મુંબઈ : ફૂડ અને ગ્રોસરી ડિલિવરી કંપની ઝોમેટોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ તરફથી 803.4 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે. કંપનીએ ગુરુવારે સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી હતી. તેનાં એક દિવસ બાદ આજે સવારે જ બીએસઈ સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો હતો. તે પછી પણ તેનાં શેર આગલાં દિવસનાં બંધ ભાવ કરતાં વધુ ટ્રેડ થઈ રહ્યાં હતાં.
ઝોમેટોને જીએસટી વિભાગ તરફથી જે ટેક્સ નોટિસ મળી છે તેમાં 401.7 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ અને તેટલી જ રકમનાં દંડ અને વ્યાજનો સમાવેશ થાય છે. આ માંગ 19 ઓક્ટોબર2019 થી 31 માર્ચ 2022 ના સમયગાળા માટે બાકી કર સાથે સંબંધિત છે.
ઝોમેટોએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે અમારી પાસે યોગ્યતાઓ પર એક મજબૂત કેસ છે, જે અમારાં બાહ્ય કાનૂની અને કર સલાહકારોના અભિપ્રાયો દ્વારા સમર્થિત છે. કંપની યોગ્ય સત્તાધિકારી સમક્ષ ઓર્ડર સામે અપીલ કરશે.” કંપનીને જે ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે.
તે ઝોમેટો અને સ્વીગી જેવાં એગ્રીગેટર્સ દ્વારા વસૂલવામાં આવતાં ડિલિવરી ચાર્જ પર ટેક્સ લાગું થવાથી સંબંધિત છે. પ્લેટફોર્મે દલીલ કરી છે કે ગીગ વર્કર્સ ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરે છે અને ઓર્ડરના આધારે ચૂકવણી કરવામાં આવે છે. વપરાશકર્તાઓ પાસેથી આ ડિલિવરી માટે ફી વસૂલવામાં આવે છે.આ ડિલિવરી ફી ગીગ વર્કરને આપવામાં આવે છે.
જીએસટી કાયદા હેઠળ, ફુડ ડિલિવરી એ એક સેવા છે જે 18 ટકાનાં દરે કરપાત્ર છે. સરકારનું માનવું છે કે, પ્લેટફોર્મ સર્વિસ ચાર્જ વસૂલતા હોવાથી તેમણે ટેક્સ ચૂકવવો જોઈએ. ગયાં વર્ષે ડિસેમ્બરમાં જીએસટી અધિકારીઓએ ઝોમેટોને આ મુદ્દે કારણ બતાવો નોટિસ મોકલી હતી.