નવી દિલ્હી
સુપ્રિમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, તે ધારા-142 અંતર્ગત પોતાની અસાધારણ શકિતઓનો પ્રયોગ કરીને દેશભરમાં વાહન માલિક માટે કલર કોડેડ સ્ટિકર અપ્નાવવાનો આદેશ પસાર કરાવવા પર વિચાર કરી રહી છે. સ્ટિકરમાં પેટ્રોલ-સીએનજી વાહન માટે હવન વાદળી ડીઝલ વાહનો માટે નારંગી રંગનો ઉપયોગ કરવામાં આવશે. જેથી વાહનોની ઓળખ થઈ શકે.
અદાલતે કહ્યું હતું કે માત્ર આદેશ જાહેર કરી દેવાથી વાયુ પ્રદુષણ ખતમ નહીં થાય. બલ્કે આદેશ પર કાર્યવાહી અને સુધારાત્મક ઉપાયોને અસરકારક લાગુ કરીને આ સમસ્યાનું સમાધાન નીકળી શકે છે. હાલ આ નિર્દેશ એનઆરસીમાં લાગુ છે.
પૂરા દેશમાં લાગુ થઈ શકે છે આદેશ:
જસ્ટીસ અભય એસ.ઓકા અને ઓગસ્ટીન જયોર્જ મસીહની પીઠે આ ટીપ્પણી કરતાં કહ્યુ હતું કે જે વાહનોની પાછળ આ કલર સ્ટીકર નથી લાગ્યા તેની વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ.બેન્ચે જણાવ્યું હતું કે દિલ્હી એનસીઆરની તર્જ પર વાહનોના ઈંધણની ઓળખ માટે કલર કોડેડ સ્ટિકર યોજના દેશભરમાં લાગુ થઈ શકે છે.
સુપ્રિમ કોર્ટે આ બાબતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને રાષ્ટ્રવ્યાપી કાર્યાન્વીયનનું મુલ્યાંકન કરવા માટે અન્ય રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોની સાથે પરિવહન સચિવો અને કમિશ્નરોની સાથે બેઠક કરવાનો પણ નિર્દેશ કર્યો છે.