નવી દિલ્હી: રિયલ્ટી કંપની માઈન્ડસ્પેસ બિઝનેસ પાર્ક્સ આર.ઈ.આઈ.ટી. એ તેના ભાડાની આવકના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા હૈદરાબાદમાં ૧૮.૨૦ લાખ કોમર્શિયલ સ્પેસ રૂ.૬૧૩ કરોડ રૂપિયામાં હસ્તગત કરી છે.
માઈન્ડસ્પેસ આર.ઇ.આઇ.ટી., જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે, તે આ ૧૮ લાખ ચોરસ ફૂટ સ્પેસની માલિકી ધરાવતી સસ્ટેન પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડની ૧૦૦ ટકા ઇક્વિટી હસ્તગત કરશે. સસ્ટેન પ્રોપર્ટીઝના શેરધારકોને અવેજ તરીકે માઇન્ડસ્પેસ આર.ઇ.આઇ.ટી.માં યુનિટસ ફાળવવામાં આવશે.
નિયમનકારી ફાઇલિંગમાં, માઇન્ડસ્પેસ આર.ઇ.આઇ.ટી.એ માહિતી આપી હતી કે બોર્ડે “હૈદરાબાદના રાયદુર્ગ સ્થિત કોમર્ઝોન રાયદુર્ગ ખાતે આશરે ૧૮.૨૦ લાખ ચોરસ ફૂટ લીઝેબલ સ્પેસ ધરાવતી સસ્ટેન પ્રોપર્ટીઝના ૧૦૦ ટકા ઇક્વિટી શેરહોલ્ડિંગના સંપાદનને મંજૂરી આપી છે. આ સોદાનું મૂલ્ય રૂ.૬૧૨.૯૦ કરોડ છે.
બોર્ડે સસ્ટેન પ્રોપર્ટીઝના શેરધારકોને તેમના ૧૦૦ ટકા ઇક્વિટી શેરહોલ્ડિંગના હસ્તાંતરણ માટે અવેજ તરીકે એકમ દીઠ રૂ.૩૭૯.૦૮ મુજબ માઇન્ડસ્પેસ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના ૧,૬૧,૬૮,૦૯૦ યુનિટ પ્રેફરન્સ બેઝીસ પર ઇશ્યુ કરવાને મંજૂરી આપી છે.
તાજેતરમાં માઇન્ડસ્પેસ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે પોતાની નેટ ઓપરેટિંગ ઇન્કમમાં ૮ ટકા વધારો દર્શાવ્યો છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં તેની આવક વધીને રૂ. ૫૨૧.૮૦ કરોડ થઇ છે, જે એક વર્ષ પહેલાં રૂ.૪૭૩.૧૦ કરોડ હતી.
કંપનીએ તેનાં યુનિટ હોલ્ડર્સ માટે કુલ્લે રૂ.૩૧૫.૪૮ કરોડ અને યુનિટ દીઠ રૂ.૫.૩૨ ફાળવવાનું જાહેર કર્યું છે.
રહેજા કોર્પ ગ્રૂપ દ્વારા પ્રાયોજિત માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક્સ આર.ઇ.આઇ.ટી. ઓગસ્ટ ૨૦૨૦માં ભારતીય બજારોમાં લિસ્ટેડ થયું હતું. તે મુંબઈ ક્ષેત્ર, પૂણે, હૈદરાબાદ અને ચેન્નાઈમાં ઓફિસ પોર્ટફોલિયો ધરાવે છે.
ત્રીજા ત્રિમાસિક ગાળાના અંતે, કંપની પાસે ૩૪.૮૦ લાખ ચોરસ ફૂટનો પોર્ટફોલિયો હતો, જેમાં ૨૬.૮૦ લાખ ચોરસ ફૂટ બાંધકામ થયેલ સ્પેસ, ૪.૬૦ લાખ ચોરસ ફૂટ બાંધકામ હેઠળની સ્પેસ અને ૩.૪૦ લાખ ચોરસ ફૂટ ભવિષ્યમાં હાથ ધરાનાર સ્પેસ એરિયાનો સમાવેશ થાય છે.