મુંબઇઃ – ગ્લોબલ ડિઝાઇન અને ટેકનોલોજી સેવાઓ આપતી ટાટા એલ્ક્સીએ વૈશ્વિક સ્તરે માનવરહિત હવાઈયાનો અને નાગરિક ઉડ્ડયનમાં ગતિશીલતા માટે ઝડપથી વિકસતા બજાર વચ્ચે આધુનિયક ઉડ્ડયનક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારી માટે CSIR-નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (CSIR-NAL) સાથે પ્રાથમિક કરાર કર્યો છે.
આ ભાગીદારી વૈશ્વિક અને ભારતીય બજારોમાં કામગીરી માટે NALની ઉચ્ચ એરોનોટિકલ કુશળતા અને ટેકનોલોજી, એ.આઈ./એમ.એલ., સેન્સર ફ્યુઝન અને સર્ટિફીકેશન પ્રોસેસીસમાં ટાટા એલ્ક્સીની તકનીકી ક્ષમતાઓને જોડે છે.
ટાટા એલ્ક્સીએ જણાવ્યું હતું કે, આ ભાગીદારી અદ્યતન પરીક્ષણ માળખું, પધ્ધતિઓ અને કુશળતા સુધીની સુગમ્યતા પ્રદાન કરીને આ ક્ષેત્રો માટે ઉત્પાદન વિકાસ ચક્રને વેગ આપશે.
નિવેદન અનુસાર, બંને ભાગીદારો માનવ અને માનવરહિત ઉડ્ડયન પ્રણાલીઓની અનન્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે એરોડાયનેમિક ડિઝાઇન, સ્વાયત્ત પ્રણાલીઓ અને સુરક્ષિત સંચાર જેવી તકનીકો પર સંયુક્ત રીતે ધ્યાન કેન્દ્રિત કરશે.
“અમારું માનવું છે કે એરોસ્પેસ નવીનીકરણનું ભવિષ્ય UAV અને UAM જેવી તકનીકોમાં રહેલું છે. નેશનલ એરોસ્પેસ લેબ સાથેની આ વ્યૂહાત્મક ભાગીદારી નવીનતાની સીમાઓને આગળ વધારવા અને વૈશ્વિક સ્તરે અમારા ગ્રાહકો માટે ભાવિ પેઢીના એર મોબિલિટી સોલ્યુશન્સના વિકાસને વેગ આપવા માટેની અમારી ક્ષમતાઓને એકીકૃત કરે છે “, એમ ટાટા એલ્ક્સીના મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઇ.ઓ. મનોજ રાઘવને જણાવ્યું હતું.
ભારત મેક-ઇન-ઇન્ડિયા, સ્વદેશીકરણ અને અદ્યતન એર મોબિલિટી સોલ્યુશન્સની વધતી માંગ જેવી પહેલો દ્વારા નોંધપાત્ર તકો આપણી સમક્ષ મૂકી રહ્યું છે તેમ જણાવતા ટાટા એલ્ક્સીએ જણાવ્યું હતું કે આ ભાગીદારી ચોકસાઇપૂર્ણ ઉત્પાદન, ઘટક સપ્લાયર્સ અને ટૂલ વિક્રેતાઓની મજબૂત ઇકોસિસ્ટમના સર્જનમાં ફાળો આપશે.
આ ઇકોસિસ્ટમનો ઉદ્દેશ નવીનીકરણને પ્રોત્સાહન આપવા, તેનું સ્તર ઉન્નત કરવા અને અદ્યતન ઉડ્ડયન પ્રણાલીઓની અનન્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે મુખ્ય હિતધારકોને એક સાથે લાવવાનો છે.
“એરોસ્પેસ સંશોધન અને પરીક્ષણમાં CSIR-NALની ઉચ્ચ કુશળતા, ટાટા એલ્ક્સીની અદ્યતન ટેકનોલોજી અને ડિઝાઇન કુશળતા સાથે, અમને નવીન, સ્કેલેબલ અને સાતત્યપૂર્ણ સમાધાનો વિકસાવવામાં મદદ કરશે જે શહેરી પરિવહનના ભવિષ્યને આકાર આપશે”, તેમ CSIR-NALના ડિરેક્ટર અભય એ. પશિલકરે જણાવ્યું હતું.