બહુમતી હિસ્સો લીધા પછી અલ્ટ્રાટેક સિમેન્ટે ઇન્ડિયા સિમેન્ટ્સનું અધિગ્રહણ પૂર્ણ કર્યું છે. એન. શ્રીનિવાસન અને અન્ય પ્રમોટરોએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ સોદો દક્ષિણ ભારતના સિમેન્ટ બજારમાં અલ્ટ્રાટેકની કામગીરીને વધુ વિસ્તૃત કરશે.
અગ્રણી સિમેન્ટ ઉત્પાદક અલ્ટ્રાટેકે ઇન્ડિયા સિમેન્ટ્સ લિમિટેડમાં પ્રમોટર્સના શેર-હોલ્ડિંગ હિસ્સાનું એટલે કે 32.72 ટકાનું, અધિગ્રહણ પૂર્ણ કર્યું છે, જેના પગલે શ્રી એન. શ્રીનિવાસન અને દક્ષિણ સ્થિત સિમેન્ટ ઉત્પાદકના અન્ય પ્રમોટરોએ રાજીનામું આપ્યું છે.
આદિત્ય બિરલા જૂથની કંપની અલ્ટ્રાટેક સિમેન્ટે ઇન્ડિયા સિમેન્ટ્સ લિમિટેડ (આઇ.સી.એલ.) ના 2 કરોડ ઇક્વિટી શેર્સનું અધિગ્રહણ પૂર્ણ કર્યું છે, જે કંપનીની ઇક્વિટી શેર્સ મૂડીના 1 ટકા જેટલું હતું.
અલ્ટ્રાટેક સિમેન્ટે સ્ટોક એક્સચેન્જોને માહિતી આપી છે કે, ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડની ઇક્વિટી શેર્સ મૂડીના 7.05 કરોડ ઇક્વિટી શેર્સ (22.77%) ના હાલના શેર્સહોલ્ડિંગ સાથે, આ અધિગ્રહણના પગલે કંપનીનું શેર્સહોલ્ડિંગ વધીને 17.19 કરોડ ઇક્વિટી શેર્સ થયું છે, જે ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડની ઇક્વિટી શેર્સ મૂડીના 55.49% છે.
પરિણામે, 24 ડિસેમ્બર 2024થી ઇન્ડિયા સિમેન્ટ અલ્ટ્રાટેક સિમેન્ટની પેટાકંપની બની ગઈ છે.
બુધવારે ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડે સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી કે, વ્યવહાર પૂર્ણ થવાને પગલે કંપની પર હાલના પ્રમોટર્સના નિયંત્રણનો અંત આવ્યો છે, જેને પગલે એન. શ્રીનિવાસને વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના પદેથી રાજીનામું આપ્યું છે.
આ ઉપરાંત તેમની દીકરી રૂપા ગુરુનાથ, પત્ની ચિત્રા શ્રીનિવાસન અને ડાયરેક્ટર વી.એમ. મોહને પણ કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે.
સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી માહિતી અનુસાર, 24 ડિસેમ્બર 2024ના રોજ ઉપરોક્ત ટ્રાન્સેક્ઝનને પગલે અલ્ટ્રાટેકે ઇન્ડિયા સિમેન્ટ કંપનીનું સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે અને તે એલ.ઓ.ડી.આર. નિયમો અનુસાર ઇન્ડિયા સિમેન્ટ કંપનીની પ્રમોટર બની ગઇ છે.
વધુમાં, બોર્ડે કેટલાક ઇન્ડીપેન્ડેન્ટ ડિરેક્ટર્સ – એસ. બાલાસુબ્રમણ્યમ આદિત્યન, કૃષ્ણ શ્રીવાસ્તવ, લક્ષ્મી અપર્ણા શ્રીકુમાર અને સંધ્યા રાજનના રાજીનામા પણ લીધા હતા, જે 25 ડિસેમ્બર, 2024ના રોજ કામકાજના કલાકોના અંતથી અમલી થયા હતા.
બોર્ડે ચાર નવા ડિરેક્ટર્સ – કે.સી. ઝાંવર, વિવેક અગ્રવાલ, ઈ.આર. રાજ નારાયણન અને અશોક રામચંદ્રન અને ત્રણ ઇન્ડીપેન્ડેન્ટ ડિરેક્ટર્સ – અલકા ભરુચા, વિકાસ બાલિયા અને સુકન્યા કૃપાલુની પણ નિમણૂક કરી છે.
ગયા અઠવાડિયે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ રૂ.7,000 કરોડથી વધુ મૂલ્યની એક્વિઝિશન ડીલને મંજૂરી આપી હતી, જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટના પ્રમોટર ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ ઇન્ડિયા સિમેન્ટ્સ લિ.માં બહુમતી હિસ્સો અધિગ્રહિત કરવાનું પ્રસ્તાવિત કર્યું હતું.
બજારમાં સ્પર્ધાત્મકતાના પ્રસારની દેખરેખ રાખતા નિયમનકારે અલ્ટ્રાટેક સિમેન્ટને ઓપન ઓફર દ્વારા ઇન્ડિયા સિમેન્ટ્સની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના 26 ટકા સુધી અધિગ્રહિત કરવાની મંજૂરી પણ આપી હતી.
28 જુલાઈના રોજ અલ્ટ્રાટેક સિમેન્ટે રૂ. 3,954 કરોડનાં સોદામાં પ્રમોટર અને તેમના સહયોગીઓ પાસેથી ઇન્ડિયા સિમેન્ટ્સ લિમિટેડ (ICL) માં 32.72 ટકા હિસ્સો હસ્તગત કરવાની જાહેરાત કરી હતી, જે દક્ષિણ ભારતના અત્યંત સ્પર્ધાત્મક અને ઝડપથી વિકસતા સિમેન્ટ બજારમાં તેના કારોબારનો વિસ્તાર કરશે. આ ઉપરાંત, અલ્ટ્રાટેકે તેના શેરધારકો પાસેથી ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડનો 26 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે રૂ. 3,000 કરોડની ઓપન ઓફરની પણ જાહેરાત કરી છે.
અગાઉ જૂનમાં અલ્ટ્રાટેકે ઇન્ડિયા સિમેન્ટના 23 ટકા શેર્સ હસ્તગત કર્યા હતા અને ઇન્ડિયા સિમેન્ટ્સ લિમિટેડ (ICL) માં દામાણી ગ્રુપનો હિસ્સો બે બ્લોક ડીલ દ્વારા ખરીદ્યો હતો, જેનું મૂલ્ય અંદાજે રૂ. 1,900 કરોડ હોવાનો અંદાજ છે.
ભારતીય સિમેન્ટ ઉદ્યોગમાં બે કોર્પોરેટ ગૃહો-કુમાર મંગલમ બિરલાના નેતૃત્વવાળું આદિત્ય બિરલા જૂથ અને ગૌતમ અદાણીના અદાણી જૂથ વચ્ચે તીવ્ર હરીફાઈ જોવા મળી રહી છે. અદાણી જૂથ નાણાં વર્ષ 2028 સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતા 140 એમ.ટી.પી.એ. (મિલિયન ટન પર એનમ) સુધી વધારવાની યોજના ધરાવે છે, જે માર્કેટ લીડર અલ્ટ્રાટેકની ક્ષમતા કરતાં થોડી ઓછી છે, જે ગ્રે સિમેન્ટની 156.66 એમ.ટી.પી.એ. છે. અદાણી સિમેન્ટે તાજેતરમાં સી. કે. બિરલા ગ્રૂપની કંપની ઓરિએન્ટ સિમેન્ટના અધિગ્રહણની જાહેરાત કરી હતી, જેના દ્વારા તે નાણાં વર્ષ 2025ના અંત સુધીમાં વાર્ષિક 100 એમ.ટી. (મિલિયન ટોન) ની ક્ષમતા હાંસલ કરશે અને દેશમાં એકંદર બજાર હિસ્સામાં 2 ટકાનો વધારો કરશે. તેણે સૌરાષ્ટ્ર સ્થિત સિમેન્ટ કંપની સાંઘી ઇન્ડસ્ટ્રીઝ અને પેન્ના ઇન્ડસ્ટ્રીઝનું અધિગ્રહણ પૂર્ણ કર્યું છે અને તાજેતરમાં તેની વ્યૂહરચનાના ભાગરૂપે સી. કે. બિરલા જૂથની કંપની ઓરિએન્ટ સિમેન્ટના અધિગ્રહણની જાહેરાત કરી છે.
આદિત્ય બિરલા ગ્રૂપ નાણાં વર્ષ 2027 સુધીમાં 200 એમ. ટી. પી. એ. ક્ષમતા સાથે તેની લીડ જાળવી રાખવાની યોજના ધરાવે છે. અલ્ટ્રાટેક પણ કેસોરમ ઇન્ડસ્ટ્રીઝના સિમેન્ટ વ્યવસાયને હસ્તગત કરવાની પ્રક્રિયામાં છે અને નિયમનકારની મંજૂરીની રાહ જોવાઇ રહી છે.