અમેરિકામાં કામ કરવાનું વિચારી રહેલાં ભારતીયો માટે વધુ એક રસ્તો ખુલ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જે-1 વિઝાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. વિઝા નિયમોમાં સુધારા બાદ હવે ભારત, ચીન, દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા અને યુએઈ સહિત 34 દેશોનાં લોકોને જે-1 વિઝા પર અમેરિકામાં કામ કરવાનો વિકલ્પ પણ મળશે.
જો કે, નવાં વિઝા નિયમો જે-1 વિઝા ધારકોને લાગું પડતાં નથી કે જેઓ સરકારી ભંડોળ અથવા ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન પ્રોગ્રામ દ્વારા યુએસ આવ્યાં હતાં. સરકાર દ્વારા ’એક્સચેન્જ વિઝિટર સ્કિલ લિસ્ટ’માં ફેરફાર કરવામાં આવ્યાં છે, જેનાં પછી જે-1 વિઝા ધારકો એચ1બી વિઝા મેળવી શકશે અને ગ્રીન કાર્ડ માટે પણ અરજી કરી શકશે. છેલ્લાં 15 વર્ષમાં પ્રથમ વખત યાદીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
એક્સચેન્જ વિઝિટર સ્કિલ્સ લિસ્ટ એ દેશો અને તેમનાં ચોક્કસ ક્ષેત્રો વિશે જણાવે છે, જે તેમનાં દેશોનાં વિકાસ માટે મહત્વપૂર્ણ છે. અગાઉ, સૂચિમાં સમાવિષ્ટ દેશોનાં જે-1 વિઝા ધારકોએ તેમનો કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી બે વર્ષ માટે તેમનાં દેશમાં જવું પડતું હતું. જો કે, નવાં ફેરફારો બાદ હવે માત્ર 27 એવાં દેશો બચ્યાં છે, જેનાં જે-1 વિઝા ધારકોએ બે વર્ષ માટે તેમનાં દેશમાં જવું પડશે. આ ફેરફારો વિશ્વનાં આર્થિક અને વિકાસનાં વલણોને પ્રતિબિંબિત કરે છે.
જે 1 વિઝા ધારકોને શું લાભ મળશે ?
જે-1 વિઝા પર અમેરિકા ગયેલાં ભારતીય લોકો હવે અમેરિકામાં નોકરી મેળવવા અને કાયમી રહેવા વિશે વિચારી શકે છે. તેઓએ પહેલાં તેમનાં દેશમાં પાછાં ફરવા વિશે વિચારવાની જરૂર રહેશે નહીં. જે-1 વિઝા ધારકો એચ1બી વિઝા જેવાં જ વિઝા મેળવી શકે છે અથવા ગ્રીન કાર્ડ માટે અરજી પણ કરી શકે છે.
આ ફેરફાર ખાસ કરીને ભારતીય સંશોધકો, ચિકિત્સકો અને તાલીમાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે હવે તેમનાં તમામ અવરોધો દૂર થઈ ગયાં છે જેનાં કારણે અમેરિકામાં નોકરી મેળવવી મુશ્કેલ હતી.
નવાં ફેરફારોને કારણે, અમેરિકન કંપનીઓને પણ ફાયદો થવાનો છે, કારણ કે હવે તેમની પાસે એસટીઈએમ, હેલ્થકેર અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં વધુ સંખ્યામાં કુશળ વ્યાવસાયિકો હશે જેમાંથી તેઓ યોગ્ય ઉમેદવાર પસંદ કરી શકશે.
સંશોધન સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ કોઈપણ લોટરી વિના જે-1 વિઝા ધારકોને એચ1બી વિઝા આપી શકે છે. આ રીતે એક તરફ ભારતીયોને અમેરિકામાં નોકરીની વધુ તકો મળશે તો બીજી તરફ હવે અમેરિકન કંપનીઓ પણ નવાં ફેરફારોનો ફાયદો મળશે.
જે-1 વિઝા શું છે ?
જે-1 વિઝા યુએસ સરકાર દ્વારા એવાં લોકોને આપવામાં આવે છે જે એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લેવા આવે છે. આ કાર્યક્રમોનો ઉદ્દેશ સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિનિમયને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમો સામાન્ય રીતે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ અથવા સરકારી એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવે છે.
આ વિઝાનો હેતુ અમેરિકા અને અન્ય દેશો વચ્ચે પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવાનો છે. ઉપરાંત, લોકો અમેરિકા આવે છે અને નવી કુશળતા શીખે છે અને પછી તેનો ઉપયોગ તેમનાં દેશમાં કરે છે. જે-1 વિઝા વિવિધ શ્રેણીઓમાં આપવામાં આવે છે, જેમાં સંશોધન વિદ્વાનો અને પ્રોફેસરોનો સમાવેશ થાય છે.