સુપ્રીમ કોર્ટનાં જજે બેકાબૂ મુસાફરો માટે પગલાં લેવાની માંગ કરતી અરજીની સુનાવણી વખતે તેમનો અનુભવ શેર કર્યો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ કે.વી. વિશ્વનાથને મંગળવારે કહ્યું કે, તેમને અને જસ્ટિસ સૂર્યકાંતને તાજેતરમાં એક ફ્લાઈટમાં ખૂબ જ ખરાબ અનુભવનો સામનો કરવો પડ્યો હતો. જેમાં સવાર બે યાત્રીઓ નશામાં ધૂત હતાં.
જસ્ટિસ વિશ્વનાથને બોર્ડમાં બેકાબૂ મુસાફરો સાથે વ્યવહાર કરવા માટે પગલાં જારી કરવાની માંગ કરતી અરજીની સુનાવણી કરતી વખતે તેમનો અનુભવ શેર કર્યો હતો. બેંચમાં જસ્ટિસ વિશ્વનાથન સાથે જસ્ટિસ બીઆર ગવઈ પણ સામેલ હતાં.
જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે, અમને તાજેતરમાં હવાઈ મુસાફરી દરમિયાન કડવો અનુભવ થયો હતો. બે પુરૂષ મુસાફરો સંપૂર્ણપણે નશામાં હતાં. તેમાંથી એક શૌચાલયમાં ગયો અને ત્યાં સૂઈ ગયો. અન્ય એક, જે બહાર હતો, તેની પાસે ઉલ્ટી કરવા માટે બેગ હતી.”
“ક્રૂ મેમ્બર તમામ મહિલાઓ હતી,” તેમણે કહ્યું કે, 30 થી 35 મિનિટ સુધી કોઈ દરવાજો ખોલી શક્યું ન હતું. આ પછી ફ્લાઈટ એટેન્ડન્ટે મુસાફરને દરવાજો ખોલીને સીટ પર લઈ જવાં વિનંતી કરી હતી. તે 2:40 કલાકની ફ્લાઇટ હતી.”
જસ્ટિસ વિશ્વનાથને સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું કે, સત્તાવાળાઓએ બેકાબૂ હવાઈ મુસાફરો સાથે વ્યવહાર કરવા માટે ’ક્રિએટિવ’ ઉકેલ શોધવો જોઈએ. તેમણે કહ્યું કે, મુસાફરોને સમાવવા માટે વ્યૂહાત્મક યોજના બનાવવાની જરૂર છે.
નવેમ્બર 2022 માં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ધૂત એક વ્યક્તિએ 72 વર્ષીય મહિલા પેસેન્જર પર પેશાબ કર્યો હતો. આ માટે આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી.
શંકર મિશ્રા પર ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મહિલા સહ-યાત્રી પર પેશાબ કરવાનો આરોપ હતો. આ ઘટના 26 નવેમ્બર 2022ના રોજ એરક્રાફ્ટનાં બિઝનેસ ક્લાસમાં બની હતી.