મુંબઈ : ભારતીય શેર બજારોમાં છેલ્લા ચાર વર્ષમાં સેકન્ડરી માર્કેટની સાથે પ્રાઈમરી માર્કેટમાં સંખ્યાબંધ કંપનીઓ તેમની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) લઈને મૂડી બજારમાં આવ્યા બાદ છેલ્લા ચાર મહિનાથી વિક્રમી તેજીને બ્રેક લાગી પીછેહઠ જોવાઈ છે. આ સાથે પ્રાઈમરી માર્કેટમાં પણ ઈસ્યુઓની વણઝાર અટકતી જોવાઈ છે. જેમાં ખાસ ૨૦૨૫ના પ્રથમ બે મહિનામાં તુલનાત્મક ઓછા આઈપીઓ આવ્યા છતાં નાણા વર્ષ ૨૦૨૫-૨૬ની શરૂઆતથી પ્રાઈમરી માર્કેટમાં ઈસ્યુઓની સંખ્યામાં વૃદ્વિ ચાલુ થવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૫-૨૬ અને વર્ષ ૨૦૨૬-૨૦૨૭માં મળીને બે વર્ષમાં ૧૦૦૦થી વધુ કંપનીઓ આઈપીઓ સાથે મૂડી બજારમાં પ્રવેશશે એવો અંદાજ છે.
એક રિપોર્ટ મુજબ ભારતના આઈપીઓ માર્કેટમાં ૨૦૨૫ પબ્લિક ઓફરિંગમાં ફરી વૃદ્વિ સાથે શ્રેષ્ઠ બની રહેવાનો અંદાજ છે. રોકાણની વધુ તકો અને વપરાશમાં વૃદ્વિ સાથે આર્થિક વૃદ્વિ વ્યાપક રીતે સારી રહેવાના અંદાજોએ પ્રાઈમરી માર્કેટમાં સળવળાટ વધવાની શકયતા વ્યક્ત કરાઈ છે. એસોસીયેશન ઓફ ઈન્ડિયન બેંકર્સ ઈન ઈન્ડિયા (એઆઈબીઆઈ) દ્વારા આગામી બે નાણાકીય વર્ષમાં ૧૦૦૦થી વધુ આઈપીઓ સાથે કંપનીઓ મૂડી બજારમાં પ્રવેશશે એવો અંદાજ મૂકાયો છે.
નાણા વર્ષ ૨૦૨૫-૨૬ પ્રાઈમરી માર્કેટમાં કેટલીક મોટી કંપનીઓના આઈપીઓ સાથે શ્રેષ્ઠ બની રહેવાનો અંદાજ છે. જેમાં ટેલીકોમ જાયન્ટ રિલાયન્સ જિયો રૂ.૮ લાખ કરોડના વેલ્યુએશન સાથે મેગા આઈપીઓ લઈને મૂડી બજારમાં પ્રવેશે એવો અંદાજ છે. આ સિવાય દક્ષિણ કોરિયાની હ્યુન્ડાઈના ભારતીય સાહસ હ્યુન્ડાઈ ઈન્ડિયા બાદ હવે એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા પણ તેના વર્તમાન શેરધારકોની ઓફર ફોર સેલ લઈને રોકાણકારો પાસેથી રૂ.૧૫,૦૦૦ કરોડથી વધુ મૂડી ઊભી કરવા મૂડી બજારમાં પ્રવેશે એવી શકયતા છે. આ સિવાય ઈલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે એથર એનજીૅ રૂ.૪૫૦૦ કરોડ જેટલી મૂડી ઊભી કરવા આઈપીઓ લાવે એવી સંભાવના છે.
પ્રમુખ મોટી કંપનીઓ સિવાય ક્વિક કોમર્સ ક્ષેત્રે ઝેપ્ટો પણ એક અબજ ડોલરના વેલ્યુએશન સાથે પ્રાઈમરી માર્કેટમાં ઈન્વેસ્ટરો પાસેથી મોટું ફંડ એકત્ર કરે એવી શકયતા છે. કેટલીક અન્ય કંપનીઓમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે જેએસડબલ્યુ સિમેન્ટ રૂ.૪૦૦૦ કરોડ સુધીના આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કરી શકે છે. દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના આઈપીઓની તૈયારી વચ્ચે દેશની સૌથી મોટી ડિપોઝિટરી સર્વિસિઝ કંપની એનએસડીએલ પણ ઓફર ફોર સેલ થકી રૂ.૩૦૦૦ કરોડ ઊભા કરવા ઈસ્યુ લાવી શકે છે. આ સાથે ઓડિયો અને વેરેબલ બ્રાન્ડ બોટ રૂ.૨૦૦૦ કરોડનો આઈપીઓ લાવી મૂડી ઊભી કરી શકે છે.
જાણકારોનું માનવું છે કે, હાલ છેલ્લા ચાર મહિનામાં સેકન્ડરી માર્કેટમાં શેરોમાં મોટું કરેકશન આવતાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે, જેના કારણે પ્રાઈમરી માર્કેટ પર પણ અસર જોવાઈ રહી છે. જેથી સેકન્ડરી માર્કેટમાં રિકવરી આવ્યા બાદ પ્રાઈમરી માર્કેટમાં નાણા વર્ષ ૨૦૨૫-૨૬ના આરંભ પછી ઈસ્યુઓની સંખ્યા વધતી જોવાશે.