અમદાવાદના ખ્યાતિ હોસ્પીટલ કાંડ બાદ સમગ્ર આરોગ્ય ક્ષેત્રે ગંભીર પ્રત્યાઘાતો પડયા છે અને સરકાર પણ સ્તબ્ધ છે. જયારે પીએમજેવાય યોજના હેઠળ હોસ્પીટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં એકાએક 30 ટકાનો ઘટાડો જણાયો છે. આ ઘટાડા વિશે પણ અનેકવિધ સવાલ ઉઠવા લાગ્યા છે.
સુત્રોના કહેવા પ્રમાણે ખ્યાતિકાંડ પૂર્વે ગુજરાતમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેવાય) હેઠળ દરરોજ સરેરાશ 3800 દર્દી દાખલ થતા હતા અને તેઓના વિમા દાવા પ્રોસેસ થતા હતા મેથી ઓકટોબર મહિના સુધી આ સરેરાશ રહી હતી પરંતુ 11 નવેમ્બરે ખ્યાતિકાંડ સર્જાયા બાદ છેલ્લા એક મહિનામાં આ યોજના હેઠળ વિમા દાવાની રોજની પ્રોસેસ માટે 2700 થઈ ગઈ છે જે અંદાજીત 30 ટકાનો ઘટાડો સુચવે છે.
ખ્યાતિ કાંડ બાદ આરોગ્ય યોજનામાં સંભવીત ગોટાળા અને ભ્રષ્ટાચાર રોકવા માટે સરકાર દ્વારા નવી આકરી એસઓપી લાગુ કરવામાં આવી હતી એક મહિનામાં 12 હોસ્પીટલો તથા તેની સાથે સંકળાયેલા ડોકટરોને યોજના હેઠળ સસ્પેન્ડ કરી દેવાયા હતા.
તબીબી ક્ષેત્રના સુત્રોએ કહ્યું કે ગોટાળા રોકવા માટે વધુ પડતી સાવચેતી દર્દીઓને નુકશાન કરી રહી છે હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે એન્જીયોપ્લાસ્ટીના દાવાની મંજુરી પુર્વે બ્લડ રીપોર્ટ તથા ટીએમટી જેવા પરિક્ષણોનાં રીપોર્ટ મોકલવા પડે છે અગાઉ 45 મીનીટમાં મંજુરી મળી જતી હતી જેમાં હવે બે કલાક કે તેથી વધુનો સમય લાગે છે નવી કે નાની હોસ્પીટલોનાં દાવાઓમાં વધુ ચકાસણી થાય છે.
અમદાવાદ હોસ્પીટલ એન્ડ નર્સીંગ હોમ એસોસીએશનનાં પ્રમુખ ડો.ભરત ગઢવીએ કહ્યુ કે અમદાવાદમાં દરરોજ 200 વિમા દાવા પ્રોસેસ થતા હતા તે સંખ્યા 140 થઈ ગઈ છે.દર્દીના હિત અથવા ગોટાળા રોકવા સાવચેતી આવકાર્ય છે. પરંતુ ચકાસણીના નામે બિનજરૂરી ઢીલ દર્દી માટે જ નુકશાનકારક છે.
આરોગ્ય વિભાગનાં અધિકારીએ જોકે એવો દાવો કર્યો હતો કે પીએમજેવાય યોજના હેઠળના વિમા દાવાની સંખ્યામાં કોઈ નોંધપાત્ર ઘટાડો જણાતો નથી ખાનગી હોસ્પીટલોનાં દાવા આવતા થયા હોઈ શકે છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આરોગ્ય વિમા દાવા ઓછા થયાનું નકાર્યું હતુ. પ્રમાણીક દર્દીઓનાં દાવામાં કોઈ અડચણ નથી. ગોટાળા કરનારાઓ પર સકંજો છે.