કાંકરિયા કાર્નિવલમાં સવારે 6થી 10 દરમિયાન યોગા, પ્રાણાયમ, ફિટનેસ, અલગ-અલગ પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બપોરના 3થી 5 વાગ્યામાં લોકો વધુને વધુ ભાગીદારી નોંધાવે તેવા કાર્યક્રમો રાખવામાં આવ્યાં છે, જેમાં આર્ટ ઍન્ડ કલ્ચરમાં ટેટુ મેકિંગ, મહેંદી વર્કશોપ, ફોટોગ્રાફી વર્કશોપ, ગેમિંગ ઝોનમાં વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સાંજે આશરે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લેસર શો, ગન શો, સ્ટીલ્ટ વોકિંગ, એક્વાયર શો, ફાયર શો, સર્કસ સહિતના અલગ-અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
નો પાર્કિંગ, નો સ્ટોપ, નો યુ-ટર્ન ઝોન જાહેર
25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલને લઈને ટ્રાફિક-પોલીસ દ્વારા નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કાંકરિયા ચોકી ત્રણ રસ્તા થઈ રેલવે યાર્ડ થઇ ખોખરા બ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થઇ પુષ્પકુંજ સર્કલ થઇ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઇ ફૂટબોલ ચાર રસ્તા થઇ લોહાણા મહાજનવાડી થઇ પરત કાંકરિયા ચોકી સુધીના સર્કલ પર તેમજ સમગ્ર કાંકરિયા તળાવ ફરતે ટૂ-વ્હીલરથી ઉપરના કોઇપણ પ્રકારનાં વાહનો સ્ટોપ થઈ શકશે નહીં. તમામ વાહનો નિર્ધારિત પાર્કિંગ જગ્યા સિવાય બીજી કોઈપણ જગ્યાએ પાર્ક થઇ શકશે નહીં. સમગ્ર કાંકરિયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવા છતાં કોઈપણ જગ્યાથી યુ ટર્ન લઇ શકાશે નહીં. આ સમગ્ર વિસ્તારને નો યુ ટર્ન ઝોન તરીકે જાહેર કરાયો છે.