પ્રયાગરાજ : આગામી 13 જાન્યુઆરીથી શરૂ થનારાં વિશ્વનાં સૌથી મોટા મહાકુંભ મેળામાં અનેક તપસ્વીઓ અને હઠ યોગીઓ પહોંચ્યાં છે. તેમની મુશ્કેલ અને અવિશ્વસનીય તપસ્યા જોઈને દરેક વ્યક્તિ દંગ રહી જાય છે.
હઠયોગની પરંપરા સાત શૈવ સંપ્રદાયોના અખાડાઓમાં જોવા મળે છે. જુના, મહાનિર્વાણી, નિરંજની, અવહાન, આનંદ, અટલ અને શ્રી શંભુ પંચ અગ્નિ અખાડાના નાગા સાધુઓ તેમના સમગ્ર પરિવાર અને પોતાનું પિન્ડદાન કરે છે અને સાંસારિક મોહ માયાનો ત્યાગ કરીને આધ્યાત્મિકતાના માર્ગે પ્રયાણ કરે છે.
આમાંનાં કેટલાક હઠીલા નાગા વિશ્વ અને માનવજાતનાં કલ્યાણ માટે હઠ યોગનું પાલન કરે છે. તેઓ તેમનાં શરીર પર એટલો ત્રાસ આપે છે કે સામાન્ય માણસ આ વિચારથી જ ધ્રૂજી ઊઠે છે.
આ અંગે બેલી હોસ્પિટલનાં સિનિયર ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ ડો.અજય રાજપાલે જણાવ્યું હતું કે, જો શરીરનો કોઈ ચોક્કસ ભાગ એ જ સ્થિતિમાં રહે તો થોડાં દિવસો સુધી દુખાવો અનુભવાય છે, પરંતુ જો સ્થિતિ કાયમી હોય તો કોઈ સમસ્યા થતી નથી. દૃઢ નિશ્ચય માનસિક વલણ સાથે સંબંધિત હોય છે.
► 2011થી જમણો હાથ ઊંચો રાખ્યો
વિશ્વ અને સમાજ કલ્યાણની કામના સાથે, જુના અખાડાના મહંત રાધે પુરી 2011 થી પોતાનો જમણો હાથ ઉંચો કરીને રાખ્યો છે. મધ્યપ્રદેશનાં ઉજ્જૈન પાસે રહેતાં મહંત રાધે પુરીની કઠોર તપસ્યાને કારણે તેમનો હાથ લાકડા જેવા થઈ ગયો છે. ન તો તે વળે છે કે ન તો નીચે જાય છે. સૂતી વખતે, જાગતી વખતે, બેસતી વખતે, ખાતી વખતે, પીતી વખતે, મુસાફરી કરતી વખતે કે કારમાં બેસતી વખતે તેમનો એક હાથ ઊંચો જ રહે છે.
► ત્રણ વર્ષથી એક પગ પર ઊભાં છે
અટલ અખાડાના નાગા બાબા ભાગીરથી ગીરી અને નાગા બાબા ખડેશ્વરી છેલ્લાં ત્રણ વર્ષથી ઝૂલાની મદદથી સતત 24 કલાક એક પગ પર ઊભાં છે. તે ઝુલા પર જ ઝૂકીને સૂઈ જાય છે. તેમનો સંકલ્પ છે કે જ્યાં સુધી મહિલાઓ પર અત્યાચાર અને આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી તેઓ આ તપસ્યામાં લીન રહેશે. ખડેશ્વરી બાબા 12 વર્ષ સુધી ખડેશ્વરી તપસ્યા કરી ચૂક્યાં છે, ત્યારબાદ બે વર્ષ સુધી આરામ કર્યો અને પછી ત્રણ વર્ષ સુધી એક પગ પર ઊભાં રહીને હઠયોગ કરી રહ્યાં છે.
► નવ વર્ષથી ડાબો હાથ ઊંચો રાખ્યો
આવાહન અખાડાના મહંત મહાકાલ ગિરીએ નવ વર્ષથી ડાબો હાથ ઉંચો કરી રાખ્યો છે. નાગા બાબા મહાકાલ ગિરી વિશ્વ કલ્યાણ, વિશ્વ શાંતિ, સંરક્ષણ અને સનાતન ધર્મના વિકાસ માટે આ તપસ્યા કરી રહ્યાં છે. તેનો હાથ પણ સાવ લાકડા જેવો થઈ ગયો છે. આંગળીઓ વાંકાચૂકી થઈ ગઈ છે અને નખ આડેધડ રીતે વધ્યાં છે. જ્યારે તેઓ સાત-આઠ વર્ષનાં હતાં ત્યારે તેમણે સન્યાસી પરંપરામાં પ્રવેશ કર્યો હતો. હાલમાં 30 વર્ષની આસપાસનાં છે.
► દસ ડિગ્રીમાં જલઘારા તપસ્યા
સંગમના કિનારે સવારે 4:15 વાગ્યે, લોહી જમાવી દેતી ઠંડીમાં, અટલ અખાડાના નાગા બાબા પ્રમોદ ગિરી ઠંડાં પાણીનાં ડઝનેક ઘડાઓથી સ્નાન કરીને હઠયોગ કરી રહ્યાં છે. 2 જાન્યુઆરીએ તેમણે 51 ઘડા પાણીથી તપસ્યા શરૂ કરી હતી. દરરોજ બે-ત્રણ ઘડાઓ વધી જાય છે. તેમની તપસ્યા 24 દિવસ સુધી ચાલશે અને તેઓ 108 ઘડા પાણીથી સ્નાન કરીને પોતાનો સંકલ્પ પૂરો કરશે. તેમની તપસ્યાનું આ નવમું વર્ષ છે. તેમણે કહ્યું કે તેઓ સાંજે ઘડા ભરીને રાખે છે અને સવારે આ ઠંડાં ગંગાજળથી સ્નાન કરે છે.