જલગાંવ (મહારાષ્ટ્ર)
આગ લાગ્યાની અફવાથી ગભરાટમાં યાત્રીઓ ટ્રેનમાંથી નીચે કુદી પડતા દરમિયાન અન્ય પાટા પર પુરઝડપે આવેલી ટ્રેનની હડફેટે આવી જતા અનેક યાત્રીઓના મોત થવાની ઘટનાથી દેશ હચમચી ગયો છે. આ દુર્ઘટનામાં 13 લોકો માર્યા ગયા છે.
અનેક લોકો ઘાયલ થયા છે. આ ટ્રેન દુર્ઘટનાથી ઘટના સ્થળે દર્દનાક દ્રશ્યો ખડા થયા હતા. અન્ય ટ્રેનની હડફેટે આવેલા લોકોએ દમ તોડી દેતા ઘટનાસ્થળે દર્દનાક દ્દશ્યો મન વિચલીત કરી નાખે તેવા હતા. આ રેલ કરુણાંતિકા મામલે તપાસના આદેશ અપાયા છે.
આ ટ્રેન અકસ્માત માટે લોકોમાં ટ્રેનમાં આગામી અફવાથી કૂદી જતા અને સામે પૂરઝડપે આવતી ટ્રેનની ઠોકરે આવી જવા ઉપરાંત ગોળાઈ વાળા પાટા હોવાથી ટ્રેનના પાયલોટને દૂરથી પાટા પર લોકો ન દેખાયાની શંકા વ્યક્ત કરાઈ છે.
ખોફનાક દ્દશ્ય: નજરે જોનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે દુર્ઘટનાનો ભોગ બનેલ એક વ્યક્તિનું માથું કપાઈ ગયું હતું. એક મહિલાને ખબર પડી કે તેનો પતિ આ દુર્ઘટનામાં માર્યો ગયો છે તો તે આ સાંભળીને બેશુદ્ધ થઈ ગઈ હતી. વિખેરાયેલી લાશો વચ્ચે લોકો પોતાના સ્વજનને શોધી રહ્યા હતા. હાલત એટલી હદે ખરાબ હતી કે મૃતકોને ઓળખવા મુશ્કેલ હતા.
વિડીયો સોશ્યલ મીડીયા પર વાયરલ: રેલવે ટ્રેક પર અનેક યાત્રીઓના ક્ષત-વિક્ષત મૃતદેહોનો વિડીયો વાયરલ થયો હતો. આવા ભયાનક દ્દશ્ય જોવાથી બચવા કેટલાક તો કોચની બારી પણ બંધ કરી દીધી હતી.
બચાવ કાર્ય શરૂ: દુર્ઘટના બાદ રાહત બચાવ ટ્રેન ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મહારાષ્ટ્રના જલગાંવથી મંત્રી ગુલાબરાવ પાટીલે જણાવ્યું હતું કે અકસ્માત બાદ રાહત બચાવ ટ્રેન ઘટનાસ્થળે મોકલાઈ હતી. ઘાયલોની સારવાર માટે ડોકટરોની ટીમ મોકલાઈ હતી.
ફાયર એલાર્મ વાગવા પર સંશય: જલગાંવ રેલ કરુણાંતિકા માટે આગની અફવાના મામલામાં ભૂલથી ફાયર એલાર્મ વાગવા અને બચવા માટે યાત્રીઓમાં અફડાતફડી મચી હોવાની શંકા સેવાઈ રહી છે. જો કે રેલવેએ હજુ આ બારામાં કંઈ સ્પષ્ટ નથી કહ્યું, હાલ તો મામલાની તપાસ ચાલી રહી છે.
રેલ દુર્ઘટનાની તપાસના આદેશ: રેલવેએ જલગાંવ રેલ દુર્ઘટનાની તપાસના આદેશ અપાયા છે. તપાસ ટીમ નજરે જોનારાઓની સાથે રેલ યાત્રીઓના નિવેદન નોંધશે. રેલ યાત્રીઓને બોલાવવામાં આવશે. સીઆરએસની ટીમ બન્ને ટ્રેનના લોકો પાયલોટ અને ગાર્ડ સહિત અન્ય સ્ટાફની પણ પુછપરછ કરશે.
દુર્ઘટનાનું કારણ ગોળાઈવાળા પાટા? ટ્રેક લીધો હોત તો બ્રેક લાગી શકી હોત
જલગાંવ: મહારાષ્ટ્રમાં જલગાંવ રેલ દુર્ઘટના માટે ગોળાઈ વાળા પાટા પર પણ શંકા સેવાઈ રહી છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે જયાં દુર્ઘટના સર્જાઈ ત્યાં પાટા ગોળાઈ વાળા છે.આ કારણે દિલ્હી જઈ રહેલી કર્ણાટક એકસપ્રેસની દ્રશ્યતાને અસર થઈ જો પાટા સીધા હોત તો કર્ણાટક એકસપ્રેસના લોકો પાયલોટ (ટ્રેન ચાલક) ને દુરથી જ પાટા પર ઉભેલી ભીડ દેખાઈ હોત અને અકસ્માત ટળી શકયો હોત.
રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે બન્ને ટ્રેનનાં લોકો પાયલોટોએ અકસ્માત ટાળવા દરેક સંભવ કોશીશ કરી હતી. પુષ્પક એકસપ્રેસના લોકો પાયલોટે ઈમરજન્સી સ્થિતિમાં ફલેઈ લાઈટ કરી જેને જોઈને કર્ણાટક એકસપ્રેસના લોકો પાયલોટે ટ્રેન રોકવા બ્રેક લગાવવી શરૂ કરી પણ પાટા ગોળાઈવાળા હોઈ બ્રેકીંગને અસર થઈ.