નવી દિલ્હી : ડિસેમ્બરમાં ભારતનો ઉર્જા વપરાશ અગાઉના વર્ષની સરખામણીએ લગભગ 6 ટકા વધીને 130.40 અબજ યુનિટ (BU) થયો છે. ડિસેમ્બર 2023માં સરકારી આંકડા અનુસાર ઉર્જા વપરાશ 123.17 BU હતો.
એક દિવસમાં સૌથી વધુ પુરવઠો (ઉર્જાની ટોચની માંગ પૂર્તિ) પણ ડિસેમ્બર 2024માં વધીને 224.16 GW થયો હતો, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 213.62 GW હતો. મે 2024માં વીજળીની ટોચની માંગ લગભગ 250 ગીગાવોટની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી.
243.27 GWની અગાઉની ઉર્જાની સર્વકાલીન ઉચ્ચ માંગ સપ્ટેમ્બર 2023માં નોંધવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં, ઊર્જા મંત્રાલયે મે 2024 માટે દિવસ દરમિયાન 235 GW અને સાંજના સમયે 225 GW, જ્યારે જૂન 2024 માટે દિવસના સમયે 240 GW અને સાંજના સમયે 235 GW વીજળીની મહત્તમ માંગનો અંદાજ મૂક્યો હતો.
મંત્રાલયે એવો પણ અંદાજ મૂક્યો હતો કે 2024ના ઉનાળામાં વીજળીની ટોચની માંગ 260 ગીગાવોટ સુધી પહોંચી શકે છે. સરકારી અંદાજો અનુસાર, 2025ના ઉનાળામાં વીજળીની ટોચની માંગ 270 ગીગાવોટ સુધી પહોંચવાની અપેક્ષા છે.
નિષ્ણાતોએ અભિપ્રાય આપ્યો હતો કે ગયા મહિને વીજળીની માંગ તેમજ વપરાશમાં સુધારો મુખ્યત્વે શીત લહેરની સ્થિતિ વચ્ચે હીટર અને ગિઝર જેવા હીટિંગ ઉપકરણોના ઉપયોગમાં વધારાને કારણે જોવા મળ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને ઉત્તર ભારતમાં તાપમાન નીચું જવાને કારણે જાન્યુઆરીમાં વીજળીની માંગ તેમજ વપરાશમાં વૃદ્ધિ વધુ સ્થિર રહેશે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે 2024-25 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં સારી વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે વીજળી અને ઉપભોગની માંગમાં સુધારો થશે.