રિઝર્વ બેંકની દ્વિમાસિક નાણાંકીય સમિતિની બેઠકમાં રેપોરેટ યથાવત રાખવામાં આવ્યો છે, જ્યારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે સળંગ અગિયારમી વખત વ્યાજદરોમાં કોઇ બદલાવ નથી કર્યો. અત્રે નોંધનીય છે કે ચાલુ નાણાં-વર્ષમાં કુલ ઘરેલુ ઉત્પાદનનો અંદાજ અગાઉના ૭.૨ ટકાથી ઘટાડીને ૬.૬ ટકા કરવામાં આવ્યો છે.
જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કુલ ઘરેલુ ઉત્પાદનનો વૃદ્ધિદર ૫.૪ ટકા રહ્યો, જે છેલ્લાં સાત ત્રિમાસિકમાં સૌથી નીચો છે. તેવામાં ઉદ્યોગજગત વ્યાજદરો ઘટવાની આશા રાખી રહ્યું હતું. અત્રે એ યાદ રાખવું રહ્યું કે મે ૨૦૨૨ થી રિઝર્વ બેંકે ફૂગાવો અંકુશમાં લાવવા વ્યાજદરો વધારવાના શરૂ કર્યા હતા અને એપ્રિલ ૨૦૨૩ સુધીમાં રેપોરેટમાં અઢી ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. સળંગ છ સમિતિ બેઠકોમાં મળીને કુલ ૨૫૦ બેઝીસ પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો.
ચાલુ નાણાં-વર્ષની પાંચમી દ્વિમાસિક નાણાંનીતિ સબબ રિઝર્વ બેંકના ગવર્નર શ્રી શક્તિકાંતા દાસે જણાવ્યં હતું કે “રેપોરેટ હાલના ૬.૫ ટકાના દરે યથાવત રાખવામાં આવે છે. નાણાંકીય નીતિ સમિતિ ભવિષ્યમાં આવતાં ડેટા પર નજર રાખવાની છે.” સાથે જ રિઝર્વ બેંકે કુલ ઘરેલુ ઉત્પાદનના અંદાજને ૭.૨ ટકાથી ઘટાડી ૬.૬ ટકા કર્યો છે. તેની સામે મોંઘવારી આંકનું બેન્ચમાર્ક ૪.૫ ટકાથી વધારી ૪.૮ ટકા કરવામાં આવ્યું છે.
સાથે જ ધિરાણમાં વૃદ્ધિ માટે બેંકો પાસે ઉપલબ્ધ ધિરાણપાત્ર ભંડોળ વધારવાના હેતુથી કેશ રિઝર્વ રેશિયો હાલના ૪.૫ ટકાથી ઘટાડી ૪ ટકા કરવામાં આવ્યો છે. કેશ રિઝર્વ રેશિયોનો આ ઘટાડો બેંકો પાસે વધારાના રૂ.૧.૧૬ લાખ કરોડ ઉપલબ્ધ બનાવશે, જેમાંથી તે વધુ ધિરાણો કરી શકશે.
કેશ રિઝર્વ રેશિયો એ બેંકોએ રિઝર્વ બેંક પાસે રાખવાની થતી કેશનું પ્રમાણ છે. તેના પર બેંકને કોઇ વ્યાજ મળતું નથી. ઓક્ટોબરમાં સરકારે રિઝર્વ બેંકની આ સમિતિમાં રામ સિંઘ, શૌગતા ભટ્ટાચાર્ય અને નાગેશ કુમાર એમ ત્રણ નવા સભ્યોનો ઉમેરો કર્યો હતો. આ નવા સામેલ થયેલ સભ્યોવાળી આ બીજી દ્વિમાસિક બેઠક હતી.
મોંધવારી દર બાબત શ્રી દાસે જણાવ્યું છે કે, ચાલુ નાણાં-વર્ષમાં ખાદ્ય પદાર્થોની વધતી કિંમતોને પગલે બહોળા પરિપેક્ષ્યમાં મોંઘવારી દર ડિસેમ્બરમાં ઊંચો રહી શકે છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત મોંઘવારી દરમાં ગયા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અચાનક વધારો થયો હતો, જે ખાદ્યપદાર્થોની કિંમતોમાં જોવા મળેલ અચાનક ઉછાળાને પગલે હતો.
‘કોર ઇન્ફ્લેશન’ કે જે નરમ જોવાઇ રહ્યું છે તેમાં પણ ઓક્ટોબરમાં વધારો જોવા મળ્યો હતો. ઇંધણ જૂથમાં સતત ચૈદમા મહિને ડિફ્લેશન નોવા મળ્યું છે. ડિસેમ્બર ૨૦૨૪ ની નાણાંકીય નીતિ જાહેર કરતાં શ્રી દાસે જણાવ્યું છે કે, “ઘણાં પાસાંઓ પર નરમી છતાં, મથાળાનો મોંઘવારી દર ચાલુ નાણાંવર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ખાદ્ય પદાર્થોના ભાવવધારાને કારણે ઊંચો રહી શકે છે.”
રિઝર્વ બેંકે નાણાંવર્ષ ૨૦૨૪-૨૫ ના ત્રીજા ત્રિમાસિક માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સી.પી.આઇ.) ૫.૭ ટકા અને ચોથા ત્રિમાસિક માટે ૪.૫ ટકાના અંદાજ સાથે સમગ્ર વર્ષ માટે ૪.૮ ટકાનો અંદાજ હોવાનું જણાવ્યું છે. સાથે જ શ્રી દાસે કૃષિક્ષેત્ર માટે આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, “મોંઘવારી દરના હળવા થવામાં રબી પાકોની ભૂમિકા નિર્ણાયક રહે. હાલ માટીની ભીનાશે, જળસ્ત્રોતોનાં સ્તર વિગેરે ધ્યાને લેતાં રબી વાવણી માટે સાનુકૂળ સંજોગો છે.”
સી.પી.આઇ. મોંઘવારી દર કે જે જુલાઇ-ઓગસ્ટમાં ૩.૬ ટકા હતો, તે સપ્ટેમ્બરમાં ૫.૫ ટકા થયો અને ઓક્ટોબરમાં વધીને ૬.૨ ટકા થયો છે, જે સપ્ટેમ્બર ૨૦૨૩ પછીનો સૌથી ઊંચો મોંઘવારી દર હતો. હાલની મિટીંગમાં આશાવાદ વ્યક્ત કરવામાં ાવ્યો છે કે, રબી પાકો સારાં રહેતાં ચોખા અને તુવેરદાળના ભાવો ઘટે, તેમજ શાકભાજીના ભાવોમાં પણ શિયાળામાં જોવા મળતો સ્વાભાવિક ઘટાડો જોવા મળે.
સાથે જ શ્રી દાસે જણાવ્યું હતું કે ખાદ્ય તેલની આયાત ડ્યુટીમાં થયેલ વધારો, તેમની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં થયેલ વધારો જેવાં સ્થાનિક પરિબળો પર પણ નજર રાખવાની રહેશે. શ્રી દાસે જણાવ્યું હતું કે, “સતત વધતો મોંઘવારી દર લોકોની ખરીદક્ષમતા ઘટાડે છે અને તેમની રોકાણક્ષમતા પર અવળી અસર કરે છે, જેની વિકાસ પર પ્રતિકૂળ અસર થાય છે. તેથી, સતત વિકાસ માટે ભાવોમાં સ્થિરતા અનિવાર્ય છે. જો તે અમુક બિંદુની બહાર જાય, તો પછી નીતિગત દરમ્યાનગીરી કરવાની રહે છે.
પર્યાવરણના બદલાવની પ્રતિકૂળ અસરોમાં વધારો, ડામાડોળ વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને નાણાં બજારની ઉથલપાથલ મોંઘવારી દરના વધારા બાબતે સંભવિત ભયસ્થાનો હોવાનું સમિતિનું માનવું છે.