ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો કે, જો ફ્લેટ કે દુકાનધારકો દ્વારા કથિત રીતે બિલ્ડરને આજીવન મેન્ટેનન્સની રકમ આપી હોય અને પછી સોસાયટી હેન્ડઓવર કરીને હોદ્દેદારોની નિમણૂક કર્યા બાદ તે રકમ સોસાયટીના બેંક ખાતામાં જોઇતી હોય તો તેના માટે પુરાવા હોવા જરૂરી છે.
સુરતની મારવેલા સોસાયટીના રહીશો દ્વારા આ બાબતે માગણી કરતી એક પિટિશન કરવામાં આવી હતી પરંતુ આજીવન મેન્ટેનન્સના નાણાં ચુકવ્યા બાબતે કોઇ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જતા આ બાબતે રેરા દ્વારા કોઇ રાહત આપવામાં આવી નહોતી.
આ ચુકાદો એટલા માટે મહત્વનો માનવામાં આવે છે કે, ઘણા બિલ્ડરો દ્વારા આજીવન મેન્ટેનન્સની રકમ રોકડ વ્યવહારના ભાગરૂપે લેવામાં આવે છે. તેના માટે કોઇ રીસીપ્ટ આપવામાં આવતી નથી અથવા તો કાચી રિસિપ્ટ આપવામાં આવે છે તેનું કાયદાની નજરે કોઇ મૂલ્ય હોતું નથી.
પછી જ્યારે સોસાયટી હેન્ડ ઓવર કરવામાં આવે તે વખતે બિલ્ડર દ્વારા આ રકમ સોસાયટીના નિભાવમાં ખર્ચ થઇ ગઇ છે તેવા બહાના હેઠળ પરત કરવામાં આવતી નથી. સોસાયટીનું બેંક ખાતુ ઝીરો બેલેન્સ રહે છે. રહીશોએ પછી ફરી વખત આજીવન મેન્ટેનન્સ ઉઘરાવવું પડતું હોય છે.
કેસની વિગતો મુજબ સુરતના ભીમરાડ ખાતે આવેલી મારવેલા રેસીડેન્સીના કુલ 75 થી વધુ રહીશો દ્વારા ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ પિટિશન કરીને બિલ્ડર વિરૂધ્ધ અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.
તે પૈકી એક મુદ્દો એવો હતો કે બિલ્ડર દ્વારા ફ્લેટ બુક કરાવતી વખતે બિલ્ડીંગ બી અને સીના રહીશો પાસેથી ઇલેક્ટ્રીક કનેક્શનના રૂ. 15 હજાર, ગેસ કનેક્શનના રૂ15 હજાર અને મેન્ટેન્ટન્સ ડિપોઝીટના રૂ. 33400 લેવામાં આવ્યા હતા.
તેઓને બિલ્ડર દ્વારા ભરોસો આપવામાં આવ્યો હતો કે સોસાયટી સોંપવામાં આવશે ત્યારે દરેક રહીશોને આ રકમ પરત આપી દેવામાં આવશે. પરંતુ આજદીન સુધી નાણા પરત કરવામાં આવ્યા નથી કે તેનો હિસાબ આપવામાં આવ્યો નથી.
તેની સામે બિલ્ડર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે બે વર્ષ પહેલા સોસાયટીની સોંપણી કરવામાં આવી હતી ત્યારે તે વખતના ચેરમેન અને વહીવટીમંડળને આ રકમ આપી દેવામાં આવી હતી. હવે કોઇ રકમ આપવાની બાકી રહેતી નથી.
આથી રેરા દ્વારા આ રજૂઆતોને ધ્યાનમાં લઇને પોતાના ચુકાદામાં નોંધવામાં આવ્યું હતું કે, આ બાબતે ફરિયાદીઓએ પહોંચ કે બીજા કોઇ દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા નથી. અત્યાર સુધી સોસાયટી દ્વારા ક્યારેય આ બાબતે માગણી કરવામાં આવી નથી.
આથી પહોંચ કે બીજા દસ્તાવેજી પુરાવાના અભાવે ફરિયાદી રહીશો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો માની શકાય નહી તેમ કહીને રેરાએ સોસાયટીના રહીશોનો દાવો ફગાવી દીધો હતો.
અલબત્ત બીજી રજૂઆતો જેમાં ફાયર એનઓસી સિસ્ટમ ઓટો ઉપર ચાલી શકે તે માટે વ્યવસ્થા કરવા, સોસાયટીના ગેટની અંદર પ્રવેશ કરતા વૃક્ષો માટે મૂકાયેલા પાકા કુંડા ફાયરના વાહનોને આવવા માટે નડતરરૂપ હોય તે દુર કરવા અને સોસાયટીના બેઝમેન્ટમાં મિકેનીકલ વેન્ટીલેશન નહી હોવાથી તેની વ્યવસ્થા કરવા માટે આદેશ કર્યો હતો.