અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એર કવોલિટી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં રૃપિયા ૪૨૫.૮૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ છતાં શહેરમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહયો છે.પિરાણા ડમ્પસાઈટ ઉપરાંત રખિયાલ,સરદાર પટેલ સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય ઉપર ખતરો વધી રહયો છે. પિરાણા ખાતે ૨૬ ડિસેમ્બરે એર કવોલીટી ઈન્ડેકસ ૩૨૦ નોંધાયો હતો.રખિયાલમાં ૨૮ ડિસેમ્બરે એકયુઆઈ ૨૧૧ તથા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ૨૭ ડિસેમ્બરે ૨૭૬ એર કવોલીટી ઈન્ડેકસ નોંધાવા પામ્યો હતો.
એર કવોલીટી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સરકાર તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષ-૨૦૨૦થી ૨૦૨૫ સુધીના પાંચ વર્ષના સમયમાં આપવામા આવેલી રૃપિયા ૪૨૫.૮૩ કરોડની ગ્રાન્ટ પૈકી સૌથી વધુ રૃપિયા ૨૫૨.૭૧ કરોડ રોડની કામગીરી પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવી છે. પાંચ વર્ષમાં આટલી મોટી રકમનો ખર્ચ કર્યા પછી પણ મ્યુનિ.તંત્રના ઈજનેર વિભાગની બેદરકારી અને યોગ્ય સુપરવિઝનના અભાવે વહેલી સવાર અને સાંજના સમયે શહેરના પિરાણા ઉપરાંત ગોતા સહીતના મ્યુનિ.હદમાં સમાવવામા આવેલા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી રહી છે.
શહેરના રખિયાલ ઉપરાંત રાયખડ જેવા વિસ્તારોમાં ટ્રાફિક જામની પરિસ્થિતિને લઈ હવાના પ્રદૂષણમાં સતત વધારો થતો જોવા મળી રહયો છે. એર કવોલીટી ઈન્ડેકસને લઈ મળેલી માહીતી મુજબ ૨૩થી ૨૯ ડિસેમ્બર-૨૪ સુધીના સાત દિવસ દરમિયાન શહેરના દસ વિસ્તારમાં ૧૦૦થી ઉપર એર કવોલીટી ઈન્ડેકસ નોંધાવા પામ્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરના જે વિસ્તારોમાં હવાનુ પ્રદૂષણ વધતુ હોય તેવા વિસ્તારોમાં મિસ્ટમશીનથી પાણીનો છંટકાવ કરવાનો થોડા સમય પહેલા પ્રયાસ કરવામા આવ્યો હતો. પરંતુ થોડા સમય પછી મ્યુનિ.તંત્ર જે તે વિસ્તારના લોકોના વિરોધ કે અન્ય કારણથી મિસ્ટમશીનથી પાણીનો છંટકાવ કરવાનું બંધ કરી દીધુ હોવાનુ જાણવા મળ્યુ છે.
એર કવોલીટી ઈન્ડેકસ કયાં-કયાં?
૨૩થી ૨૯ ડિસેમ્બર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરના જુદા જુદા દસ સ્પોટ ઉપર એર કવોલીટી ઈન્ડેકસ માપવામાં આવતા મહત્તમ ઈન્ડેકસ આ મુજબ નોંધાવા પામ્યો હતો.
મહત્તમ ઈન્ડેકસ
ચાંદખેડા ૨૩૯
ગ્યાસપુર ૩૨૦
મણીનગર ૧૮૭
રાયખડ ૧૪૫
રખિયાલ ૨૧૧
બોપલ ૧૭૦
સેટેલાઈટ ૧૯૫
એરપોર્ટ ૧૭૮
સ.પ.સ્ટેડિયમ ૨૭૬
વટવા,જીઆઈડીસી ૧૮૫