નવી દિલ્હી
રાજકીય પક્ષોને ચૂંટણી દાન માટે ઉપયોગમાં લેવાતા ચૂંટણી બોન્ડ પર સર્વોચ્ચ અદાલતે ગત વર્ષે પ્રતિબંધ મુકયા બાદ હવે ‘ઈલેકટ્રોલ ટ્રસ્ટ’કોર્પોરેટ દાનથી છલકાવા લાગ્યા છે. ટ્રસ્ટ મારફત મોટુ દાન આવતા જાણીતા ટ્રુડેન્ટ ઈલેકટ્રોલ ટ્રસ્ટમાં કોર્પોરેટ દાનનો પ્રવાહ ઘણો વધી ગયો છે. 15 ફેબ્રુઆરીએ સુપ્રિમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મુકયો હતો. ત્યારબાદ 16 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2024 ના દોઢ માસમાં જ ટ્રસ્ટને 1075.7 કરોડનું ડોનેશન મળ્યુ હતું. તેમાંથી 75 ટકા ડોનેશન કોર્પોરેટ ક્ષેત્રનું હતું.
ગત નાણાંકીય વર્ષનાં ટ્રસ્ટના ડોનેશનનો રીપોર્ટ ચૂંટણી પંચની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં રાજકીય પક્ષોને આપવાના થતા દાનમાં ત્રણ ગણો વધારો થયો છે. ગત વર્ષે ટ્રસ્ટને 1075.7 કરોડ મળ્યા હતા.
જયારે 2022-23 માં આ રકમ માત્ર 363 કરોડ હતી.સામાન્ય ચૂંટણી પૂર્વે રાજકીય ડોનેશનમાં વધારો કોઈ અસામાન્ય ઘટના નથી પરંતુ જે રીતે તેમાં વધારો થયો છે તે સૂચક છે.
1 એપ્રિલ 2023 થી 15 ફેબ્રુઆરી 2024 (15 ફેબ્રૂઆરીએ ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મુકાયો હતો) દરમ્યાન ટ્રસ્ટને માત્ર 278.6 કરોડનું જ ડોનેશન મળ્યુ હતું. પરંતુ 16 ફેબ્રુઆરીએ 31 માર્ચ દરમ્યાન તે આંકડો 791.1 કરોડ હતો. અર્થાત ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધના દોઢ માસમાં જ ટ્રસ્ટનો વૈકલ્પિક રૂટ અપનાવી લેવાયો હતો. આનો સીધો અર્થ એવો થાય છે કે કોર્પોરેટ દાતાઓએ ચૂંટણી બોન્ડનો વિકલ્પ તાત્કાલીક શોધી લીધો હતો.
પ્રુડન્ટ ટ્રસ્ટમાં કોર્પોરેટ દાતાઓની સંખ્યા પણ આટલા વર્ષનાં 22 થી વધીને 83 પર પહોંચી ગઈ હતી. સૌથી વધુ 100-100 કરોડ રૂપિયા ડીએલએફ તથા આર્સેલર ગ્રુપે આપ્યા હતા. માથા પ્રોજેકટે 75 કરોડ, મારૂતી સુઝુકી તથા સીઈએસઈએ 60-60 કરોડ, હીટરો ગ્રુપે 55 કરોડ, ટીવીએસ તથા એપોલો ટાયર્સે 50-50 કરોડ, સીપ્લાએ 35.2 કરોડ તથા જીએમઆર ગ્રુપે 26 કરોડ આપ્યા હતા.
ચૂંટણી બોન્ડમાં સૌથી વધુ ખરીદી કરવામાં બીજા ક્રમે મેઘા એન્જીનીયરીંગે 25 કરોડનું ડોનેશન આપ્યુ હતું. ચૂંટણી બોન્ડમાં દાતાઓના નામ ગુપ્ત રાખી શકાતા હતા પરંતુ ટ્રસ્ટ માર્ગે ડોનેશનમાં તમામે ઓળખ આપવાની ફરજીયાત છે.ઈલેકટ્રોલ ટ્રસ્ટે રાજકીય પક્ષોને આપેલા દાનનો આંકડો જાહેર કરવાનો થાય છે. પરંતુ કોઈ કોર્પોરેટ કંપનીએ તેવા પક્ષો માટે દાન આપ્યું હતું તે જાહેર થતુ નથી.
ચૂંટણી પંચની વેબસાઈટ પર જુદા-જુદા ઈલેકટ્રોલ ટ્રસ્ટના ડોનેશન રીપોર્ટ અપલોડ થયા છે. પ્રુડેન્ટલનો આંકડો 1075.7 કરોડનો છે.જયારે ટ્રમ્ફ ટ્રસ્ટનો 132.5 કરોડ, જયભારત ઈલેકટ્રોલ ટ્રસ્ટ 9 કરોડ, પરિવર્તન ઈલેકટ્રોલ ટ્રસ્ટના 1 કરોડ મળ્યા હતા.
પ્રુડેન્ટલ ઈલેકટ્રોલ ટ્રસ્ટના 1075.7 કરોડમાંથી સૌથી વધુ 723.8 કરોડ ભાજપને અપાયા હતા. કોંગ્રેસને 156.4 કરોડ, બીઆરએસને 85 કરોડ, વાયઆરએસ કોંગ્રેસને 72.5 કરોડ ટીડીપીને 3 કરોડ તથા જનસેવા પાર્ટીને 5 કરોડ એમકેને આપ્યા હતા. મોટાભાગના ટ્રસ્ટોનું મોટાભાગનું દાન ભાજપને અપાયુ હતું.