બિન નિવાસી ભારતીયો (એનઆરઆઈ) પાસેથી વધુ નાણાં આકર્ષિત કરવાના ભાગરૂપ રિઝર્વ બેન્કે એનઆરઆઈની વિદેશી કરન્સીના સ્વરૂપની ડિપોઝિટ પરના વ્યાજ દરની મર્યાદામાં વધારો જાહેર કર્યો છે.
વિદેશી મૂડી પ્રવાહ વધારી રૂપિયા પરના દબાણને ઘટાડવા ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ બેન્ક ડિપોઝિટસ અથવા એફસીએનઆર (બી) થાપણ પર વ્યાજ મર્યાદામાં વધારો કરવા નિર્ણય કરાયો છે. ડોલર સામે હાલમાં રૂપિયો ઓલટાઈમ નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે તેવા સમયે વ્યાજ દર મર્યાદા વધારવામાં આવી છે.
રિઝર્વ બેન્કના નિર્ણય પ્રમાણે બેન્કોને નવી ૧થી ૩ વર્ષની મુદત સાથેની એફસીએનઆર (બી) થાપણ પર ઓવરનાઈટ ઓલ્ટરનેટિવ રેફરન્સ રેટ ઉપરાંત ૪૦૦ બેઝિસ પોઈન્ટસથી વધુ નહીં તેટલો દર વધારવા પરવાનગી અપાઈ છે. જે અગાઉ ૨૫૦ બેઝિસ પોઈન્ટ હતો. ૩થી પ વર્ષની મુદત માટેની થાપણ પરનો આ દર ઓલ્ટરનેટિવ રેફરન્સ રેટ ઉપરાંત ૫૦૦ બેઝિસ પોઈન્ટસ કરાયો હોવાનું રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. આ છૂટ આગામી વર્ષના ૩૧ માર્ચ સુધી જ ઉપલબ્ધ રહેશે.