નવી દિલ્હી, 1 જાન્યુઆરીઃ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે 2024-25ના ત્રીજા ત્રિમાસિકના ઉચ્ચ આવર્તન સૂચકાંકો દર્શાવે છે કે તહેવારની સીઝન દરમ્યાન સારી આર્થિક ગતિવિધિઓ અને ગ્રામીણ માંગમાં સતત વધારાથી અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે.
ભારતે વૈશ્વિક રાજકીય ઉથલપાથલ સામે સજ્જ થવું પડશે, સ્થાનિક ફુગાવાને અંકુશિત રાખવો પડશે અને ખાનગી ક્ષેત્રને વધુ ખર્ચ કરવા માટે દબાણ કરવું પડશે, કારણ કે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અગ્રેસર અર્થવ્યવસ્થાને 2025 માં કેટલાંક ત્રિમાસિકો દરમ્યાન ખુબ સારો દેખાવ કરવો પડશે, જે સપ્ટેમ્બર ત્રિમાસિકના નરમ પરિમાણોની ભરપાઇ કરી શકે.
તહેવારો દરમ્યાન વપરાશ અને ગ્રામીણ માંગને કારણે 2025માં સારી વૃદ્ધિ સાથે ભારતનું અર્થતંત્ર ફરી આગેવાની લેવાની અપેક્ષા છે. ફેબ્રુઆરીમાં વ્યાજદરમાં ઘટાડો શક્ય છે, અને કેન્દ્રીય બજેટ 2025-26 માટે આર્થિક રોડમેપની રૂપરેખા આપશે.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જેને “કામચલાઉ ઝટકો” ગણાવ્યો હતો તે જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં દેશની આર્થિક વૃદ્ધિ 7-8 ટકાના દરથી ઘટીને 5.4 ટકાના સાત ત્રિમાસિક ગાળાના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી.
વૃદ્ધિ વિરુદ્ધ ફુગાવાની ચર્ચાએ નાણાં મંત્રાલય અને રિઝર્વ બેંકને અલગ-અલગ પ્રાથમિક લક્ષ્યાંકો તરફી બનાવ્યા હોઇ, તમામની નજર ફેબ્રુઆરીમાં વ્યાજદરમાં સંભવિત ઘટાડા પર પણ રહેશે જ્યારે મધ્યસ્થ બેંકની નાણાં-નીતિ પેનલ નવા ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં પ્રથમ વખત મળશે. પેનલની બેઠક કેન્દ્રીય બજેટની આસપાસના ગાળામાં યોજાશે, જે મોદી સરકારના આર્થિક અને રાજકોષીય રોડમેપને રજૂ કરશે.
ખાસ કરીને વૈશ્વિક તણાવના સંદર્ભમાં અને ડોનાલ્ડ ટ્રમ્પના આગામી રાષ્ટ્રપતિપદના સંદર્ભમાં, નિષ્ણાતોનો અભિપ્રાય છે કે ભારતની સંભાવનાઓ ઉજ્જવળ છે, કારણ કે મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ મજબૂત છે. 2024-25 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.6 ટકા અને 2025-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે 6.9 ટકા રહેવાનો અંદાજ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અનુસાર આગામી નાણાં-વર્ષમાં જૂન ત્રિમાસિક દરમ્યાન વિકાસદર 7.3 ટકા રહેવાનું અનુમાન છે.
નિષ્ણાતોનું માનવું છે કે, ૨૦ જાન્યુઆરીના રોજ સંયુક્ત રાજ્યો અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળનાર ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ અને નીતિગત પગલાં પર વૈશ્વિક અર્થતંત્રનો ઘણો નિર્ભર રહેશે. ભારત તેમજ અન્ય દેશોમાં શેરબજારો, નાણાં બજારો અને કરન્સીમાં હાલની અસ્થિરતાને નકારી શકાય નહીં.
બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે જણાવ્યું છે કે, “આગામી વર્ષ માટે ભારતીય અર્થતંત્રની સંભાવનાઓ ઉજ્જવળ દેખાઈ રહી છે અને અમે નાણાકીય વર્ષ 25 માટે અપેક્ષિત 6.6-6.8 ટકાથી પણ ઉપર 7 ટકાના આંકને પાર કરવાની અપેક્ષા રાખીએ છીએ”. તેમણે ઉમેર્યું હતું કે, આગામી મહિનાઓમાં મોંઘવારી દરમાં ઘટાડો મહત્વપૂર્ણ પરિબળ રહેશે જે ઉપભોગ અને વપરાશમાં વૃદ્ધિ લાવશે, જેને પગલે કન્ઝ્યુમર ગૂડ્ઝ સેગમેન્ટમાં ખાનગી રોકાણમાં વધારો થશે-જે અત્યાર સુધી જોવા નથી મળ્યું.
નિષ્ણાતોએ એમ પણ કહ્યું હતું કે વ્યાજદરોમાં ઘટાડો, જે ફેબ્રુઆરી 2023 થી અટવાયેલો છે, તેના પર જ્યારે રિઝર્વ બેંક નિર્ણય લેશે ત્યારે તે અર્થતંત્ર માટે એક મોટો બુસ્ટર બની રહેશે. ફેબ્રુઆરી 2023થી ટૂંકા ગાળાના ધિરાણનો બેન્ચમાર્ક દર 6.5 ટકા પર યથાવત રહ્યો છે.
ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું છે કે વૈશ્વિક સ્તરે વધતી અનિશ્ચિતતા, રાજનીતિ અસ્થિરતાઓ અને ઘર્ષણો, મધ્યસ્થ બેંકની વ્યાજદરો બાબતની નીતિ અને કોમોડિટીના ભાવ, ટેરિફના જોખમો વગેરે વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સંભાવનાઓ ખૂબ જ ઉજ્જવળ દેખાય છે.”સરકારની રાજકોષીય નીતિ કેવી રહેશો તેનો ચિતાર આપનાર આગામી નાણાં-વર્ષ 2026નું કેન્દ્રીય બજેટ અને પછી આગામી નાણાં પંચની ભલામણો રાજકોષીય નીતિ માટે દિશા નિર્ધારિત કરશે. વૈશ્વિક અનિશ્ચિતતા અને નિકાસ પર તેમની સંલગ્ન અસરને ધ્યાનમાં રાખતાં ખાનગી ક્ષેત્રની ક્ષમતામાં વધારો કંઈક અંશે ધીમો રહી શકે છે. “, સુશ્રી નાયરે જણાવ્યું હતુ. ગયા મહિનાની જેમ રૂપિયો સમાચારોના મથાળાં ચમકાવી શકે છે, એમ નાયરે જણાવ્યું હતું.
નાણાં મંત્રાલયના તાજેતરના અહેવાલ અનુસાર, સરકાર રાજકોષીય વિવેક બાબતે પ્રતિબદ્ધ છે. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ માટે બજેટમાં જાહેર કરાયેલા રાજકોષીય એકસૂત્રી માર્ગને અનુસરવા અને નાણાં-વર્ષ પૂરુ થવા સુધીમાં જીડીપીના 4.5 ટકાથી ઓછી રાજકોષીય ખાધના સ્તરને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, જાહેર ખર્ચની ગુણવત્તામાં સુધારો કરવા પર વધુ ભાર આપવામાં આવશે, સાથે જ ગરીબો અને જરૂરિયાતમંદો માટે સામાજિક સુરક્ષા-વ્યાપને મજબૂત બનાવશે. આ અભિગમ દેશના મેક્રો-ઇકોનોમિક ફંડામેન્ટલ્સને વધુ મજબૂત બનાવવામાં અને એકંદર નાણાકીય સ્થિરતાને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં એક ચર્ચાનો જવાબ આપતા કહ્યું હતું કે, બીજા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતાં નીચો એવો 5.4 ટકાનો કુલ ઘરેલુ ઉત્પાદન વૃદ્ધિદર “અસ્થાયી મંદી” હતી અને આગામી ત્રિમાસિકમાં અર્થતંત્રમાં સારી વૃદ્ધિ જોવા મળશે.
રિઝર્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ, ભારતીય અર્થતંત્ર અને નાણાકીય વ્યવસ્થા મજબૂત અને સ્થિર છે, જે સબળ મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ, બેંકો અને નાણાં સંસ્થાઓની બેલેન્સ-શીટમાં સાફસૂફી અને વૈશ્વિક સ્પિલઓવર વિશે કેટલીક મુશ્કેલીઓ હોવા છતાં નાણાં-મૂડી બજારોમાં અન્યોની સરખામણીએ ઓછી અસ્થિરતાથી પૂરવાર થાય છે.” હાલના આ ઘટાડા છતાં, માળખાકીય વિકાસના પરિબળો અકબંધ છે.
અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે, સ્થાનિક પરિબળો, મુખ્યત્વે જાહેર વપરાશ અને રોકાણ, સેવાક્ષેત્ર દ્વાર થતી નિકાસ અને તરલતાયુક્ત નાણાકીય પરિસ્થિતિઓમાં સતત સુધારને કારણે 2024-25 ના ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિમાં સુધારો થવાની અપેક્ષા છે.
અહીં એ નોંધવું રહ્યું કે નાણાં મંત્રાલયે તેની નવેમ્બરની માસિક આર્થિક સમીક્ષામાં એવી ચિંતા વ્યક્ત કરી હતી કે પ્રથમ અર્ધવાર્ષિકમાં મંદીમાં માળખાકીય પરિબળોએ પણ ફાળો આપ્યો હોવાની શક્યતાને નકારી ન શકાય.
રિઝર્વ બેંકના નવા ગવર્નર શ્રી મલ્હોત્રાએ નાણાકીય સ્થિરતા અહેવાલની પ્રસ્તાવનામાં જણાવ્યું હતું કે, વૈશ્વિક મેક્રો-ફાઇનાન્શિયલ સિસ્ટમમાં અનિશ્ચિતતા હોવા છતાં, 2024-25 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં આર્થિક પ્રવૃત્તિઓની ગતિમાં મંદી પછી ભારતીય અર્થતંત્રની સંભાવનાઓમાં સુધારો થવાની અપેક્ષા છે. શ્રી મલહોત્રાએ એમ પણ જણાવ્યું હતું કે, “આગામી વર્ષ માટે વપરાશકાર અને ઉદ્યોગ જગતને ઊંચો વિશ્વાસ છે અને રોકાણની સંભાવનાઓ વધુ ઉજ્જવળ છે કારણ કે ઉદ્યોગજગત મજબૂત નાણાં-સરવૈયા અને ઉચ્ચ નફાકારકતા સાથે 2025માં આગળ વધી રહ્યા છે.”
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના જણાવ્યા અનુસાર, વધતા વૈશ્વિક રાજકીય તણાવ, મોટાં દેશોમાં ચૂંટણીઓ પછી વેપાર અને ઔદ્યોગિક નીતિઓ વિશે અનિશ્ચિતતા અને લિક્વિડિટીમાં સંભવિત ઘટાડા જેવા નકારાત્મક જોખમો વૈશ્વિક ઉત્પાદનને પાયાના અંદાજો કરતાં નીચે લાવી શકે છે.