં 1,262 પોઇન્ટથી ઘટીને આ વર્ષે જાન્યુઆરીમાં 1,255 પોઇન્ટ થયો હતો.
તેવી જ રીતે, સી.પી.આઈ.-આર.એલ.નો ખાદ્ય સૂચકાંક ડિસેમ્બરમાં 1,269 પોઇન્ટથી ઘટીને જાન્યુઆરીમાં 1,261 પોઇન્ટ થયો હતો.