અમદાવાદ કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટ કામગીરીની રેલવે ડીઆરએમએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કાલપુર રેલવે સ્ટેશનને વિવિધ સુવિધા સાથે વિશ્વસ્તરીય બનાવવા માટે તથા યાત્રિકોને વિવિધ સુવિધાઓ મળે તે સાથે અમદાવાદ રેલવે સ્ટેશન પર યાત્રિકોને સામાન્ય ટ્રેન, મેટ્રો રેલ અને બુલેટ ટ્રેનની સુવિધા એક સાથે મળી રહે તે પ્રકારનું આયોજન કરાશે તેમ જણાવ્યું હતું.
અમદાવાદ રેલવે સ્ટેશન ગુજરાતનું મહત્ત્વપૂર્ણ રેલવે સ્ટેશન છે. જેમાં 12 પ્લેટફૉર્મ અને 16 જેટલા ટ્રેક છે. વિકસિત રેલ યાત્રા અંતર્ગત રેલવે દ્વારા દેશના 1300 જેટલા નાના- મોટા રેલવે સ્ટેશનોનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાતના અમદાવાદ, સાબરમતી, મણિનગર, ભુજ, વટવા, અસારવા, ભિલડી, વિરમગામ, ધાંગધ્રા સહિતના 16 સ્ટેશનને આશરે 9000 કરોડથી વઘુ ખર્ચે વિકસિત કરાશે.
રેલવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અમદાવાદ સ્ટેશન માટે 2383 કરોડ, સાબરમતી સ્ટેશન માટે 340 કરોડ અને ભુજ સ્ટેશન માટે આશરે 300 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ તમામ સ્ટેશનના નવીનીકરણનું કામ વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરવાનું રેલવે તંત્રનું આયોજન છે. ત્યારે પશ્ચિમ રેલવેના ડીઆરએમ સુધીરકુમાર શર્મા સહિતના રેલવે અધિકારીઓએ બુધવારે અમદાવાદ, સાબરમતી રેલવે સ્ટેશનની મુલાકાત લઈ રિડેવલોપમેન્ટ કામની સમીક્ષા કરી હતી.
આગામી ત્રણ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને એક વિશ્વસ્તરીય પરિવહન કેન્દ્ર બનાવવા માટે મુખ્ય બિલ્ડીંગ, પાર્સલ વિભાગ, રસ્તા સહિતની સુવિધા માટે આશરે 2383 કરોડનો ખર્ચ કરવામાં આવશે. હાલ બુલેટ ટ્રેનના કામને લઈ ત્રણ પ્લેટફૉર્મ બંધ કરવામાં આવ્યાં છે ત્યારે સ્ટેશનનું નવીનીકરણનું કામ પૂર્ણ થતાં 12 સ્ટેશન ફરી કાર્યરત કરવામાં આવશે. દરેક પ્લેટફૉર્મ પર 4 લિફટ અને 4 એક્સેલેટર મૂકવામાં આવશે.
આ ઉપરાંત સ્ટેશન નજીક આવેલા ઝુલતા મીનારાઓ પાસે મોઢેરાના સૂર્ય મંદિરની ડિઝાઇન માફક સાર્વજનિક પ્લાઝા બનાવવામાં આવશે. જે સ્ટેશન પર આવતાં-જતાં યાત્રિકોને બેસવા અને હરવા-ફરવા માટે ઉપયોગી બનશે. કાલુપુર વિસ્તાર ખૂબ ગીચતાવાળો વિસ્તાર હોવાથી કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધી 6 લેન એલિવેશન બ્રિજ બનાવવામાં આવશે.