Stock Today

અદાણીના સમર્થનમાં દેશના બે ટોચના ધારાશાસ્ત્રી ઉતર્યા: કોઈ લાંચ કેસ બનતો નથી

નવી દિલ્હીઃભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અને તેમની કંપની પર લાગેલા આરોપોને અદાણી ગ્રીન એનર્જી દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે અને આ લાંચના આરોપો સાથે જોડાયેલા અહેવાલોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. આ મામલામાં હવે દેશના સૌથી મોટા વકીલોમાંથી એક અને પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ આજે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું કે, અમેરિકન તપાસમાં ગૌતમ અદાણીને ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આવ્યા નથી. આ ઉપરાંત વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

આ મામલા અંગે પૂર્વ એટર્ની જનરલ અને વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે, હું અદાણી ગ્રુપનો પ્રવક્તા તરીકે નથી બોલી રહ્યો, પરંતુ આ સમગ્ર આરોપમાં 5 આરોપો અથવા કલમો સામેલ છે, જેમાંથી કલમ 1 અને 5 સૌથી મહત્વપૂર્ણ છે અને બંનેમાં, ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર આરોપ મૂકવામાં આવ્યો નથી.

મુકુલ રોહતગીએ વધુમાં કહ્યું કે, ગૌતમ અદાણી કે સાગર અદાણી બંને પર FCPA હેઠળ આરોપ મૂકવામાં આવ્યો નથી, જે ભારતના ભ્રષ્ટાચાર નિવારણ કાયદા સમાન છે. કલમ 5 હેઠળ લગાવવામાં આવેલા આરોપોમાં આ બેના નામ નથી પરંતુ કેટલાક વિદેશી વ્યક્તિઓના નામ સામેલ છે.

વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીના જણાવ્યા અનુસાર, ચાર્જશીટમાં સ્પષ્ટપણે જણાવવું પડે છે કે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે. જે રીતે આરોપ લગાવવામાં આવ્યા છે કે અદાણી તરફથી ભારતીય સંસ્થાઓને લાંચ આપવામાં આવી છે, પરંતુ ચાર્જશીટમાં એક પણ નામ જોવા મળ્યું રહ્યું નથી અને ન તો એ જોવા મળી રહ્યું છે કે કેવી રીતે તેમને લાંચ આપવામાં આવી, તે કયા વિભાગ સાથે સંબંધિત છે.

મુકુલ રોહતગીએ કહ્યું કે, મને ખાતરી છે કે ગૌતમ અદાણી અને તેમની કંપની આ અંગે અમેરિકન વકીલો પાસેથી કાયદાકીય સલાહ લેશે. કાઉન્ટ 1 અને 5 અન્ય કેટલીક સંસ્થાઓના નામ પણ આપે છે.

આ ઉપરાંત, ગૌતમ અદાણી પર લાંચના આરોપ મુદ્દે વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે, ચાર્જશીટમાં ભારતમાં કોઈ પણ લાંચની વાત કરવામાં આવી નથી. આરોપ માત્ર એટલો જ છે કે લાંચ આપવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ભારતમાં કાયદાના ઉલ્લંઘનના કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

જેઠમલાણીએ વધુમાં કહ્યું કે, ગૌતમ અદાણી કે અદાણી ગ્રીન્સ સામે ચાર્જશીટમાં કોઈ આરોપ મૂકવામાં આવ્યો નથી. આ સમગ્ર મામલો અદાણી ગ્રીન એનર્જી દ્વારા બોન્ડ જારી કરવા સાથે સંબંધિત છે. કથિત રીતે ઉલ્લંઘન એ છે કે આ બોન્ડ ધારકોને જાણ કર્યા વિના જારી કરવામાં આવ્યા હતા અને આ ભારતમાં નિયમોનું ઉલ્લંઘન હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, મામલો એ છે કે, તમે ભારતમાં લોકોને આ બોન્ડ્સ સબસ્ક્રાઇબ કરવા માટે પ્રેરિત કર્યા. પરંતુ કોંગ્રેસ કે અન્ય કોઈએ ભારતીય કાયદાના ઉલ્લંઘન અંગે કોઈ પુરાવા આપ્યા નથી.

વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ કહ્યું કે, માત્ર આરોપ છે કે લાંચ આપવાનો ઈરાદો હતો. કથિત કાવતરા અંગે કોઈ પુરાવા નથી કે ષડયંત્ર કેમ ઘડવામાં આવ્યું? આ આરોપ અંગેનો ન્યાયિક આદેશ છે અને મને ખબર નથી કે કોર્ટે કયા પુરાવાના આધારે કાર્યવાહી કરી છે. કોંગ્રેસની તપાસની માંગ પર તેમણે કહ્યું કે, જ્યાં સુધી વિપક્ષ ગૌતમ અદાણી વિરુદ્ધ નક્કર પુરાવા લાવે નહીં ત્યાં સુધી તપાસ કે JPC  ન થવી જોઈએ. કાં તો તેઓ સાબિતી લાવે અથવા ઘોંઘાટ કરવાનું બંધ કરે. તથ્યો વિના તેમની ટીકા કરવી અયોગ્ય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top