દિલ્હી : સિંગાપોરથી દિલ્હી આવી રહેલાં પ્લેનમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે પાર્કિંગ-વે પર પાર્ક કરેલું પ્લેન ધીમે-ધીમે પાછળ જવા લાગ્યું. આ જોઈને પાઈલટને અચાનક ખ્યાલ આવ્યો કે તે બ્રેક લગાવવાનું ભૂલી ગયો છે. આ પછી સિંગાપોર એરલાઈન્સના પાઈલટે તરત જ બ્રેક લગાવી દીધી હતી. ત્યારબાદ તરત જ એર ટ્રાફિક કંટ્રોલ અને ગ્રાઉન્ડ સ્ટાફને મામલાની જાણ કરવામાં આવી હતી.આ ઘટના આઇજીઆઇ એરપોર્ટના ટર્મિનલ-3 પર બની હતી. આ પ્લેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.
એરક્રાફ્ટમાં તૈનાત એક ક્રૂ મેમ્બરને તેની જાંઘ પર સામાન્ય ઈજા થઈ છે, જેની સારવાર કરવામાં આવી છે અને તેને ફરજ પર પરત જવા દેવામાં આવ્યો છે.સિંગાપોર એરલાઇન્સનું એરબસ એ380 એરક્રાફ્ટ સોમવારે સિંગાપોરથી દિલ્હી આઇજીઆઇ એરપોર્ટ પર પહોંચ્યું હતું. પાયલોટે પેસેન્જર્સ સાથે પ્લેન પાર્કિંગ વે પર પાર્ક કર્યું હતું. આ દરમિયાન પાયલોટે મોટી ભૂલ કરી કે તે પ્લેન પાર્ક કર્યા બાદ બ્રેક લગાવવાનું ભૂલી ગયો હતો.એવું કહેવામાં આવ્યું હતું કે પાર્કિંગ વે પર ઢાળના કારણે જ્યારે પ્લેન ધીમે ધીમે પાછળની તરફ જવા લાગ્યું ત્યારે મુસાફરો અને પાયલટને આની જાણ થતાં પાયલટે તરત જ પાર્કિંગ બ્રેક લગાવી દીધી હતી. આ અંગે એર ટ્રાફિક કંટ્રોલ અને ગ્રાઉન્ડ સ્ટાફને પણ જાણ કરી હતી.
આ પછી પાઇલટ અને મુસાફરો બંનેએ રાહતનો શ્વાસ લીધો હતો. એરક્રાફ્ટ સ્થિર થયાં પછી, પાઇલોટ્સે વિમાનને સલામત રીતે પાર્કિંગ માર્ગ પર પાછું ખસેડ્યું હતું. આ પછી મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યાં હતાં.સદનસીબે પ્લેનની આજુબાજુ કોઈ વાહન કે અન્ય એરક્રાફ્ટ પાર્ક કરવામાં આવ્યું ન હતું, અન્યથા મોટી દુર્ઘટના થઈ શકી હોત. સિંગાપોર એરલાઈન્સે આ ઘટના પર મુસાફરોને પડેલી અસુવિધા માટે માફી માંગી છે.