ભારતના પરિવારો પાસે હજારો ટન સોનુ રહેલું છે પરંતુ છેલ્લા ત્રણ કે ચાર વર્ષથી સર્જાયેલા એક નવા ટ્રેન્ડમાં સોના ધીરાણ વધ્યું છે અને તેની સાથે તેમાં ડીફોલ્ટરની સંખ્યા પણ સતત વધી ગઇ છે. રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ સોનાની લોનમાં એપ્રિલ-જુન માસના સમયમાં નોન પર્ફોમીંગ એસેટસ (એનપીએ)નું પ્રમાણ 30 ટકા જેટલું વધી ગયું છે.
બેન્કો તથા નોન બેન્કીંગ ફાઇનાન્સ કંપનીઓએ જે સોનાનુ ધિરાણ કર્યું છે તે વધીને રૂ.6,696 કરોડ નોંધાયું છે જે અગાઉના ત્રણ માસમાં રૂા.5,149 કરોડ હતું દેશમાં 2022-23ના સમયગાળામાં સોનાના ધિરાણમાં 14.6 ટકાનો વધારો નોંધાયો છે.
રીઝર્વ બેન્કે જણાવ્યું કે, વ્યાપારી બેંકોના ગોલ્ડ લોનનું પ્રમાણમાં એનપીએ 62 ટકા વધીને રૂ.2,445 કરોડ થયું છે. જ્યારે તે માર્ચ-2024માં રૂ.1513 કરોડ હતું જ્યારે નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓનું સોનાનું એનપીએ જે માર્ચ-2024ના રૂા.3636 કરોડ હતું તે વધીને 4251 કરોડ નોંધાયું છે.
સોના ધિરાણમાં જે રીતે ભાવ વધ્યા છે તે પછી આ ધિરાણ મેળવનારની સંખ્યા વધી છે પરંતુ મંદી આવતા લોકો ગીરવે મુકેલું સોનુ છોડાવી શક્તા નથી તે પણ નિશ્ચિત બન્યું છે. બેન્કો એક તરફ પોતાનું એનપીએ ઘટાડવામાં સફળ રહી છે પરંતુ સોનાના ધિરાણમાં ડીફોલ્ટ વધતા બેન્કોની ચિંતા વધી છે.