પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે ગુરુવારે (26મી ડિસેમ્બર) દિલ્હી એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી દેશમાં શોકની લહેર છે. ડૉ. મનમોહન સિંહના નિધનથી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાનથી લઈને વિપક્ષના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેમના અંતિમ સંસ્કાર શનિવારે (28મી ડિસેમ્બર) કરવામાં આવશે.
હવે સવાલ એ છે કે જ્યારે ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે નિધન થયું તો શુક્રવારે (27મી ડિસેમ્બર) તેમના અંતિમ સંસ્કાર કેમ નથી કરવામાં આવ્યા? આખરે શા માટે તેને શનિવાર સુધી મોકૂફ રાખવામાં આવ્યો? આ વિલંબનું કારણ શું છે અને તેનું અમેરિકા કનેક્શન શું છે? આ બધા સવાનો જવાબ એ છે કે, તેમની પુત્રી અમેરિકામાં રહે છે. જ્યાં સુધી તેમની પુત્રી ન આવે ત્યાં સુધી તેમના અંતિમ સંસ્કાર થઈ શકે નહીં.
ડૉ. મનમોહન સિંહની પુત્રી આજે રાત્રે અમેરિકાથી પરત ફરશે. તેથી આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં. શનિવારે સવારે 8થી 10 વાગ્યાની વચ્ચે મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે કોંગ્રેસ મુખ્યાલયમાં રાખવામાં આવશે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત તમામ મોટા નેતાઓ કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપશે. જે બાદ પૂર્વ પીએમ મનમોહન સિંહની અંતિમ યાત્રા કોંગ્રેસ મુખ્યાલયથી જ શરુ થશે.
સૂત્રોના જણાવ્યાનુસાર, ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજઘાટ કરાશે. કોંગ્રેસ અટલ બિહારી વાજપેયીની જેમ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટે જગ્યાની માંગ કરશે. મનમોહન સિંહ લાંબા સમયથી બીમાર હતા. હાલ તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે.