નવી દિલ્હી : સેબીએ મંગળવારે નિયમનકારી માળખા હેઠળ આવતી સંસ્થાઓ માટે તેના સાયબર સિક્યુરિટી સબબ આપૂર્તિ અંગે સ્પષ્ટતા જારી કરી હતી, જેમાં કોમ્પલાયન્સ આપૂર્તિ હાંસલ કરવા માટેની સમયમર્યાદા લંબાવવામાં આવી છે.
સેબીએ ઓગસ્ટમાં સાયબર સિક્યુરિટી પર એક ફ્રેમવર્ક સામે મૂક્યું હતું જેનું કોમ્પલાયન્સ તમામ સંસ્થાઓએ કરવાનું હતું. પરંતુ વિવિધ હિતધારકોની રજૂઆત બાદ આ કોમ્પલાયન્સ (આપૂર્તિ)ની સમયમર્યાદા લંબાવવામાં આવી છે.
ઉપરોક્ત ફ્રેમવર્ક તે સુનિશ્ચિત કરશે કે સેબીના નિયમન હેઠળ આવતી તમામ સંસ્થાઓ સાયબર એટેક, સાયબર થ્રેટ સામે સુસજ્જ હોય. એક પરિપત્ર બહાર પાડી સેબીએ જણાવ્યું છે કે આ કોમપ્લાયન્સ હાંસલ કરવા માટેની સમયમર્યાદા કે જે અગાઉ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૫ નિર્ધારિત કરવામાં આવી હતી તેને ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. ત્યાં સુધી સેબીના હુકુમતક્ષેત્ર હેઠળ આવતી સંસ્થાઓને આ આપૂર્તિ પડતર રહ્યા બદલ પેનલ્ટી કરવામાં નહિ આવે.
ડિપોઝીટરી પાર્ટીસીપેન્ટસ અને કે.વાય.સી. રજીસ્ટ્રેશનની એજન્સીઓ માટે આ સમયમર્યાદા એક દીવસ વધુ લંબાવીને ૧ એપ્રિલ ૨૦૨૫ નિયત કરવામાં આવી છે.
આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ‘ડેટા લોકલાઇઝેન’ની અનિવાર્યતા સબબની આપૂર્તિ હાલ પૂરતી મોકૂફી પર રાખવામાં આવી છે. આ અંગે વિવિધ હિતધારકો સાથે મસલત અને ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવશે.
સાયબર સિક્યોરીટી એન્ડ સાયબર રેઝિલિયન્સ ફ્રેમવર્ક એ સાયબર સુરક્ષા પરની મહત્વપૂર્ણ પહેલ છે અને નાણાં સંસ્થાઓ માટે હાલ તે અત્યંત મહત્વનો વિષય છે. સેબી તે સુનિશ્ચિત કરવા ઇચ્છે છે કે સાયબર થ્રેટ અને સાયબર હુમલા સામે તમામ સંસ્થાઓ સુસજ્જ હોય અને ગમે તેવી કટોકટીના કિસ્સામાં ડેટા રિકવરી ત્વરિત શક્ય હોય.