અમદાવાદ
શેરબજારમાં નવા ઈન્વેસ્ટરોનો ક્રેઝ સતત વધી રહ્યો હોય તેમ નેશનલ સ્ટોક એકસચેંજમાં રજીસ્ટર્ડ ઈન્વેસ્ટરોની સંખ્યા 11 કરોડને પાર થઈ ગઈ હોવાનું જાહેર થયુ છે. છેલ્લા પાંચ મહિનામાં જ નવા એક કરોડ ઈન્વેસ્ટરો ઉમેરાયા છે ગુજરાતનો ત્રીજો નંબર છે અને નવા ઉમેરાયેલા ઈન્વેસ્ટરોમાંથી 9 ટકા ગુજરાતમાંથી નોંધાયા છે.
નેશનલ સ્ટોક એકસચેંજના આંકડાકીય રિપોર્ટ પ્રમાણે જુલાઈથી નવેમ્બર દરમ્યાન નવા 9.39 લાખ નવા ઈન્વેસ્ટરો ગુજરાતમાંથી ઉમેરાયા હતા અને કુલ સંખ્યા 98 લાખ પર પહોંચી ગઈ હતી.
મહારાષ્ટ્ર 1.8 કરોડ રજીસ્ટર્ડ ઈન્વેસ્ટરો સાથે નંબર વન છે. બીજા ક્રમે ઉતર પ્રદેશનાં 1.2 કરોડ ઈન્વેસ્ટરો છે ગુજરાતનો ક્રમ ત્રીજો છે. દેશમાં કુલ ઈન્વેસ્ટરોમાં આ ત્રણ રાજયોની સંયુકત ટકાવારી 36.6 ટકા થવા જાય છે.
શેરબજારનાં નિષ્ણાંતોએ કહ્યું કે, નવા ઈન્વેસ્ટરોમાં ક્રેઝ ઉભો કરવામાં પ્રાયમરી માર્કેટે મોટો ભાગ ભજવ્યો છે. ખાસ કરીને જે રીતે આઈપીઓની હારમાળા છે અને તેમાં સારી એવી કમાણી થવાને કારણે આકર્ષણ વધ્યુ છે. શેરબજારમાં છેલ્લા છ મહિનાથી ઉતાર-ચઢાવની સ્થિતિ છે. અન્યથા સંખ્યામાં વધુ 25-25 લાખનો ઉમેરો શકય બનત.
એનએસઈને લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લા પાંચ વર્ષમાં ઈન્વેસ્ટરોની સંખ્યામાં 3.6 ગણો વધારો થયો છે. સરેરાશ દર છ-સાત મહિનામાં નવા એક કરોડ ઈન્વેસ્ટરો ઉમેરાતા રહ્યા છે. વર્તમાન સમયે છેલ્લા પાંચ મહિનામાં એક કરોડ ઈન્વેસ્ટરોનો વધારો થયો છે. છેલ્લા પાંચ માસમાં દરરોજ 47000 થી 73000 ઈન્વેસ્ટરોનો ઉમેરો થતો રહ્યો હતો.
2024 ના કેલેન્ડર વર્ષમાં નિફટીમાં 8.8 ટકા તથા નીફટી 500 ઈન્ડેકસમાં 15.2 ટકાનો વધારો થયો હતો.સળંગ 9 વર્ષથી ભારતીય શેરબજારમાં પોઝીટીવ રીટર્ન મળ્યુ હોવાના કારણોસર ઈન્વેસ્ટરોમાં વિશ્વાસ સતત વધી રહ્યો છે.
એમએસઈનાં ચીફ બીઝનેશ ડેવલપમેન્ટ ઓફીસર શ્રીરામ ક્રિશ્નને પણ કહ્યું કે, નવા કેલેન્ડર વર્ષનાં પ્રથમ મહિનામાં ઈન્વેસ્ટરોનો આંકડો 11 કરોડ થવા સાથે નવા સીમાચીન્હ સ્થાપીત થયુ છે જે ભારતીય શેરબજાર પ્રત્યે ઈન્વેસ્ટરોનો વિશ્વાસ સુચવે છે.