રાજકીય તર્ક વિતર્ક પણ શરૂ : મંત્રીમંડળ વિસ્તરણનો મુદ્દો હજુ કેટલો પાછો ઠેલાશે! સ્થાનિક ચુંટણીઓ આવી ગઈ છે : પ્રદેશ પ્રમુખ પાટીલ પણ બેઠકમાં જોડાય શકે
► રાજયના ખ્યાતિકાંડની ગુંજ છેક સંસદમાં પહોંચતા મોદી સરકાર ચિંતામાં: કાયદો વ્યવસ્થામાં પણ ‘મોડેલ’ સ્ટેટ ઢીલુ પડ્યું હોવાનો સ્થિતિ પર નજર કરાય તેવી સંભાવના
ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકાર આવતીકાલે તેની બીજી ટર્મના બે વર્ષ પુરા કરવા જઈ રહી છે તેના એક દિવસ પુર્વે જ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આજે તેમના ખાસ વિમાનમાં દિલ્હી જવા રવાના થતા જ ફરી એક વખત રાજયમાં રાજકીય તર્કવિતર્કની ચર્ચા થવા લાગી છે.
ભુપેન્દ્ર પટેલ તેમની દિલ્હી મુલાકાત સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહને મળનાર છે. જો કે તેમની આ મુલાકાત ઓચિંતી નથી તે સ્પષ્ટ થયુ છે. સામાન્ય રીતે દર બુધવારે મળતી રાજય કેબીનેટ બેઠક એક દિવસ વહેલી એટલે કે ગઈકાલે મંગળવારે જ બોલાવી લેવામાં આવી હતી.
આમ તેમનો દિલ્હી પ્રવાસ નિશ્ચિત હતો અન હાલ ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ પણ સંસદનું સત્ર ચાલતું હોવાથી દિલ્હીમાં જ છે અને તેથી તેઓ પણ આ બેઠકમાં સામેલ થાય તેવી ધારણા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમની સરકારની છેલ્લા ત્રણ માસની કામગીરીનો રિપોર્ટ રજુ કરવા દિલ્હી ગયા છે. ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી શ્રી અમીત શાહનું હોમગ્રાઉન્ડ છે અને બન્ને નેતાઓ ગુજરાત અંગે સતત અપડેટ રહે છે.
હજુ ગત રવિવારે જ શ્રી શાહ અમદાવાદ હતા. જો કે તેમાં પોતાના ગાંધીનગર સંસદીય ક્ષેત્રના કાર્યક્રમોમાં નિયમીત હાજરી આપતા રહે છે અને સતત લોકો સાથે સંપર્કમાં રહે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી સમયમાં ઓલિમ્પિક તૈયારીને સૌથી મહત્વ અપાઈ રહ્યુ છે અને અમદાવાદ તેનું કેન્દ્ર બનશે તે સમયે આ શહેરને વર્લ્ડ કલાસ સીટી તરીકે દર્શાવવા અને આધુનિક સુવિધાઓ માટે સરકાર આતુર છે અને 2036ના ઓલિમ્પિકના દાવા માટે મજબૂત બ્લુપ્રિન્ટ જરૂરી છે તેથી તે માટે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. મહત્વનું એ છે કે, ગુજરાતમાં લાંબા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા છે.
શ્રી ભુપેન્દ્ર પટેલ પ્રારંભથી જ મર્યાદીત મંત્રીઓ સાથે સરકાર ચલાવે છે તો ભાજપના 156 બેઠકો પર વિજય બાદ લાંબા સમયથી આ ચર્ચા છે પણ એક યા બીજા કારણોથી મંત્રીમંડળ વિસ્તરણ થયુ નથી પણ હવે સંભવત આ એજન્ડા હાથમાં લેવાયો હોય તો તેની પણ ચર્ચા થશે તેવુ સૂત્રો કહ છે.
આ ઉપરાંત ખ્યાતિ હોસ્પીટલ કાંડે ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે કૌભાંડ ચાલે છે તેને ખુલ્લા કર્યા છે અને સરકારને એક બાદ એક હોસ્પીટલોને આ યોજનામાંથી સસ્પેન્ડ કરવાની ફરજ પડી રહી છે. ઉપરાંત સરકારી અધિકારીઓની સંડોવણી પણ ખુલ્લી છે.
આમ વડાપ્રધાનની આ મહત્વાકાંક્ષી યોજનાને તેના ગૃહ રાજયમાં જ જે રીતે ભ્રષ્ટાચારનો લુણો લાગી ગયો તે વડાપ્રધાન માટે ચિંતા હોઈ શકે છે. જો કે ગુજરાત સરકાર કંઈ છુપાવ્યા વગર જ ‘ઓલ-કલીન’ કરવા માટે જે રીતે આગળ વધી રહી છે તે સરકારની મકકમતા દર્શાવે છે. આ અંગે પણ ચર્ચા થાય તે શકય છે. રાજયમાં કાયદો અને વ્યવસ્થાના પશ્નો પણ હાલ વધી ગયા છે અને તેને અંકુશમાં રાખવામાં પણ સરકારન આકરૂ થવું પડયું છે.
ગુજરાત એ જે રીતે દેશમાં ‘મોડેલ’ સ્ટેટ છે તેમાં કોઈ પ્રશ્ન ન સર્જાય તે જોવા મોદી-શાહ આતુર છે. ખ્યાતિકાંડ છેક સંસદ સુધી પહોંચી ગયા છે અને તે પણ ચિંતા છે. બીજુ મહત્વનું સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીઓ આવી રહી છે. ભાજપને નવા પ્રદેશ પ્રમુખ પણ મળવાના છે.
આમ ગુજરાતએ આ વર્ષે ધમધમતુ અને કેન્દ્રમાં રહેવાનું છે તેથી રાજયમાં તેની શ્રેષ્ઠતા જાળવી રાખે તે જોવા મોદી-શાહ આતુર છે. છેલ્લે હરિયાણા ચૂંટણીના દિને તા.6 ઓકટોના દિલ્હીમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની આ બે રાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી.