મુંબઇ
દેશની સૌથી આધુનિક એવી વંદે ભારત ટ્રેન રસ્તો ભટકીને ગોવાને બદલે જુદા માર્ગે પહોંચી જતા રેલ્વે તંત્રમાં ખળભળાટ સર્જાયો હતો. તેના કારણે મુંબઇમાં લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઇ હતી. અધવચ્ચેથી જ વંદે ભારતને પાછી વાળવામાં આવી હતી અને મુળ માર્ગે રવાના કરવામાં આવી હતી.
આ ચોંકાવનારી ઘટનાની વિગતો પ્રમાણે મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મીનલથી મડગાંવ (ગોવા) માટે રવાના થયેલી વંદે ભારત થાણે જિલ્લામાં રસ્તો ભટકી ગઇ હતી. દિવા સ્ટેશનથી આ ટ્રેને પનવેલ તરફ જવાનું હતું જેના બદલે કલ્યાણ તરફ વળાંક લઇ લીધો હતો.
રેલ્વે વિભાગના સુત્રોએ કહ્યું કે, સિગ્નલમાં ખામીના કારણે આ બનાવ બન્યો હતો. અધવચ્ચે બનાવની જાણ થતા વંદે ભારતને પાછી વાળવામાં આવી હતી. આ ઘટનાથી મધ્ય રેલવેની મુંબઇની લોકલ ટ્રેન સેવા અસ્ત વ્યસ્ત બની હતી.
વંદે ભારતને ફરી કલ્યાણ સ્ટેશન લાવવામાં આવી હતી અને અર્ધા કલાક જેવા સમય બાદ દિવા તરફ રવાના કરવામાં આવી હતી. ટ્રેનને 3પ મીનીટ સુધી દિવા સ્ટેશને રોકી રાખવામાં આવી હતી.
રેલ્વેના સુત્રોએ એવો દાવો કર્યો કે આ પ્રકારની ઘટના બહુ ભાગ્યે જ બનતી હોય છે. મુંબઇની ઓટોમેટીક સિગ્નલ સિસ્ટમ હોવાથી આ પ્રકારની ઘટના લગભગ અશકય હોય છે છતાં કેવી રીતે બનાવ બન્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. વંદે ભારત ટ્રેન ગોવા દોઢ કલાક મોડી પહોંચી હતી.