નવી દિલ્હી – ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે મંગળવારે જણાવ્યું હતું કે તેણે CVS કેરમાર્ક સાથે ડાયાબિટીસની સારવારમાં ઉપયોગમાં લેવાતી ઝિટુવિઓ, ઝિટુવિમેટ અને ઝિટુવિમેટ એક્સઆર ટેબલેટ્સને તેનાં ટેમ્પલેટ ફોર્મ્યુલરીમાં ઉમેરવા માટે કરાર કર્યો છે.
ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, CVS કેરમાર્ક 1 જાન્યુઆરી, 2025થી ઝાયડસ ઝિટુવિયો અને તેનાં કોમ્બીનેશન્સના ઉત્પાદનોને પોતાના ટેમ્પલેટ ફોર્મ્યુલેટરીમાં ઉમેરશે. ટેમ્પલેટ ફોર્મ્યુલેટરી ડોક્ટર્સ અને મેડિકલ પ્રેક્ટીશનર્સ દ્વારા સૂચવવામાં આવતી એવી દવાઓ, ચિકિત્સા ઉપાયોની યાદી છે જે પૂરાવા આધારિત છે, એટલે કે તેની અસરકારતા પૂરવાર થયેલી છે.
ઝિટુવિઓ અને તેનાં કોમ્બીનેશન્સ ઉત્પાદનોમાં ઝિટુવિઓ (સિટાગ્લિપ્ટિન), ઝિટુવિમેટ (સિટાગ્લિપ્ટિન અને મેટાફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ) અને ઝિટુવિમેટ એક્સ.આર. (સિટાગ્લિપ્ટિન અને મેટાફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ) એક્સટેન્ડેડ રીલીઝ ટેબ્લેટનો સમાવેશ થાય છે.
સિટાગ્લિપ્ટિન (બેઝ) અને કોમ્બિનેશન ફ્રેન્ચાઇઝીના આ ત્રણ એન.ડી.એ.ને અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ્સ એજન્સી (યુ.એસ.એફ.ડી.એ.) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, એમ કંપનીએ જણાવ્યું હતું.
ઝિટુવિયો શ્રેણીના ઉત્પાદનોમાં સક્રિય ઘટકો સિટાગ્લિપ્ટિન અને મેટાફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ (એચ.સી.એલ.) હોય છે, જે એક બિગુઆનાઇડ છે, જે ટાઇપ-2 ડાયાબિટીસ મેલિટસ ધરાવતા પુખ્ત વયના લોકોમાં ગ્લાયકેમિક નિયંત્રણમાં સુધારો લાવવા ગળવા માટે સૂચવવામાં આવે છે.
ઝાયડસ ફાર્માસ્યુટિકલ્સ યુ.એસ.એ. ઇન્કના પ્રમુખ અને સી.ઇ.ઓ. પુનિત પટેલે જણાવ્યું હતું કે આ સંબંધ નવા ડ્રગ એપ્લિકેશન પોર્ટફોલિયોમાં ઝાયડસની વ્યૂહાત્મક હાજરી પૂરવાર કરે છે.
તેમણે ઉમેર્યું હતું કે, “તે અમેરિકી બજારમાં વિવિધ ઉત્પાદનોના અમારા પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવાનો માર્ગ મોકળો કરશે”.
CVS કેરમાર્ક એ યુ.એસ. માં સૌથી વધુ દર્દી-કેન્દ્રિત આરોગ્યસંભાળ સમાધાનો પ્રદાન કરતી સંસ્થાઓમાંની એક છે, એમ પટેલ જણાવ્યું હતું કે, આ ભાગીદારી “દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની દવાઓની સુગમ્યતા વધારવા અને ઓછા ખર્ચ સાથે તેમની આરોગ્યસંભાળની જરૂરિયાતોને પૂર્ણ કરવાની કંપનીની પ્રતિબદ્ધતામાં વધારો કરે છે”.