નવી દિલ્હી
પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં ડબલ બ્રોન્ઝ મેડલ વિજેતા બનેલી મનુ ભાકરને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી બાકાત રાખવામાં આવતા વિવાદ ઉઠ્યો હતો. આ મુદ્દે મનુ ભાકરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, પ્રતિષ્ઠિત ખેલ રત્ન એવોર્ડ માટેનું ફોર્મ ભરવામાં મારા તરફથી ક્ષતિ થઈ છે.
ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરને ખેલ રત્નના સંભવિતોની યાદીમાં સામેલ નહીં કરતા આ મામલે વિવાદ થયો હતો. રમત મંત્રાલયે જણાવ્યું હતું કે, હજી સુધી એવોર્ડ વિજેતાઓની યાદીને આખરી ઓપ અપાયો નથી.
જો કે રમત મંત્રાલય દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસના બીજા જ દિવસે 22 વર્ષીય શૂટર મનુ ભાકરે સોશિયલ મીડિયા પર પોતાને શા માટે ખેલ રત્ન એવોર્ડ નથી મળી રહ્યો તેનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
મનુએ માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ પર લખ્યું કે, પ્રતિષ્ઠિત ખેલ રત્ન એવોર્ડના નામાંકિત ખેલાડીઓની યાદીમાં મારું નામ નહીં હોવાના વિવાદમાં હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે, એક એથ્લીટ તરીકે મારી ભૂમિકા દેશ માટે રમતા સારો દેખાવ કરવાની છે. મારા મતે એવોર્ડના નામાંકન ફોર્મમાં મારા પક્ષે કોઈ ચૂક થઈ છે.
હરિયાણાની પિસ્તોલ શૂટરે વધુમાં ઉમેર્યું કે, મારું ધ્યેય દેશ માટે રમવાનું છે અને હું એવોર્ડ મેળવું અથવા ના મેળવું તેનાથી ધ્યેય બદલાશે નહીં. મનુના પિતા રામક્રિષ્ના ભાકર અને તેના કોચ જસપાલ રાણાએ જણાવ્યું કે, મનુના ખેલ રત્નનના વિવાદને લઈને તેનું મનોબળને અસર થઈ છે તથા દેશ માટે દેખાવ કરવાના જુસ્સા પર પણ અસર થઈ છે.
એવોર્ડ તેમજ ખ્યાતિથી પ્રેરિત કરે છે પરંતુ તે મારું લક્ષ્ય નથી. એવોર્ડ વગર પણ હું પ્રેરિત રહીને દેશ માટે વધુ મેડલ મેળવીશ. મારી તમામને અપીલ છે કે, કૃપા કરીને અફવાઓ ફેલાવશો નહીં, તેમ મનુએ જણાવ્યું હતું.
ખેલ રત્ન તથા અર્જુન એવોર્ડ માટેની પસંદગી કમિટીના વડા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ વી સુબ્રમણિયન છે. આ ઉપરાંત કમિટીમાં પૂર્વ મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ, બોક્સર વિજેન્દર સિંઘ અને ક્રિકેટર અનિલ કુંબલેનો સમાવેશ થાય છે.
મનુ સ્વતંત્ર ભારતની પ્રથમ એથ્લીટ છે જેણે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત ઈવેન્ટમાં તથા 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમમાં સરબજોત સિંઘ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.