
મુંબઇઃ લિસ્ટેડ ખાનગી બિન-નાણાકીય કંપનીઓના વેચાણમાં 2024-25 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 8 ટકાનો વધારો થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં 5.5 ટકા હતો, એમ રિઝર્વ બેન્કે સોમવારે જણાવ્યું હતું. જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં વેચાણમાં 5.4 ટકાનો વધારો થયો હતો.
RBIએ 2024-25ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ખાનગી કોર્પોરેટ ક્ષેત્રની કામગીરી અંગેના આંકડા જાહેર કર્યા હતા, જે 2,924 લિસ્ટેડ બિન-સરકારી બિન-નાણાકીય કંપનીઓના સંક્ષિપ્ત ત્રિમાસિક નાણાકીય પરિણામોમાંથી મેળવવામાં આવ્યા હતા.
મુખ્યત્વે ઓટોમોબાઇલ્સ, રસાયણો, ખાદ્ય ઉત્પાદનો અને વિદ્યુત મશીનરી ઉદ્યોગોમાં ઊંચી વેચાણ વૃદ્ધિને કારણે ત્રીજા ત્રિમાસિક ગાળામાં 1,675 લિસ્ટેડ ખાનગી ઉત્પાદન કંપનીઓની વેચાણ વૃદ્ધિ (વર્ષ-દર-વર્ષે) સુધરીને 7.7 ટકા થઈ હતી. જોકે, પેટ્રોલિયમ, લોખંડ અને સ્ટીલ અને સિમેન્ટ ઉદ્યોગોની વેચાણ આવકમાં વાર્ષિક ધોરણે ઘટાડો થયો હતો.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઇ.ટી.) કંપનીઓએ ત્રીજા ત્રિમાસિક ગાળામાં તેમના વેચાણમાં 6.8 ટકાનો વધારો નોંધાવ્યો છે, જે એક વર્ષ અગાઉ 3.2 ટકા હતો.
મેન્યુફેક્ચરિંગ કંપનીઓના કાચા માલ પરના ખર્ચમાં તેમની વેચાણ વૃદ્ધિને અનુરૂપ ત્રીજા ત્રિમાસિક ગાળામાં 6.3 ટકા (વર્ષ-દર-વર્ષે) નો વધારો થયો હતો, જ્યારે તેમના કર્મચારીઓના ખર્ચમાં 9.9 ટકાનો વધારો નોંધાયો હતો; આઇટી અને બિન-આઇટી સેવા કંપનીઓના કર્મચારીઓના ખર્ચમાં અનુક્રમે 5 ટકા અને 12.4 ટકાનો વધારો થયો હતો.
રિઝર્વ બેંકે એમ પણ જણાવ્યું હતું કે લિસ્ટેડ બિન-નાણાકીય કંપનીઓનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન તાજેતરના ત્રિમાસિક ગાળા દરમિયાન ક્રમિક રીતે 50 બેસિસ પોઇન્ટ વધીને 16.2 ટકા થયું હતું.