વિવિધ રાજ્યોમાંના 27 કોલ બ્લોક્સની હરાજી ગુરુવારથી શરૂ થઈ રહી છે. કેન્દ્રિય કોલસા અને ખાણ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી 11 માં રાઉન્ડની હરાજીની શરૂઆત કરશે, જેમાં 27 કોલ-બ્લોક્સની નીલામી થવાની છે. આ કોલ-બ્લોક્સમાં 20 ખાણોનું બિડિંગ થવા જઇ રહ્યું છે. તેમાથી 10 બ્લોક્સ પૂર્ણ સંશોધિત છે, જ્યારે 10 અંશતઃ સંશોધિત છે. પૂર્ણ સંશોધિત બ્લોક્સ એવા બ્લોક્સ છે કે જ્યાં કોલસો ક્યાં અને કેટલી માત્રામાં છે તેની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ છે. જ્યારે અંશતઃ સંશોધિત બ્લોક્સમાં આવી માહિતી સંપૂર્ણ જ્ઞાત હોતી નથી.
શ્રી રેડ્ડીના જણાવ્યા અનુસાર, આ અગાઉ થયેલ 10 માં રાઉન્ડની હરાજીના બીજા પ્રયત્નમાં બાકી રહેલ બ્લોક્સ પણ આ રાઉન્ડની હરાજીમાં નીલામી માટે મૂકવામાં આવશે. આ તમામ નોક-કોકિંગ કોલ-બ્લોક્સ છે અને તેમાથી રૂ. 1446 કરોડની આવક અને 19 હજારથી વધુ નોકરીઓનું સર્જન થવાની શક્યતાઓ છે.
જ્યારે બુધવારે સંસદને આપવામાં આવેલ જાણકારી મુજબ સેટેલાઈટ સ્પેક્ટ્ર્મની ફાળવણી માટે ટેલિકોમ વિભાગે નિયમન સંસ્થા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) પાસે આ અંગેના નિયમો ઘડવા માટે અભિપ્રાય માંગ્યો છે. સરકાર સેટેલાઇલ સ્પેક્ટ્ર્મની ફાળવણી વહીવટી વ્યવસ્થા થકી કરવા ઇચ્છે છે. ટેલિકોમ ઓપરેટર્સએ રેડિયોવેવ માટે હરાજીમાં બોલી બોલવાની રહેશે.
લોકસભામાં આપવામાં આવેલ લેખિત જવાબમાં રાજ્યકક્ષાના સંચારમંત્રી શ્રી પેમ્માસામી ચંદ્રશેખરે જણાવ્યુ છે કે વહીવટી માળખા થકી ફાળવવામાં આવેલ સ્પેક્ટ્ર્મ પણ ચાર્જને પાત્ર હોય છે, જે સરકારની આવકોમાં ઇજાફો કરે છે. શ્રી શેખરે જણાવ્યુ હતું કે, ટેલિકોમ વિભાગે ટ્રાઈ પાસેથી સ્પેક્ટ્ર્મ ફાળવણીના નિયમો તેમજ પરવાનેદારોએ ચૂકવવાની થતી ફી તેમજ તમામ હિતધારકોને સમાન મંચ પૂરું પાડવા સબબ અભિપ્રાય માંગ્યો છે.
જે તે પ્રદેશમાં સેટેલાઈટ સંચાર સેવાઓ પૂરી પાડવાના મામલે ટેલિકોમ ઓપરેટર્સએ ટ્રાઈના દ્રષ્ટિકોણનો વિરોધ કર્યો હતો અને જણાવ્યુ હતું કે ટ્રાઈનો દ્રષ્ટિકોણ તમામ હિતધારકોને સમાન મંચ પૂરું પાડવાના ટેલિકોમ વિભાગના દ્રષ્ટિકોણથી અલગ છે.